Sports

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. T20 શ્રેણી પૂરી થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા વનડે અને પછી ટેસ્ટ શ્રેણી રમશે. આ બંને શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચહરે વનડે શ્રેણીમાંથી જ્યારે મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે.

BCCIએ સમગ્ર મામલાની માહિતી આપતી એક પોસ્ટ કરતા કહ્યું કે ચહરે બીસીસીઆઈને જાણ કરી છે કે તે ફેમિલી મેડિકલ પ્રોબ્લેમ્સને લીધે આગામી વનડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. હવે દીપક ચહરની જગ્યાએ આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ વન ડે વર્લ્ડ કપમાં 24 વિકેટ લઈ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનનાર મોહમ્મદ શમી ટેસ્ટ સિરિઝમાંથી આઉટ થયો છે. શમી ફિટનેસ ટેસ્ટ પાસ કરી નહીં શકતા બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેને ટેસ્ટ સિરિઝમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં વર્લ્ડકપનો આ સ્ટાર બોલર બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

શ્રેયસ અય્યર 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પ્રથમ ODI સમાપ્ત થયા બાદ ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમ સાથે જોડાશે. તે બીજી અને ત્રીજી વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં અને ઇન્ટર-સ્કવોડ ગેમમાં ભાગ લેશે. આકાશ દીપ ઘરેલુ ક્રિકેટમાં બંગાળ માટે રમે છે. આકાશે 25 ફર્સ્ટ ક્લાસ, 28 લિસ્ટ A અને 41 T20 મેચ રમી છે. આમાં તેણે અનુક્રમે 90, 42 અને 48 વિકેટ લીધી છે.

દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ ટેસ્ટ ટીમ સાથે જોડાશે, જ્યારે તેઓ આંતર-સ્કવોડ રમતો અને ટેસ્ટ માટેની તેમની તૈયારીઓ પર દેખરેખ રાખશે. ODI ટીમમાં ટીમ ઈન્ડિયાને નવો સ્ટાફ કોચિંગ આપશે. આમાં ભારત A ટીમના કોચિંગ સ્ટાફનો સમાવેશ થાય છે, જેમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક, બોલિંગ કોચ રાજીબ દત્તા અને ફિલ્ડિંગ કોચ અજય રાત્રાનો સમાવેશ થાય છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ODI ટીમ: ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર ), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, આકાશ દીપ.

Most Popular

To Top