National

ભાજપના નેતા બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આ તારીખે લેશે શપથ: સ્ક્રીપ્ટ તૈયાર થઈ ગઈ હોવાની ચર્ચા

મુંબઈ (Mumbai): છેલ્લાં ત્રણ દિવસથી મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના (Shivsena) મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) સેનાના 38 અને અપક્ષના 7 એમ કુલ 45 ધારાસભ્યો (MLA) સાથે બળવો પોકારતા ઉદ્ધવ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. વીતેલા ત્રણ દિવસ દરમિયાન ખૂબ જ નાટ્યાત્મક રીતે હિન્દુત્વ અને સાચા શિવસૈનિક હોવાના દાવા સાથે શિવસેનાના મોખરાના નેતાઓની વર્તણૂંક રહી છે. એકનાથ શિંદે સાથે બળવાખોર નેતાઓ વાયા સુરત ગુવાહાટી જતા રહ્યાં છે અને હજુ પણ મહારાષ્ટ્રથી સુરતમાં શિવસેનાના ધારાસભ્યો અને સાંસદો આવી રહ્યાં છે. ગુરુવારે શિવસેનાના વધુ 9 ધારાસભ્યો સુરત આવ્યા છે, જેઓને ચાર્ટર્ડ પ્લેન મારફતે ગુવાહાટી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાટ્યાત્મક રીતે બુધવારે સાંજે રાજીનામાની ઓફર કરવા સાથે જ રાતોરાત મુખ્યમંત્રી આવાસ છોડી દીધું છે. તેઓ પરિવાર સાથે માતોશ્રી બંગલામાં શિફ્ટ થયા છે. જે સ્પષ્ટ કરે છે કે તેઓ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર રહેશે નહીં. મહારાષ્ટ્રમાં અઢી વર્ષ પહેલાં સરકાર બનાવવા માટે શિવસેનાને ટેકો આપનાર એનસીપીના નેતા શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરેને એવી સલાહ આપી કે તેઓ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ સોંપી દે. પરંતુ એકનાથ શિંદેએ તો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનનો જ અસ્વીકાર કરી દીધો છે. તે સાથે જ એકનાથ શિંદેએ શિવસેનાના પ્રમુખ પદ પર પોતાના માણસ ગોઠવી દઈ શિવસેના પર પોતાનો અધિકાર જમાવ્યો છે. આ તમામ રાજકીય ગતિવિધિ પાછળ એકનાથ શિંદેને ભાજપનો ફૂલ સપોર્ટ મળ્યો છે ત્યારે એક એવી ચર્ચા ચાલી રહી છે કે આ તમામ ખેલ ઉદ્ધવ ઠાકરેને ઈશારે પાર પાડવામાં આવ્યો છે. અતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એનસીપીના પ્રમુખ શરદ પવારને પણ શંકા છે કે એનસીપીના નેતાને મુખ્યમંત્રી પદ સોંપવું નહીં પડે તે માટે ઉદ્ધવ ઠાકરેએ જ આ ચાલ રમી છે. જોકે, આ વાતને કોઈ અધિકૃત સમર્થન સાંપડ્યું નથી.

આ તરફ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે ભાજપ તૈયાર થઈ ગયું હોવાની માહિતી સાંપડી છે. ઓપરેશન કમલ સફળ થયા બાદ હવે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે પ્રસ્તાવ મુકે તેવી શક્યતા છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હાલમાં એકનાથ શિંદે સાથે શિવસેનાના 38 અને 7 અપક્ષ ધારાસભ્ય છે. આમ એકનાથ શિંદેની તાકાત 45 ઉપર પહોંચી છે. એકનાથ શિંદે ભાજપ સાથે હાથ મિલાવી નવી સરકાર રચવા મુદ્દે ચર્ચા શરૂ કરી હોવાની માહિતી સાંપડી છે. સુત્રોની જાણકારી પ્રમાણે 3 જુલાઈના રોજ નવી સરકારની શપથવિધી થાય તેવી શક્યતા છે. એકનાથ શિંદે અને ભાજપની ફોર્મ્યુલા પ્રમાણે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહેશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ જ મુખ્યમંત્રી બને તેવું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે મંગળવારે જ્યારે બળવાખોરો સુરત આવ્યા ત્યારે જ ફડણવીસ દિલ્હી દોડી ગયા હતા. જોકે, છેલ્લી ઘડીએ અમીત શાહ અને નરેન્દ્ર મોદી કોઈ આશ્ચર્ય આપનારો નિર્ણય જાહેર કરે તો નવાઈ નહીં.

મુખ્યમંત્રી પદ ભાજપને મળશે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે તેવી પણ ચર્ચા છે. શિંદે વિધાનસભામાં પોતાની ઓળખ શિવસેના તરીકે જ જાળવી રાખશે તેવુ કહેવામાં આવી રહ્યુ છે. એકનાથ અને ભાજપ વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે નાયબ મુખ્યમંત્રી પદ સહિત એકનાથ જુથના 12 ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવી શકે છે. શિંદે જૂથના મંત્રીઓના મંત્રી પદ યથાવત રાખવાની ખાતરી પણ આપવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ એકનાથ શિંદેને ઓફર આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપે સરકારે બનાવવાનો પ્રસ્તાવ આપતાં શિંદે જૂથે પણ આ ઓફર આપી છે કે તેમણે સરકારમાં સારા મંત્રાલય સોંપવામાં આવશે. 13 મંત્રી પદ અને કેન્દ્રીય મંત્રીઓના પદની ઓફર પણ ભાજપ તરફ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

Most Popular

To Top