Dakshin Gujarat

વલસાડના ગૌરવપથ પર બે કાર વચ્ચે રેસ લાગી અને બની ગઈ આવી ઘટના

વલસાડ: (Valsad) વલસાડના ગૌરવપથ પર રવિવારની મોડીરાત્રે એક પછી એક કાર (Car) પુરપાટ ઝડપે દોડી રહી હતી. જેમાં પાછળ ચાલતી કારે એક બાઇક (Bike) સવારને અડફેટે લઇ કાર હંકારી મુકી હતી. આ ઘટના કાર રેસની હતી કે બુટલેગર પોલીસની રેસની હતી, એ અંગે અનેક શંકાઓ સેવાઇ રહી છે. ભરબજારમાં આ પ્રકારે પુરપાટ દોડતી કારને લઇ હળવો અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માત ગંભીર સ્વરૂપ પણ લઇ શકે એવી શક્યતાઓ જણાઇ હતી. જેને લઇ પોલીસની કામગીરી સામે પણ અનેક શંકાની સોય તકાઇ રહી છે.

  • વલસાડના ગૌરવપથ પર બે કાર વચ્ચે લાગી રેસ
  • પુરપાટ ઝડપે દોડતી કારે બાઇક સવારને અડફેટે લઇ કાર હંકારી મુકી
  • આ ઘટના કાર રેસની હતી કે બુટલેગર પોલીસની રેસની હતી, એ અંગે અનેક શંકા
  • બુટલેગર અને પોલીસનો ‘ટોમ એન્ડ જેરી’ વાલો ખેલ હોવાની ચર્ચા

વલસાડમાં ગૌરવ પથ પર ગતરાત્રે બે કાર પુરપાટ ઝડપે ભાગતી દેખાઇ હતી. આ કાર અહીંની દુકાનોના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને આ કાર રેસમાં પાછળ ચાલતી કાર દ્વારા થયેલો અકસ્માત પણ કેમેરામાં કેદ થયો હતો. ગૌરવપથ પરથી પુરપાટ ઝડપે આવતી આ બે કાર વલસાડ લાલ સ્કૂલ અમર ચેમ્બરવાળા રોડ પર વળી ગઇ હતી. પહેલી કાર પુરપાટ ઝડપે ટર્ન મારી આ રસ્તા પર પ્રવેશી ત્યારબાદ બીજી કાર પણ પુરપાટ ઝડપે ટર્ન મારવા જતાં તેમણે એક બાઇકના આગલા વ્હીલમાં કાર અથડાવી હતી. જેના કારણે બાઇક પર સવાર એક દંપતી પડી ગયું હતુ. જેની કોઇ પણ દરકાર કર્યા વિના કાર આગળ નીકળી ગઇ હતી. આ ઘટના વલસાડના નિર્દોષ નાગરિકો માટે ખૂબ જ જોખમી પુરવાર થઇ રહી છે. આજે આ પરિવાર હતો, કાલે કોઇનો પણ પરિવાર હોઇ શકે. વલસાડમાં આ પ્રકારની કાર રેસ બુટલેગર અને પોલીસ વચ્ચે જ થતી હોય છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં તેમના દ્વારા જ આવું કરાતું હોય છે.

બુટલેગરોને પકડવાની પોલીસને લાગેલી તાલાવેલી
યુવાનો દ્વારા રેસ તીથલ રોડ પર લાગે છે. બજારમાં લાગતી નથી. આ ઘટનામાં પાછળ ચાલતી કારની નંબર પ્લેટ પણ દેખાતી નથી. નંબર પ્લેટ વિનાની કાર સામાન્ય રીતે પોલીસ જ ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવી કાર રેસ કોના દ્વારા થઇ એ અંગે વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલા તપાસ કરે એ જરૂરી બન્યું છે. આવી કાર રેસ વલસાડના નાગરિકો માટે ખૂબ જોખમી સાબિત થઇ શકે છે. પોલીસે બુટલેગરને પકડવા પુરપાટ હંકારેલી કારને લઇ અકસ્માતોના બનાવો ભૂતકાળમાં અનેક વખત બન્યા જ છે. ત્યારે બુટલેગરોને પકડવાની આટલી તાલાવેલી કરતાં પોલીસ શહેરમાં ખુલ્લેઆમ મળતા દારૂનું વેચાણ બંધ કરાવે એ જરૂરી બન્યું છે.

Most Popular

To Top