Dakshin Gujarat

ભરૂચ-દહેજ રોડ બંધ કરાતા વાહનચાલકો હેરાન થયા, આ રૂટ પર ડાયવર્ઝન અપાયું

ભરૂચ: આજે ગુરુવારે તા. 12 જાન્યુઆરી 2023ના સવારે 9.30 કલાકથી ભરૂચ (Bharuch) દહેજને (Dahej) જોડતો માર્ગ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ લાંબુ ચક્કર મારીને જવું પડી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી આ માર્ગ બંધ રહેવાનો હોવાના લીધે અહીં ટ્રાફિકની ભારે સમસ્યાઓ સર્જાઈ છે.

  • મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું
  • ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ટ્રાફિકના 24 કલાક રહેતા ભારણને કારણે દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હોય રસ્તો બ્લોક કરાયો
  • વાહનચાલકોની સલામતી માટે આ માર્ગ પર 7.30 કલાકનો બ્લોક અપાયો

મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ગુરુવાર સવારે 9.30 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભરૂચમાંથી પણ બુલેટ ટ્રેન , એક્સપ્રેસ વે અને ફ્રેઈટ કોરિડોર પસાર થઈ રહ્યાં છે. ત્રણેયની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. જોકે ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ટ્રાફિકના 24 કલાક રહેતા ભારણને કારણે દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી. ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. કંપની દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવા તા-12મી જાન્યુઆરીએ બ્લોક માટે ડાયવરઝન અપાયું છે.

આ રૂટ પર વાહનોને ડાયવર્ઝન અપાયું
આજે ગુરુવારે સવારે 9.30 થી સાંજે 5 વાગ્યા સુધી ભરૂચ-દહેજ રોડ બંધ રહેશે. દહેગામ ખાતે રોડ અંડર બ્રિજ ખાટ્સ ગુડ્ઝ ટ્રેનના ટ્રેક ઉપર ગડર બેસાડવાને લઈ લોકો અને વાહનચાલકોની સલામતી માટે બ્લોક લઈ 7.30 કલાકનો રોડ બ્લોક લેવાયો છે. વિકલ્પ રૂપે વાહનચાલકોને ભરૂચ, થામ, વાગરા, ઓચ્છણ, મુલેર, પણીયાદરા થઈ દહેજ રોડ જવા આવવા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ડાયવર્ઝનના લીધે વાહનચાલકો હેરાન થયા
વહેલી સવારથી જ ભરૂચ દહેજના મુખ્ય માર્ગને બંધ કરી દેવાતા નોકરિયાત વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વૈકલ્પિક રૂટના લીધે લાંબો ચકરાવો લેવાનો થતો હોય વાહનચાલકો હેરાન થયા હતા. આ રૂટ પર ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ હતી.

Most Popular

To Top