Dakshin Gujarat

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલી વખત 132 મીટર નજીક, ત્રણ તાલુકાના ગામોમાં એલર્ટ

ભરૂચ: (Bharuch) સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) સપાટી પ્રવર્તમાન ચોમાસાની (Monsoon) મૌસમમાં સૌપ્રથમ વખત ૧૩૨ મીટરને સર કરી જશે. ડેમ હવે તેની સર્વોચ્ચ સપાટીને સ્પર્શવાથી માત્ર ૬.૭૫ મીટર દૂર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૭૯,૮૭૨ ક્યુસેક પાણીના જથ્થાની આવક સામે ૫૭ હજાર ક્યૂસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે.

  • નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલી વખત 132 મીટર નજીક, ત્રણ તાલુકાના ગામોમાં એલર્ટ
  • ઉપરવાસના વરસાદને પગલે ૭૯,૮૯૨ ક્યુસેક આવક, 24 કલાકમાં સપાટીમાં 15 સે.મી.નો વધારો, જાવક 57,171 ક્યુસેક
  • ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં ભરવા, તકેદારી રાખવા તંત્ર સતર્ક
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીથી માત્ર 6.75 મીટર દૂર

ડેમની સપાટીમાં વીતેલા ૨૪ કલાકમાં ૧૫ સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર પહેલેથી જ સાબદુ છે. જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને વોર્નિંગ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ત્રણ તાલુકાના નદી કિનારાના ગામોમાં વોર્નિંગ ઈશ્યુ કરાઈ
ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે વોર્નિંગ મેસેજથી સાવચેત કરવામાં આવ્યાં છે. જરૂર જણાયે સ્થળાંતર પ્લાન અધ્યતન રાખવા પણ જણાવ્યું છે.

રવિવારની સાંજે 6 વાગ્યે સપાટી 131.93 મીટર
રવિવારે સાંજે ૬ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૩ મીટરે નોંધાઈ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૭૦૭૭૩ ક્યૂસેક, જ્યારે રિવરબેડ પાવરહાઉસ સહિત ટોટલ જાવક ૫૭૧૭૧ ક્યૂસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક ૧૨૨૫૦ ક્યૂસેક થઈ રહી છે.

Most Popular

To Top