National

બિહાર: ઝાડની પૂજા કરી રહેલા 30 લોકો પર ટ્રક ફરી વળી, 6 બાળકો સહિત 12ના મોત

બિહાર: બિહારના (Bihar) વૈશાલી જિલ્લામાં એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 6 બાળકો સહિત 12 લોકોના મોત (Death) થયા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરપાટે આવતી ટ્રકે 30 વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ટ્રક ડ્રાઈવરે દારૂના નશામાં આ અકસ્માત સર્જાયો હોય એવું પણ જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આ ઘટના પર શોક વ્યક્ત કરી, ઘાયલ તેમજ મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે બિહારના વૈશાલી જિલ્લાના દેસારી પોલીસ સ્ટેશન હેઠળના સુલતાનપુર ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં ટ્રક ડ્રાઈવરે પીપળના ઝાડ પાસે ઉભેલા 30થી વધુ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મહિલા અને બાળકો સહિત 12ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે 30 માણસોને ટક્કર મારી ઝાડમાં જઈ અથડાઈ હતી. ટ્રક અને ઝાડની વચ્ચે બાળકો કચડાઈ ગયા હતા. ગેસ કટરની મદદથી બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

ટક્કર બાદ ડ્રાઈવર સ્ટેયરિંગમાં ફસાઈ ગયો
આ ઘટના રાજ્યની રાજધાની પટનાથી લગભગ 30 કિમી દૂર વૈશાલી જિલ્લાના દેસારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સુલતાનપુર ગામમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે લોકો એક સ્થાનિક દેવતા “ભૂમિયા બાબા”ની પૂજા કરવા માટે રસ્તાની એક બાજુ “પીપળાના ઝાડ નજીક ઉભા હતા. લોકોને ટક્કર માર્યા બાદ ટ્રક પીપળાના ઝાડ સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રકનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્ટિયરિંગમાં ફસાઈ ગયો હતો, જેને સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે બહાર કાઢ્યો હતો.

ટ્રકનો આગળનો આખો ભાગ તૂટી ગયો
અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકનો આગળનો આખો ભાગ તૂટી ગયો હતો. ઘટના બાદ લોકોએ મૃતદેહને રોડ પર રાખીને કાર્યવાહીની માંગ કરી હતી. સ્થાનિક આરજેડી ધારાસભ્ય મુકેશ રોશને ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે, “12 લોકોના મોત થયા છે. નવ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોએ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

અન્ય પોલીસકર્મીઓને મદદ માટે બોલાવાય
વૈશાલીના પોલીસ અધિક્ષક મનીષ કુમારે જણાવ્યું હતું કે, “લગ્ન સાથે સંકળાયેલા રિવાજ મુજબ લોકો ભેગા થયા હતા. નજીકના સુલતાનપુર ગામમાં એક વ્યક્તિના ઘરે થોડા દિવસોમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પૂરઝડપે આવકી ટ્રકે ભીડને ટક્કર મારી હતી. જેમાં 12 લોકોના મોત થયા છે. ત્યાર હાજર કેટલાક લોકો પોલીસીની કાર્યવાહીથી ગુસ્સે થઈ નારા લગાવી રહ્યા હતા કે પોલીસ મોડી પહોંચી છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમે આસપાસના કેટલાક પોલીસ સ્ટેશનોને બોલાવ્યા છે. બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા છે.”

Most Popular

To Top