Dakshin Gujarat

ભરૂચવાસીઓને હિલ સ્ટેશનનો અનુભવ: પારો ગગડીને 12 ડિગ્રી થઈ ગયો

ભરૂચ: (Bharuch) ભરૂચમાં હવે મોડે મોડે ઠંડીએ (Winter) જમાવટ કરતા કાતિલ ઠંડી સાથે શીતલહેરોએ (Cold Wind) જિલ્લાવાસીઓનું થર થર કાંપતા કરી દીધા છે. વર્ષ-2022ના અંતમાં 28 ડિસેમ્બરે ભરૂચ જિલ્લામાં સિઝનનો (Season) સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.

  • ભરૂચવાસીઓ હિલ સ્ટેશનનો (Hill Station) અનુભવ: પારો ગગડીને 12 ડિગ્રી થઈ ગયો
  • ભરૂચમાં નોર્થ ઇસ્ટનો કાતિલ ઠંડો પવન 20 કિ.મી.ની ઝડપે ફુંકાયો

મંગળવાર નવા વર્ષે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ દિવસ પુરવાર થયો હતો. ઉત્તર પૂર્વમાંથી પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા કાતિલ ઠંડા પવનોએ શહેર અને જિલ્લાવાસીઓને થર થર ધ્રૂજતા કરી દીધા હતા. ઠંડીનો પારો 12 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે બુધવારે બપોરે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહ્યું હતું. આ વખતે ઠંડી શરૂઆતના બે મહિના ગાયબ રહ્યા બાદ પાછળથી જમાવટ કરી રહી છે. અચાનક બર્ફીલા પવનો સાથે ઠંડીનું જોર વધતાં લોકો ગરમ વસ્ત્રોની ઓથ લેતા નજરે પડી રહ્યા છે. જ્યારે ફૂટપાથ ઉપર રહેતા અને બેઘરોની હાલત દયનીય બની રહી છે. ઠંડીથી બચવા હવે તાપણાં પણ ઠેર ઠેર જામી રહ્યાં છે.

આ વખતે રાજ્યભરમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ નહીં સર્જાતા શરૂઆતમાં ઠંડી અદૃશ્ય જોવા મળી હતી. જે બાદ વિદાય લેતા વર્ષ-2022 સાથે ઉત્તર ભારતમાં હિમ વર્ષા શરૂ થતાં મેદાની પ્રદેશો અને ગુજરાતમાં હવે ફૂલગુલાબી ઠંડી સાથે છેલ્લા એક સપ્તાહથી શિયાળા ઋતુની જમાવટ કરી દીધી છે.

મોડે મોડે પણ ઠંડી નીકળતાં શિયાળુ પાક કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. પ્રારંભે ઠંડી નહીં પડતાં ઘઉં સહિતના પાક ઉપર કંઠી નહીં બેસતાં ઉત્પાદન ઓછું થવાની અસર વર્તાઈ રહી હતી. આગામી એક સપ્તાહમાં હજી કાતિલ ઠંડીનું મોજું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાયણ ઉપર પણ સુસવાટા મારતા પવનોની યારી રહે તેમ પતંગરસિકો ઇચ્છી રહ્યા છે.

Most Popular

To Top