બુટલેગરો ‘બેખોફ’: બે હોમગાર્ડને કચડી નાંખવાની ધમકી

બારડોલી: બારડોલીના (Bardoli) લિસ્ટેડ બુટલેગર પીન્ટુ (Pintu) અને તેના સાગરીતોએ ફરજ ઉપર હાજર બે હોમગાર્ડ (home guard ) સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ ધામડોદ રોડ ઉપર શિવાજી ચોક નજીક આમલેટની લારી બંધ કરવાનું કહેતાં ત્યાં હાજર પીન્ટુ અને તેના સાગરીતોએ હોમગાર્ડ સાથે માથાકૂટ કરી હતી અને પોલીસ મારું કંઈ કરી નહીં લે તમે હવે જો પાછા દેખાયા તો ફોરવ્હીલ ગાડીથી ઉડાડી દેવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ બારડોલી પંથકમાં બુટલેગરો બેફામ બન્યા છે. હવે તેઓને ખાખી વર્દીનો પણ ખોફ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. ગતરોજ રાત્રિના સમયે બારડોલીના લિસ્ટેડ બુટલેગરે હોમગાર્ડના જવાનો સાથે ઝપાઝપી કરી ધમકી આપી ભાગી છૂટ્યા હતા. બારડોલીના બાબેન ગામે વંદનાનગર સોસાયટીમાં રહેતા અનિલકુમાર દાદાજીભાઈ આહિરે (ઉં.વ.32) બારડોલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત 20 જાન્યુઆરીએ રાત્રિના સમયે અન્ય એક હોમગાર્ડ દીક્ષિત ત્રિકમ પટેલ સાથે બારડોલીના ધામદોડ રોડ ઉપર શિવાજી ચોક નજીક ફરજ ઉપર હાજર હતા. તે સમયે નજીકમાં આવેલી મુકેશ આમલેટની લારી ઉપર રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ પીન્ટુ અને તેની સાથે પાંચથી 6 જેટલા માણસો આમલેટ ખાવા બેઠા હતા અને તેઓ જોરજોરથી બૂમો પાડતા હતા.

પોલીસ મારું કંઈ કરી નહીં લે, તમે ફરી દેખાયા તો ફોરવ્હીલ ગાડીથી ઉડાડી દઈશ’
જેથી આ બંને હોમગાર્ડ જવાનો આમલેટની લારી ઉપર પહોંચ્યા હતા. અને આમલેટની દુકાન પર હાજર મુકેશને જણાવ્યું હતું કે, રાત્રિના 12:30 વાગ્યા છે લારી બંધ કરો અને માણસોને જવા દો તેમ કહેતાં તેણે જણાવ્યું હતું કે, હું લારી બંધ કરું છું. જેથી આ બંને હોમગાર્ડના જવાનો પરત શિવાજી ચોક નજીક પહોંચ્યા હતા. ત્યારબાદ ફરી પીન્ટુ પરસોત્તમ પટેલ (રહે., હિદાયતનગર, બારડોલી) તથા તેની સાથેના માણસો જોરજોરથી બૂમાબૂમ કરતાં હોવાથી આમલેટની લારી બંધ કરવાનું કહેતાં પીન્ટુ અને તેની સાથે બેથી ત્રણ માણસ ગાળો બોલતાં બોલતાં બહાર આવ્યા હતા અને હોમગાર્ડ અનિલ તથા દીક્ષિત સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી યુનિફોર્મનો કલર પકડી ધક્કો મારી નીચે પાડી દીધા હતા. અને પીન્ટુ પોલીસ મારું કંઈ કરી નહીં લે. તમે હવે જો પાછા દેખાયા તો ફોરવ્હીલથી ઉડાડી દઇશ તેવી ધમકી આપી સ્વિફ્ટ કારમાં બેસી સાગરીતો સાથે ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે અનિલકુમારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ પીન્ટુ પોલીસને કેમ હાથ લાગતો નથી
બારડોલીનો લિસ્ટેડ બુટલેગર પીન્ટુ ઢો.પટેલ વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હોય અને તે હાલમાં પણ બારડોલીમાં જ પડ્યોપાથર્યો રહેતો હોવા છતાં હજુ સુધી કેમ તે પોલીસને હાથ ન લાગ્યો એ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

નાઈટ કરફ્યૂ હોવા છતાં કોના આશીર્વાદથી આમલેટની લારી 12 વાગ્યા સુધી ચાલે છે
હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. રોજબરોજ કેસોની સંખ્યામાં વધારો નોંધાતાં કોરોના ગાઈડ લાઇન મુજબ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂનો અમલ કરવાનો હોય તો પછી આ મુકેશ આમલેટની લારીવાળો કોના આશીર્વાદથી રાત્રિના 12થી 1 વાગ્યા સુધી લારી ખુલ્લી રાખે છે એ પણ ચર્ચાનો વિષય છે.

Most Popular

To Top