Entertainment

કોમેડિયન-એન્કર ભારતી સિંહ દીકરાની માતા બની, પતિ હર્ષે આપ્યા ખુશીના સમાચાર

કોમેડિયન ભારતી સિંહે (Bharti Singh) ગયા વર્ષે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારે હાલ તેના દિકરાના જન્મના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીએ 3 એપ્રિલ 2022 રવિવારના રોજ પુત્રને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે ભારતીએ 2 એપ્રિલ સુધી કામ કર્યું હતું જેનો સેટ પરનો વીડિયો વાઇરલ થયો છે. ભારતી માટે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તે પ્રેગ્નન્સીમાં (Pregnancy) કામ કરનારી પહેલી ભારતીય એન્કર છે. ભારતીના પતિ હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં ચાહકો સાથે આ ખુશખબર શેર કરી કે તેમને ત્યાં દીકરો (Son) થયો છે. થોડા દિવસો પહેલા જ ભારતીની દીકરી હોવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. આવા સમાચાર વાઈરલ થયા બાદ ભારતીએ લાઈવ આવીને ખુલાસો કર્યો હતો કે આ બધું જુઠ્ઠું છે અને જ્યારે તે બાળકનું સ્વાગત કરશે ત્યારે હર્ષ અથવા તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાહકોને સારા સમાચાર આપશે.

આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતા હર્ષે ભારતી સિંહ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. ભારતીએ આ ફોટોશૂટ પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટોમાં ભારતી અને હર્ષ સફેદ કપડામાં જોવા મળી રહ્યા છે. હર્ષે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે, જ્યારે ભારતીએ સફેદ કલરનું ગાઉન પહેર્યું છે. એકબીજાનો હાથ પકડ્યો છે અને બંનેએ તેમના બીજા હાથમાં ફૂલોની ટોપલી પકડી છે, જેમાં વાદળી રંગના ફૂલો છે. સામાન્ય રીતે છોકરી માટે ગુલાબી રંગનો ઉપયોગ થાય છે અને છોકરા માટે વાદળી રંગનો ઉપયોગ થાય છે. આ ફોટો પર હર્ષે મોટા અક્ષરોમાં લખ્યું છે, ‘ઈટ્સ અ બોય’ (It’s a boy) . આ પોસ્ટ પર જય ભાનુશાલીએ બંનેને બહુ બધી શુભેચ્છા પાઠવી છે અને સિંગર રાહુલ વૈદ્યે કમેન્ટ કરી કે ઓ માય ગોડ તે બાળકને જોવા ઉત્સુક છે.

ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી કામ કર્યું
ભારતીએ 2 એપ્રિલ સુધી કામ કર્યું હતું. જેનો સેટ પરનો વીડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં ભારતીના જોવા મળી રહેલા સમર્પણ પર ચાહકો ફિદા થઈ ગયા છે. દીકરાને જન્મના એક દિવસ પહેલાં ભારતી સુપર એક્ટિવ હતી અને કામ કરતી હતી. આ જોઈ એક ચાહકે કહ્યું કે ભારતી ઘણી જ પ્રેરણાદાયી છે. અન્ય ચાહેકે આ વિડીયો પર કોમેન્ટ કરતાં કહ્યું કે ભારતી ખરેખર રોકસ્ટાર છે. તે ઘણી જ સ્ટ્રોંગ છે. જણાવી દઈએ કે આ વિડીયોમાં ભારતી સિંહ પતિ સાથે સેટ પર જોવા મળે છે અને તે હર્ષને પૂછે છે કે બાળક ક્યારે થશે?

ભારતીનું સ્થાન કોણ લેશે?
હાલમાં ભારતી બે રિયાલિટી શોમાં કામ કરી રહી છે. તેણી તેના પતિ હર્ષ સાથે કલર્સ ટીવી શો હુનરબાઝ હોસ્ટ કરી રહી છે અને તેના પોતાના શો ખતરાના ખતરામાં પણ દેખાય છે. હવે ડિલિવરી પછી ભારતીનું સ્થાન અન્ય કોઈ એન્કર લેશે કે પછી તેના પતિ હર્ષ લિમ્બાચીયા એકલા હાથે આ જવાબદારી સંભાળશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે આ બંને શોના આ વીકેન્ડના એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

Most Popular

To Top