ભરૂચ: ભરૂચ શહેરના ગોકુલનગર વિસ્તારમાં 18મીની મોડી સાંજે નાના બાળકોને કૂતરાથી બચાવનાર એક વ્યક્તિ પર બે કૂતરાપ્રેમીએ હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આદમભાઈએ બે દિવસ પૂર્વે તેમની નાની પૌત્રી તથા મહોલ્લાના અન્ય બાળકને કરડવા દોડતા કૂતરાઓને મારીને ભગાવ્યા હતા. આ બાબતે પોતાને ડોગ લવર્સ તરીકે ઓળખાવતા કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી.
આ બનાવના બે દિવસ બાદ આદમભાઈ 18મીએ સાંજે પોતાના ઘરેથી નીકળી નજીકની દુકાને મચ્છર મારવાની અગરબત્તી અને બાળકો માટે નાસ્તાના પડીકા ખરીદવા જઈ રહ્યા હતા. તે દરમિયાન યાસીન નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને બે દિવસ પહેલાં કૂતરાને ભગાડવા બાબતે થયેલી બોલાચાલીનો ઉલ્લેખ કરી ગાળો બોલી આદમભાઈનો કોલર પકડી તમાચો મારી નીચે પાડી દીધા હતા.
દરમિયાન યાસીનનો મોટો ભાઈ સાજીદ પણ ઘરેથી લોખંડનો પાઇપ લઈને દોડી આવ્યો હતો અને આદમભાઈના માથા તેમજ બંને પગના ઘુંટણના ભાગે સળિયાથી માર માર્યો હતો. હુમલાખોરોની બહેન સુફિયાએ પણ ઇંટના ટૂકડા વડે આદમભાઈના માથામાં ઘા મારી ઘાયલ કરી દીધા હતા.
આ હુમલામાં આદમભાઈને ગંભીર ઇજાઓ થતા અને સ્થાનિકોને જાણ થતાં તેઓ દોડી આવી આદમભાઈને વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી યાસીન, સાજીદ અને સુફિયા વિરુદ્ધ હુમલો, ગાળાગાળી અને ઇજા પહોંચાડવાના આરોપસર ગુનો નોંધ્યો હતો.
