Business

સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ જીવનમાં સફળ અને સુખી કઈ રીતે થવું તેનો મંત્ર આપ્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ (SGCCI) બિઝનેસ કનેકટ દ્વારા ગુરૂવાર, તા. ર જૂન, ર૦રર ના રોજ સરસાણા ખાતે જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાની સફળ જીવન ગાથા ઉપર ‘DIAMONDS ARE FOREVER, SO ARE MORALS’ વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી રામકૃષ્ણ એકસપોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ જુદા–જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

  • ચેમ્બરના એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ દ્વારા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાની સફળ જીવન ગાથા ઉપર “DIAMONDS ARE FOREVER, SO ARE MORALS“ વિશે કાર્યક્રમ યોજાયો
  • પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ’ જ જીવનમંત્ર ગોવિંદભાઇ ધોળકિયાએ આપ્યો
  • ગોવિંદ ધોળકિયાએ કહ્યું બિઝનેસમાં સ્પર્ધકથી આગળ નીકળવું હોય તો તેનાથી વધુ ગતિથી અને વધારે મહેનત સાથે કામ કરવાની જરૂર છે
  • રૂપિયા સુખ આપે છે એ ભ્રમણા છે, રૂપિયા માત્ર સાધન આપી શકે છે, સુખ માત્ર સમજણ જ આપી શકે છે અને સાદગીભર્યા જીવનમાં જ સુખ છે : ગોવિંદભાઇ ધોળકિયા

ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જીવન અથવા બિઝનેસમાં મુશ્કેલી નહીં આવે ત્યાં સુધી પ્રગતિ થતી નથી. આથી તેમણે ‘પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ’ને જ જીવનમંત્ર બનાવ્યો છે. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ જ તેમની કંપનીનું સ્લોગન પણ છે અને આ સ્લોગન અનુભવમાંથી નીકળેલું છે. તેઓ જ્યારે વર્ષ ૧૯૬૪ માં સુરત આવ્યા હતા ત્યારે ૧૪ કલાક કામ કરતા હતા. તેમણે ગામ તથા સુરતમાં આવ્યા બાદ કરેલા સંઘર્ષની વાતો ઉદ્યોગકારો સાથે વાગોળી હતી.

તેમણે જણાવ્યું હતું કે સંસ્કાર વગરનું શિક્ષણ, ખંત વગરની ખેતી અને સમજણ વગરનું જીવન નકામું છે. બુદ્ધીનું વધારે સાંભળશો નહીં. બુદ્ધિનો ઉપયોગ માત્ર વિવેક પૂરતો જ કરવો જોઇએ. જીવનમાં જે કઇપણ નિર્ણય લેશો તે હૃદયથી લેજો. પોતે માન મેળવવો હશે તો પહેલા બીજાને માન આપવો પડશે. આરોગ્યને સારું રાખવા માટે હાર્ડવર્ક કરવાની જરૂર છે. હાર્ડવર્ક કરે એ આનંદિત હોય છે. સ્ટાફ કર્મચારીઓને કયારેય ઓછા આંકવા નહીં જોઇએ. તેઓને તેમની આવડત પ્રમાણે પગાર આપવો જોઇએ. જો ડ્રાઇવર હશે તો તેને પણ રૂપિયા ૪૦ હજાર સુધીની સેલેરી આપવા માટે તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. કારણ કે, તેઓ પણ પરિવારનો હિસ્સો હોય છે અને અંતે પાલન કરનારાને લાભ તો થાય જ છે.

બિઝનેસમાં પણ જો સ્પર્ધકથી આગળ નીકળવું હોય તો તેનાથી વધુ ગતિથી અને વધારે મહેનત સાથે કામ કરવાની જરૂર છે. તેમણે કહયું કે, રૂપિયા સુખ આપે છે એ ભ્રમણા છે, રૂપિયા માત્ર સાધન આપી શકે છે. સુખ માત્ર સમજણ જ આપી શકે છે અને સાદગીભર્યા જીવનમાં જ સુખ છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટના ચેરમેન તપન જરીવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે કો–ચેરપર્સન સ્નેહા જરીવાલાએ ગોવિંદભાઇ ધોળકિયાનો પરિચય આપ્યો હતો. અંતે કો–ઓર્ડિનેટર વિશાલ શાહે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Most Popular

To Top