Dakshin Gujarat

બીલીમોરામાં સામાન્ય ઝઘડામાં પાડોશીએ પરાઈથી હુમલો કર્યો, દીકરાને બચાવવા જતાં વૃદ્ધા ઘાયલ થઈ

બીલીમોરા : બીલીમોરાના મોરલી ગામે ઘરના આંગણામાં ખાડો નહીં ખોદવાનું કહેવા જતા પરાઈથી વૃદ્ધ મહિલા ઉપર હૂમલો થતાં વૃદ્ધા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.

ગણદેવી તાલુકાના બીલીમોરા નજીકના મોરલી ગામ નવા ફળિયામાં રહેતા ગિરીશ પટેલના ઘરના આંગણામાં તેઓની સામે રહેતા પંકજ નગીન પટેલ બે મજૂરો લાવીને ખાડા ખોદી રહ્યા હતા. તે સમયે ગિરીશભાઇના પત્ની લીલાબેન (60)એ ખાડો ખોદશો તો અમારી પાઇપલાઇનને નુકસાન થશે એવું કહેવા જતા પંકજ પટેલે ઉશ્કેરાઈ જઈ લીલાબેન તેમના પતિ ગીરીશભાઈ અને પુત્ર પ્રગ્નેશ સાથે બોલાચાલી અને ઝઘડો કરી પરાઈથી પ્રજ્ઞેશ પટેલને મારવા દોડતા માતા લીલાબેન વચ્ચે પડતાં પુત્રને બદલે માતા લીલાબેન ઉપર હુમલો કરતા લીલાબેનને માથામાં અને ડાબા હાથે ઇજા પહોંચાડી પંકજ પટેલ મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. લોહીલુહાણ હાલતમાં લીલાબેનને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમના ઉપર હુમલો કરનાર પંકજ પટેલ વિરુદ્ધ લીલાબેને ફરિયાદ નોંધાવતા પોલીસ તેની ધરપકડ કરી જેલમાં પૂરી દીધો છે.

વિજલપોરમાં બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત
નવસારી : બાઈક સ્લીપ થતા વિજલપોરના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, વિજલપોર રામજીપાર્કમાં સુમિત ગંગાદિન કૈથલ (ઉ.વ. 19) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 8મી મે ના રોજ સુમિત બાઈક લઈને કામ અર્થે ક્યાંક જઈ રહ્યો હતો. દરમિયાન તેણે બાઈકના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઇ જતા તેને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. જેથી સુમિતને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુમિતનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોકટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો જલાલપોર પોલીસ મથકે આગળની તપાસ એ.એસ.આઈ. રાજુભાઈને સોંપી છે.

Most Popular

To Top