“વિવેચકોને જવાબ આપવાની જરૂર નથી”બ્રોડકાસ્ટરની ટિપ્પણી ચર્ચામાં
IPL 2026માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન Riyan Parag ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગથી ચર્ચામાં આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં પરાગે માત્ર 50 બોલમાં 90 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમે 225/6નો મોટો સ્કોર ઉભો કર્યો હતો. આ જબરદસ્ત ઇનિંગ બાદ પરાગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ હવે વિવેચકોને જવાબ આપવાની જરૂર નથી માનતા. તેમણે જણાવ્યું કે ટીમ માટે બે પોઇન્ટ મેળવવું જ તેમની પ્રથમ પ્રાથમિકતા છે, વ્યક્તિગત ઇનિંગ્સનું મહત્વ ત્યારે જ છે જ્યારે ટીમ જીતે.
મેચ બાદ બ્રોડકાસ્ટ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર અને કોમેન્ટેટર Danny Morrisonએ મજાકીય અંદાજમાં કહ્યું, “ચાલો હવે સ્માઇલ જોઈએ, એ દાંત ફરીથી દેખાડો.” આ ટિપ્પણી બાદ પરાગ થોડા સમય માટે સ્મિત કરતા નજરે પડ્યા, પરંતુ તરત જ ફરી ગંભીર થયા. આ મેચ પહેલા રિયાન પરાગ સતત ટીકા હેઠળ હતા. પહેલા 9 મેચમાં તેઓ માત્ર 117 રન બનાવી શક્યા હતા, જેના કારણે તેમની કેપ્ટનશિપ અને ફોર્મ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા હતા. પરંતુ દિલ્હી સામેની 90 રનની ઝડપી ઇનિંગથી તેમણે વિવેચકોને મૌન જવાબ આપ્યો.
મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરાગે પિચ ધીમી થવાની શક્યતા ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેમ છતાં, 225 જેવા મોટા સ્કોર છતાં ટીમને જીત મળી શકી નહીં, કારણ કે દિલ્હી કેપિટલ્સે 7 વિકેટથી મેચ જીતી લીધી. મેચ બાદ પરાગે કહ્યું કે ટીમનો સ્કોર પૂરતો હતો,પરંતુ બોલિંગ વિભાગ મધ્ય ઓવરોમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. હાલમાં પરાગની આ ઇનિંગ ટીમ માટે આત્મવિશ્વાસ વધારનાર સાબિત થઈ છે અને તેમની લીડરશિપને પણ મજબૂત બનાવે છે.