Charchapatra

ઝાંપાબજારની ભુલી બીછડી યાદેં

આ શહેરના જુના જાણીતા ઝાંપાબજારની બોલબાલા એની રોનક સાથે આજે પણ અકબંધ રહેવા પામી છે. એની પાછળનું મહત્વનું મુખ્ય કારણ મનમૌજી હિન્દુ અને ભાઈજાન મુસ્લિમ પરિવારની એકતા અને ભાઈચારાની ભાવના સાથે બદા વર્ષોજુના એકબીજા સાથે દુકાનદારીના દીલોજાન સંબંધ કોઈનુ પણ કામ ક્યારેય અટકે નહીં એવી એકબીજા પ્રત્યેની હમદર્દી સાથે શુભભાવના. 32 વર્ષથી ઝાંપાબજારની દુકાનદારી છોડી પરંતુ હજુ આજે પણ વ્યાપારી સંબંધ મીઠામધૂરા જળવાય રહ્યા છે. અઠવાડિયામાં એક વાર ઝાંપાબજારનો આંટો નહીં મારીએ તો ચેન નહીં પડે.

તા. 24 માર્ચના ‘સિટી પલ્સ’ પૂર્તિમાં ‘ગુજરાતમિત્ર’ અખબારમાં 118 વર્ષ પુરાણી ‘પેઢીનામુ’ વિભાગમાં ‘ઉત્તમ’ની મીઠાઈની યાદ તાજી કરી છે. દિનપ્રતિદિન પેઢીનામુની લોકપ્રિયતા એની ચરમસીમા પર પહોંચી ગઈ છે. એના માટેનો ‘ગુજરાતમિત્ર’ અખબારનો પ્રચંડ પુરુષાર્થ સાથે અસ્સલ સુરતીલાલાઓ સાથેનો એમનો આદર અને પ્રેમ અદભૂત ગણાય. ઝાંપાબજારના આસપાસના વિસ્તારના સલાબતપુરાનો ખત્રી સમાજ, નવાપુરા ગોલવાડનો રાણા સમાજ, બેગમપુરા અને ઘાંચીશેરીનો સુરતી મોઢ વણિક સમાજ, મહિધરપુરાનો કણબી પટેલ સમાજ એ ઉપરાંત ઝાંપાબજારનો વ્હોરવાડનો વ્હોરા સમાજ ભઠિયારાવાડનો મુસ્લિમ સમાજ શુભ-અશુભ પ્રસંગે ઉત્તમની મીઠાઈની મુલાકાતે સૌથી પહેલા આવે અને શુભપ્રસંગના હલવા, મોહનથાળ, અશુભ પ્રસંગની ઘારીનો ઓર્ડર આપે.

એ ઓર્ડર પર પુરતુ ધ્યાન રાખી ભવતાળની કોઈ વાત નહી એટલો બધો વિશ્વાસ કે ઉત્તમની મીઠાઈ એટલે ઉત્તમ. સમયસર વાડીમાં માલ પહોંચી જાય. એનુ બીલ પણ પ્રસંગ પતી ગયા પછી શાંતિથી સગવડ મુજબ પૈસા આપવાના. મને યાદ છે કે ઘરના વડીલ ક્યારેય ઉત્તમની મિઠાઈની દુકાને જાય ત્યારે મને સાથે લઈ જાય. દુકાન પર એક બાજુ વડિલ ચુનીકાકા અને એની સામે હીરા કાકા બેઠા હોય તેઓ અમારા હાથમાં પહેલા મીઠાઈનો ટુકડો મૂકી દે પછી બીજી બધી વાત. વાત પણ કેવી! મીઠી મધૂરી મીઠાઈ જેવી. સ્વાદીપટ વાત કરે. દિવાળી અને બળેવના તહેવારમાં સરકાીર પરમીશન લઈને દુકાન થોડીક આગળના ભાગમાં બેઠક કરી ધમધોકાર વ્યાપાર કરે. આ બજારમાં સૌથી વધુ ચલણ સોડા અને ચાનુ. ગ્રાહક સાથેના સંબંધ એવા કે કોઈ પણ ચા-પાણી વગર છૂટા નહીં પડે. દર વર્ષે મુલ્લાજીની પધરામણીના કારણે દરેક વ્યાપારીના ધંધાનો ખૂબ વિકાસ થયો છે એ નહીં ભુલાય.
સુરત     – જગદીશ પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પાણીની પરંપરા

હોળી જાય એટલે ઉનાળાના મંડાણ થાય,ઉનાળામાં માણસને પાણીની તરસ વધુ લાગે છે.આપણું સુરત તાપીના કિનારે વસેલું છે. સુરતને કોઈ દિવસ પાણીની તંગી પડી નથી. પાણીના અવિરત સ્ત્રોતના કારણે સુરતની સમૃદ્ધિમાં તાપીમાતાની મહેર છે. પહેલા સુરતમાં ગરમીના દિવસોમાં પાણીની પરબો લાગતી હતી. વટેમાર્ગુ પરબ પર નિઃશુલ્ક વહેંચાતા પાણીથી પ્યાસ બુજાવતા હતા. અમુક જાહેર રસ્તા ઉપર નજીવા પૈસે ઠંડુ પાણીનું વેચાણ પણ થતું હતું.લગ્ન પ્રસંગે પાલિકા ના પાણીનો પવાલી માં સંગ્રહ કરવામાં આવતો હતો,પાલિકાનું પાણી લગ્ન પ્રસંગોમાં પીવાતું હતું.

સમયાંતરે મિનરલ વોટરનું ચલણ આવ્યું.પ્રસંગોમાં મિનરલ વોટર જ વપરાય છે. મિનરલ વોટરના જગનું પાણી પણ નાઇટ્રોજન વાળું આવવા લાગ્યું છે. પરિણામે હવે પ્રસંગોમાં નાની મિનરલ વોટરની બોટલની પરંપરા નો પ્રારંભ થયો છે. બોટલને કારણે પાણી નો બગાડ વધુ થાય છે. આ પ્રથાના કારણે પ્લાસ્ટિક ના કચરાનો વધારો થઈ રહ્યો છે. સામાન્યપણે હવે ઘરોમાં પહેલાની જેમ માટલાનું પાણી વધુ પીવાય છે. કોરોના પછી ફ્રીઝના પાણી નો ક્રેઝ ઓછો થયો છે. જળ જીવનનું અમૃત છે. જળ એજ જીવન છે.!
સુરત     – કિરીટ મેઘાવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top