Editorial

હિમાલયન ક્ષેત્રમાં વિકાસના નામે કરાતા આંધળુકિયાઓ ભયંકર પરિણામો નોંતરી શકે છે

ઉત્તરાખંડમાં આવેલું જોષીમઠ નામનું નગર એ જાણીતા યાત્રાધામ બદરીનાથ જવા માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. હાલ છેલ્લા કેટલાક દિવસથી ત્યાંના રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં મકાનોમાં, મકાનોની ફરસમાં તિરાડો પડવા માંડી અને ગભરાયેલા લોકોએ ત્યાંની કડકડતી ઠંડીમાં પણ બહાર દોડી આવવું પડ્યું. ત્યાં સ્થિતિ એટલી ભયંકર છે કે રસ્તાઓ પર પણ તિરાડો પડી રહી છે અને વધુને વધુ પહોળી થતી જઇ રહી છે. પ૦૦ જેટલા ઘરો, ઇમારતોમાં તિરાડો પડી છે અને સંખ્યાબંધ લોકોને પોતાના મકાનો છોડી દેવાની ફરજ પડી છે.

શુક્રવારે સાંજે જોષીમઠમાં એક મંદિર તૂટીને ધરાશાયી થઇ ગયું. કોઇ ઇમારત પુરેપુરી તૂટી જવાની આ પહેલી ઘટના હતી અને હજી વધુ ઇમારતો તૂટવાનો ભય છે. આ મંદિર તૂટી પડ્યું તેમાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહીં કારણ કે તેમાં તિરાડ પડી પછી તે ત્યજી દેવાયું હતું. નજીકના ઔલી ટાઉનમાં પણ આવી જ હાલત છે. જમીનમાં અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ પછી ત્યાંના હાઇડલ પાવર અને ચાર ધામ યાત્રાના રોડના પ્રોજેક્ટ બંધ કરી દેવાયા છે.

ખરેખર તો આ પ્રોજેક્ટો શરૂ કરતા પહેલા જ વિચારણા કરી લેવાની જરૂર હતી. આ ઘટનાઓ પછી ઉત્તરાખંડની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. અસરગ્રસ્તોને સલામત સ્થાને ખસેડવા ઉત્તરાખંડ સરકારે તાબડતોબ કાર્યવાહી કરવા માંડી અને કેન્દ્ર સરકારે જોષીમઠની સ્થિતિ અંગે તપાસ સમિતિની રચના કરીને તપાસ શરૂ કરાવી, પરંતુ એ કઠોર વાસ્તવિકતા છે કે આ વિસ્તારમાં યાત્રાળુઓની સુવિધાને નામે તથા વિકાસના નામે કરાતા આડેધડ બાંધકામો અહીંની નાજુક પર્યાવરણીય સમતુલા માટે ખૂબ જોખમી છે તેવી નિષ્ણાતોની ચેતવણીઓની રાજ્ય અને કેન્દ્ર સરકારોએ ધરાર ઉપેક્ષા કરી છે.

નિષ્ણાતો તો ક્યારના ચેતવણી આપતા હતા કે આ પહાડી વિસ્તારની નાજુક ભૌગોલિક સ્થિતિ જોતા ત્યાં વિકાસ કાર્યોના નામે બાંધકામ કરવા એ ખૂબ જોખમી છે છતાં આ ચેતવણીઓને અવગણીને ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા. કેન્દ્ર અને રાજ્ય – બંને સરકારોના અને પ્રજાના પણ અવિચારીપણાનું હવે ભયંકર પરિણામ આવવા માંડ્યું છે. ઉત્તરાખંડનું જોશીમઠ નગર જમીનમાં બેસતું જાય છે અને ત્યાં મકાનોની ફરસમાં તિરાડો પડી છે તે બાબતે એક જાણીતા નિષ્ણાતે જણાવ્યું છે કે આ માટે માનવીય પ્રવૃતિઓ અને કુદરતના પરિબળો એ બંને બાબતો જવાબદાર છે.

આ પરિબળો હાલ તુરંતના નથી, તેઓ લાંબા સમયગાળા દરમ્યાન રચાયા છે એ મુજબ વાડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ હિમાલયન જીઓલોજી કલાચંદ સૈને જણાવ્યું હતું. આમ તો જોષીમઠ સહિતના વિસ્તારોમાં જોખમી ભૌગોલિક સ્થિતિ ઘણી જૂની છે અને અગાઉ પણ અનેક અભ્યાસો તેના પર થઇ ગયા છે. અગાઉ ઉત્તરાખંડ રાજ્યની રચના થઇ ન હતી અને જોષીમઠ સહિતના વિસ્તારો ઉત્તર પ્રદેશમાં હતા ત્યારે તે વિસ્તારોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે તે સમયની સરકારે મિશ્રા સમિતિની રચના કરી હતી.

આ મિશ્રા કમિટિએ ૧૯૭૬માં તેના અહેવાલમાં લખ્યું છે કે તે જૂના ડૂબાણ ઝોન પર વસેલું છે. જોશીમઠ એ બદ્રીનાથનું પ્રવેશદ્વાર છે અને ત્યાં છેલ્લા કેટલાક સમયમાં લાંબી વિચારણા કરાયા વિના બાંધકામ પ્રવૃતિઓ ખૂબ થઇ છે. યાત્રાળુઓની સુવિધાના નામે માળખાઓ વિકસાવવામાં આવ્યા છે, હોટેલો અને રેસ્ટોરાંઓ બિલાડીની ટોપની માફક ફૂટી નિકળ્યા છે. વસ્તીનું દબાણ અને પર્યટકોની ભીડનું દબાણ જમીન પર ઘણુ વધ્યું છે અને તેથી પણ ત્યાં જમીનની સ્થિતિ બગડી છે. હાલ છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રાળુઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે.

સાચા ધાર્મિક જનો મુશ્કેલીઓ વેઠીને માર્ગો અને સુવિધાઓના અભાવ વચ્ચે પણ ત્યાં યાત્રાએ જતા હતા અને તેમની સંખ્યા મર્યાદિત રહેતી હતી. પણ પછી યાત્રાળુઓની સુવિધાના નામે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પાકા માર્ગો, હોટેલો વગેરેની સગવડો વધારવામાં આવી, આ નાજુક ભૌગોલિક સ્થિતિ ધરાવતા પ્રદેશના રસ્તાઓ ટુરિસ્ટ વાહનોથી ધમધમવા માંડ્યા, ઘણા લોકો ફક્ત દેખાદેખી અને પર્યટનના શોખથી અહીં આવવા માંડ્યા અને સ્થિતિ બગડવા માંડી. વિકાસના નામે હાઇડ્રો પાવર સ્ટેશન જેવા પ્રોજેક્ટો પણ ધમધમતા કરવામાં આવ્યા અને આજે હવે પરિણામ આપણી સામે છે.

જોષીમઠની ઘટનાઓ સરકાર અને પ્રજા બંને માટે આંખ ઉઘાડનારી છે. આખો હિમાલયન વિસ્તાર ખૂબ નાજુક અને જોખમી ભૌગોલિક સ્થિતિ ધરાવે છે અને ત્યાં કુદરતી જોખમો તો છે જ, પરંતુ વધેલી માનવીય હિલચાલે સ્થિતિ વધુ જોખમી બનાવી દીધી છે. હજી પણ ચેતી જઇને આ વિસ્તારની સ્થિતિનો વિચાર કરીને તે અનુસાર સંયમ રાખીને વર્તવામાં આવે તેમાં જ શાણપણ છે. ખરેખર તો જોષીમઠની આસપાસના વિસ્તારોમાં જ નહીં પરંતુ હિમાલયન ક્ષેત્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસના નામે આંધળુકિયાઓ કરવામાં આવ્યા છે.

અહીં ફક્ત જમીન ધસી પડવાની કે ધરતીકંપની ઘટનાઓ જ નહીં પરંતુ ગ્લેશિયરો પીગળવાની અને મોટા પાયે હિમપ્રપાત થવાની ઘટનાઓ પણ વધી રહી છે. જો ગ્લેશિયરો અચાનક પીગળે, હિમશીખરો તૂટવા માંડે તો હિમાલયમાંથી નિકળતી નદીઓમાં પ્રચંડ પૂર આવી શકે છે અને ભારે તારાજી થઇ શકે છે. લાંબા ગાળાની ગંભીર અસરો થાય તે તો જુદી. હજી પણ સમય છે, સરકાર અને પ્રજા બંનેએ હિમાલયના વિસ્તારોની બાબતમાં શાણપણ દાખવવાની જરૂર છે.

Most Popular

To Top