Dakshin Gujarat

ભિલાડમાં ચકચારી લૂંટ: પરિવાર સાથે સર્વન્ટ ક્વાટરમાં રહેતો વોચમેન જ માલિકના ઘરમાં લૂંટ કરી ગયો

ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના ભિલાડમાં લૂંટની (Loot) ઘટના બનવા પામી છે. ઘરમાં ઘૂસી આવેલા એક નેપાળી તથા ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં કામ કરતા એક સર્વન્ટને માર મારી બંધક બનાવી ઘરમાંથી સોના (Gold) ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા પાંચ લાખ પંદર હજારની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

  • ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ વોચમેને ત્રણ સાથે મળીને 5.15 લાખની લૂંટ ચલાવી
  • ભિલાડમાં રાત્રે લૂંટની ઘટનાથી ચકચાર
  • વોચમેન પૃથ્વી નેપાળીએ બીજા ઈસમો સાથે મળીને સર્વન્ટને માર મારી બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટને અંજામ આપ્યો

પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ધવલભાઇ અરવિંદભાઈ પટેલ રવિવારે દિવાળીની શોપિંગ કરવા મિત્રો સાથે સુરત ગયા હતા. ભિલાડ જીવનજીપાડા નેશનલ હાઇવે રોકડીયા હનુમાન મંદિર પાસે તેમના ઘરમાં રાત્રીના આઠેક વાગ્યાના સુમારે એક નેપાળી યુવાન પૃથ્વી તથા બીજા ત્રણેક અજાણ્યા ઈસમો ઘૂસી ગયા હતા અને તેને ત્યાં કામ કરતા ધનોલી ગામના યુવાન નિલેશ રણછોડ પાટકરને લોખંડના સળિયા વડે માથા ઉપર તથા શરીરે માર મારી તેના હાથ પગ બાંધીને બંધક બનાવી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ આશરે 5 લાખ 15 હજારની મત્તાની લૂંટ ચલાવી આ લૂંટારો ઈસમો નાસી ગયા હતા.

લૂંટમાં સંડોવાયેલો વોચમેન પૃથ્વી નેપાળી જે છેલ્લા બે મહિનાથી ઘરમાં વોચમેન તરીકે કામ કરતો હતો અને તેની પત્ની પરિવાર સાથે સર્વન્ટ ક્વાટરમાં રહેતો હતો. ભિલાડ પોલીસે આ બનાવની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. કેસની વધુ તપાસ ભિલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંદીપ સુસલાદે કરી રહ્યા છે.

Most Popular

To Top