ઈરાનના હુમલાથી બચાવવા મજબૂત બનાવ્યું સુરક્ષા કવચ
મધ્ય પૂર્વમાં ઈરાન સાથે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયલે સંયુક્ત અરબ અમીરાત (UAE)ને સુરક્ષા આપવા માટે પોતાના અદ્યતન લેઝર આધારિત એર ડિફેન્સ સિસ્ટમ સહિત અનેક સૈન્ય સાધનો મોકલ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ ઇઝરાયલે “આયર્ન બીમ” નામની લેઝર ડિફેન્સ સિસ્ટમ UAEમાં તૈનાત કરી છે, જે ઈરાનના ડ્રોન અને મિસાઇલ હુમલાને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે.
માહિતી અનુસાર, આ લેઝર સિસ્ટમ ટૂંકા અંતરના રૉકેટ, ડ્રોન અને હવાઈ ખતરાને લક્ષ્ય બનાવી તરત જ નષ્ટ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ હજુ સુધી સંપૂર્ણ રીતે ઇઝરાયલના પોતાના નેટવર્કમાં પણ સંપૂર્ણ રીતે સંકલિત નહોતી અને કેટલાક ભાગ પ્રોટોટાઇપ સ્ટેજમાં હતા, છતાં પણ તેને તાત્કાલિક રીતે UAEની સુરક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ઇઝરાયલે માત્ર ટેક્નોલોજી જ નહીં પરંતુ પોતાના સૈનિકોને પણ UAEમાં મોકલ્યા હતા, “આયર્ન ડોમ” એર ડિફેન્સ સિસ્ટમ ચલાવી શકાય અને ઈરાન તરફથી આવતા મિસાઇલ હુમલાને અટકાવી શકાય. રિપોર્ટ મુજબ અનેક ઇઝરાયલી સૈનિકો UAEમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
“આયર્ન ડોમ” સિસ્ટમ દ્વારા ઈરાન તરફથી છોડવામાં આવેલી અનેક મિસાઇલોને રસ્તામાં જ નષ્ટ કરવામાં આવી હતી. આ પહેલીવાર હતું જ્યારે ઇઝરાયલે પોતાનું આ અદ્યતન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અન્ય કોઈ દેશને યુદ્ધ જેવી સ્થિતિમાં આપ્યું હતું.સાથે સાથે ઇઝરાયલે “સ્પેક્ટ્રો” નામનું સર્વેલન્સ પ્લેટફોર્મ પણ મોકલ્યું હતું, જે લગભગ 20 કિલોમીટર દૂરથી આવતાં ડ્રોન શોધી શકે છે. આ સિસ્ટમ UAEને ઈરાનના હુમલાથી સમયસર ચેતવણી આપવામાં મદદરૂપ બની.
વિશેષજ્ઞોના મત મુજબ, ઇઝરાયલ અને UAE વચ્ચે વધતી સૈન્ય સહકારની આ ઘટના મધ્ય પૂર્વની રાજકીય અને સુરક્ષા સમીકરણમાં મોટો ફેરફાર દર્શાવે છે. ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાના વધતા ખતરા વચ્ચે બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઈરાન દ્વારા UAE સહિત ખાડી દેશો પર સૈંકડો મિસાઇલ અને હજારો ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેના કારણે આ વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધુ ગંભીર બની છે. આવી સ્થિતિમાં ઇઝરાયલ દ્વારા મોકલવામાં આવેલી અદ્યતન લેઝર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ UAE માટે મહત્વપૂર્ણ સુરક્ષા કવચ સાબિત થઈ છે.