Gujarat

કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાત ભાજપમાં સન્નાટો

ગાંધીનગર : કર્ણાટકમાં (Karnatak) ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. જો કે, કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે 136 જેટલી બેઠકો મળતા હવે ગુજરાત ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. જેના પગલે ભાજપની નેતાગીરી હવે લોકસભાની આગામી ચૂંટણીના પગલે ફૂંકી ફૂંકીને ચાલે તેવી સંભાવના છે. વધુ પડતો આત્મવિશ્વાસ જોખમી સાબિત થઈ શકે છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં ભાજપે છેવટે મતદારોને રિઝવવા માટે હિન્દુત્વ કાર્ડ પણ ખેલ્યું હતું. અલબત્ત, હિન્દુત્વનું કાર્ડ પણ ભાજપ માટે મતો આકર્ષી શકયુ નથી.

કર્ણાટકની ચૂંટણીના પરિણામોનું આંકલન કરનારા સિનિયર ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, મોદી અટક પર સુરતમાં કેસ ચાલી ગયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો આદેશ કરાયો હતો. જો કે તે પછી રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવા માટે લેવાયેલા પગલાએ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતી ઊભી કરી છે. કોઈ એક વ્યકિત્તની વધુ પડતી ટિકા થાય એટલે રાજનીતિમાં તેના પ્રત્યે લોકોમાં કયાંક સહાનુભૂતિ પેદા થતી જ હોય છે. કર્ણાટકમાં આવુ જ કંઇક થયુ છે. ભાજપની નેતાગીરીએ હાલ તો જાહેરમાં કોઈ મોટા પ્રત્યાધાત આપવાનું ટાળી દીધુ છે. જો કે અંદરખાને તેઓ રાજકીય આકલન ચાલી રહ્યું છે છે , કે કર્ણાટકની ચૂંટણીના પરિણામોની લોકસભાની ચૂંટણી પર શું અસર થઈ શકે છે.

બીજી તરફ ભાજપના પૂર્વ મંત્રી અને ઉમરગામથી ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે દહેશત વ્યક્ત કરી છે કે જો પ્રજાનાં કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ કર્ણાટકવાળી થશે. રમણ પાટકરે અધિકારીઓ અને કાર્યકરોને જનતાનાં કામ કરવાની ટકોર કરી છે. પાટકરે વધુમાં કહ્યું હતું કે જો પ્રજાના કામ સમયસર ન કરવામાં આવશે તો નેતા અને પદાધિકારીઓનું પ્રજાથી અંતર વધી જશે જેને લઈને કર્ણાટક જેવું પરિણામ ગુજરાતમાં પણ આવી શકે છે.

બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી તા.19થી 21મી મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરને સંબોધન કરનાર છે. જેના પગલે આ શિબિરમાં સરકારની પરિણામલક્ષી કામગીરી પર ભાર મૂકીને તે મુદ્દે ચર્ચા કરશે. આ ત્રણ દિવસિય ચિંતન શિબિરમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણના મુદ્દાઓ આવરીને તેના પર ચર્ચા થશે. મુખ્પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રીઓ, મુખ્ય સચિવ રાજકુમા , મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા અધિકારીઓ આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જોડાશે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થતાં રાજ્યભરમાં જીતની ભવ્ય ઉજવણી કરી
ગાંધીનગર : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જબરજસ્ત જીત થતાં ગુજરાત કોંગ્રેસ પણ ગેલમાં આવી ગયું છે, અને રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકરોએ ઢોલ, નગારા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા હતા. ગુલાલ ઉડાડી, ઢોલ, નગારા વગાડી, ફટાકડા ફોડી, એકબીજાને પેંડા ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર જાહેર થયું હતું. જેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસના આ વિજયથી સમગ્ર દેશમાં જાણે કે કોંગ્રેસમાં નવી ઊર્જા આવી હોય તેમ કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. રાજ્યમાં કોંગ્રેસ કાર્યાલયો ઉપર આજે સવારથી જ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકરો ઢોલ, નગારા અને ફટાકડાની આતસબાજી કરી એકબીજાને મોં મીઠુ કરાવી જીતનો આનંદ વ્યક્ત કરતાં હતાં.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકરો પણ વિજય ઉત્સવમાં ઊમટી પડી હતી. મહિલા કાર્યકરોએ ડીજેના તાલે ગરબા કર્યા હતા. યુવા કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ઝુમી ઉઠ્યા હતા.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બજરંગ બલી (હનુમાનજી)ને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ બજરંગબલી હનુમાનજીનો મુદ્દો ભાજપને વિજય અપાવી શક્યો નહીં. કોંગ્રેસના વિજય ઉત્સવમાં કેટલાક કાર્યકરો હનુમાનજીના પહેરવેશમાં આવ્યા હતા, અને કહ્યું હતું કે મારા નામે મત માગનારાઓને મેં તેમનું સ્થાન બતાવી દીધું છે, મારા આશીર્વાદ કોંગ્રેસને છે. કોંગ્રેસ કાર્યકરોએ પણ જય શ્રી રામ અને જય બજરંગબલીના નારા લગાવ્યા હતા.

Most Popular

To Top