Dakshin Gujarat

બીલીમોરા: પુરમાં તણાઈ રહેલી માનવ ખોપરી પૂલ પાસે આવીને અટકી ગઈ

બીલીમોરા: (Bilimora) આંતલીયા – ઉંડાચ પુલનો પિલર બેસી જતા લોકોને 20 કીમીનો ચકરાવો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન નવા પૂલ લગોલગ વર્ષો જુના ડૂબાઉ પૂલ (Bridge) ઉપરથી શનિવારે સવારે પાણી ઉતરતા વૈકલ્પિક માર્ગ વપરાશ માટે સફાઈ હાથ ધરાઈ હતી. દરમિયાન પુરમાં તણાઈ રહેલી માનવ ખોપરી (Human Skull) પૂલ પાસે આવીને અટકી ગઈ હતી. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયલા ફોટો ધૂમ મચાવી રહ્યા છે.

  • પુરમાં તણાઈ રહેલી માનવ ખોપરી પૂલ પાસે આવીને અટકી ગઈ
  • આંતલીયા – ઉંડાચ પુલનો પિલર બેસી જતા લોકોને 20 કીમીનો ચકરાવો, કેશડોલ માટે 34 ટીમનો સર્વે

ગણદેવી તાલુકા સાથે બીલીમોરામાં સતત પાંચ દિવસ સુધી પૂરની સ્થિતિ બાદ શુક્રવારે પૂર ઓસર્યા હતા. શહેરો અને ગામોની અનેક રહેણાંક વસાહતોમાં ભરાયેલા ગળાડૂબ પાણી પોતાની પાછળ કાદવકીચડ છોડી જતા લોકોની હાલાકી વધી હતી. રહેણાંક મકાન અને લપસણા માર્ગ માટે સફાઈ અભિયાન હાથ ધરાયા હતા. ફરી એકવાર જનજીવન ધબકતું કરવા તંત્રએ પ્રયાસો હાથ ધરી તાલુકાના 37 ગામો અને 2 શહેરોમાં પૂર નુકશાની માટે 34 ટીમને સર્વે માટે ઉતારી લોકોને કેશડોલ ચૂકવવા કામગીરી આરંભી હતી.
જેમાં ગણદેવી તાલુકા પંચાયતે 20 ટીમ બનાવી અસરગ્રસ્ત 37 ગામોમાં, જ્યારે બીલીમોરા પાલિકામાં 10 ટીમ અને ગણદેવી પાલિકા વિસ્તારમાં 4 ટીમોએ સર્વે હાથ ધર્યો હતો. નિયમોનુસાર પુખ્તવયના માટે રોજિંદા રૂ.100 અને બાળકો માટે રોજિંદા રૂ.60 રૂપિયા લેખે કેશડોલ ચૂકવાશે. ગણદેવી તેમજ બીલીમોરા શહેર અને 37 ગામો રહેણાંક વિસ્તાર, માર્ગો લપસણા બનતા કાદવ કીચડની સફાઈ હાથ ધરાઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારમાં ટેન્કર દોડાવી સફાઈ માટે વધારાનું પાણી અપાયું હતું. આરોગ્ય વિભાગે પુર ગ્રસ્ત વિસ્તારોમાં મચ્છરજન્ય બિમારીને નાથવા ફોગીંગ કામગીરી હાથ ધરાઈ હતી.

પૂરના પાણી ઓસરતા યુધ્ધના ધોરણે કામગીરી કરવા નવસારી કલેક્ટરની તાકિદ
નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર અરવિંદ વિજયન ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા સંકલન બેઠકમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હવે પૂરના પાણી ઓસરતા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા તમામ વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું. ડિઝાસ્ટરની કામગીરીમાં ગુજરાત સરકાર ખૂબ જ સક્ષમ છે. જ્યાં જ્યાં રાહત સામગ્રીની અછત હોય ત્યાં પહોંચી જવા તેમજ દરેક અસરગ્રસ્તોની પરિસ્થિતિ જાણી તેમની તકલીફ દૂર કરવા જણાવ્યું હતું.

અસરગ્રસ્તો પુર દરમિયાન સરકારી શાળામાં આશરો લીધો હતો. હવે પૂર ઓસર્યા બાદ અસરગ્રસ્તો પોતાના ઘરે પરત જતાં રહ્યા બાદ તેમની મુશ્કેલી જાણી નિવારણ કરવા જણાવ્યું હતું. ઘરમાં પાણી ભરાયા તેવા ઘરોમાં કીચડ સાફ કરી કુસકી તેમજ તાડપત્રી નાંખવાથી તેઓ સુઇ શકે. લોકોના સંવેદનશીલ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. સાથે જ શહેર તેમજ ગ્રામ્યના માર્ગો ભારે વરસાદના લીધે ધોવાણ થયેલા રસ્તાઓને તાત્કાલિક મરામત હાથ ધરવા સાથે લોકોને શુધ્ધ પીવાનું પાણી, પશુઓ માટે ઘાસચારો, ઘરવખરી અને મકાન સહાયની સર્વે હાથ ધરવા, ખેતીવાડી વિભાગમાં સર્વે, ખોરવાયેલ વીજપુરવઠો શરૂ કરવા, આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી હાથ ધરવા જણાવ્યું હતું. બેઠકમાં રજૂ થયેલા નવસારી ધારાસભ્યના મોટાભાગના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top