Comments

જમ્મુમાં ભારતીય જનતા પક્ષને લપડાક

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ને અંશત: નાબૂદ કરી તેને રાજયના સ્તર પરથી કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે ઉતારવાની ઘટનાને બે વર્ષ કરતાં સ્હેજ વધુ સમય થયો છે, પણ ત્યાર પછી શાસક ભારતીય જનતા પક્ષ માટે થોડી વિચિત્ર ઘટનાઓ બનવા માંડી છે. સત્તાધારી પક્ષ બંધારણીય ફેરફારનો યશ લઇ રહ્યો છે ત્યારથી તમામની આંખો કેન્દ્ર સરકાર અને લેફટેનંટ ગવર્નરના વહીવટ પર મંડાઇ છે કે તેણે જમ્મુને તેનું ગૌરવ પાછું અપાવવા સહિતના આપેલા વચન કયારે પૂરાં થાય છે? આથી જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તા. 22 મી સપ્ટેમ્બરે સરકારની વેપાર-ધંધા વિરોધી નીતિઓના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું ત્યારે તેને જે સ્વયંભૂ પ્રતિસાદ મળ્યો હતો તેની કોઇએ કલ્પના નહીં કરી હતી. ભારતીય જનતા પક્ષ વેપાર ધંધા અને ઉદ્યોગ ક્ષેત્રો પર દાયકાઓથી વર્ચસ્વ ધરાવે છે. તેને મનમાં ફાંકો હતો કે આપણે જ સંપૂર્ણ હડતાળ પડાવી શકીએ છીએ, તેને બદલે તેની સામે જ સમગ્ર જમ્મુ પ્રદેશ સંપૂર્ણ બંધ રહ્યો તેનાથી તે ડઘાઇ ગયો છે.

પક્ષના કારભારીઓ દિલ્હીમાં અને જમ્મુમાં મૂછ પર તાવ દેતા હતા કે અમારા પીઠબળ વગર બંધના આ એલાનને કોઇ દાદ નહીં દે. તેને બદલે તેને જોરદાર લપડાક પડી. ગાલ પંપાળતાં પંપાળતાં ભારતીય જનતા પક્ષના મધ્યસ્થ નેતાઓએ કોર ગૃપ મીટીંગ બોલાવી. સામાન્ય રીતે આ ગૃપની બેઠક સંગઠન અને વર્તમાન મુદ્દાઓની ચર્ચા માટે મહિનામાં એક વાર બોલાવાય છે તેને બદલે આ વખતે જમ્મુમાં પક્ષની સામે જે રીતે પ્રતિભાવ મળ્યો, તેમાં કયાં કાચું કપાયું તેની ચર્ચા કરવા આ બેઠક બોલાવાઇ હતી. બીજી તરફ પક્ષના સ્થાનિક કાર્યકરો જમ્મુ પ્રદેશ સામે કેમ ભેદભાવ રાખે છે તે લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બંધારણની કલમ 370 ના પગલા વખતે નરેન્દ્ર મોદી એટલે કે ભારતીય જનતા પક્ષની સરકારે આવા ભેદભાવ નહીં રાખવાનું તેમણે બીજાં અનેક વચનો પણ આપ્યાં હતાં.

એક તરફ કલમ 370 ની આંશિક અને 35-એ ની નાબૂદીને પગલે જે ઉન્માદ જાગ્યો તેની અસર ટકાવી રખવાની કોશિશ થાય છે ત્યાં જમ્મુમાં વેપાર ઉદ્યોગના બંધના વિધાનસભાની ચૂંટણી આડે અપશુકન થયા. જમ્મુ-કાશ્મીર બાર એસોસીએશનની ચૂંટણીમાં પક્ષે બધી તાકાત કામે લગાડી તોય નીચાજોણું થયું. બંને ઘટના જમ્મુમાં ભારતીય જનતા પક્ષના ટેકામાં ઘટાડો થતો હોવાનું દર્શાવે છે? બંનેને બંધારણીય ફેરફાર સાથે સંબંધ છે? બંધ સરકારના ગાલ પર લપડાક છે? જાકારો છે? બંધ સંપૂર્ણ સફળ રહ્યો એ સરકારની નીતિઓને જાકારો છે કે સરકારે તેનાં વચનોનું પાલન નથી કર્યું!

આ વાત માત્ર જમ્મુના કેન્દ્રશાસિત પ્રદેશ માટે પણ નહીં, આખા દેશ માટે પણ લાગુ પડે છે કે લોકોએ ‘અચ્છે દિન’ની આશાએ શાસક પક્ષને તમામ સ્તરે ખોબેખોબા મત આપ્યા છે. વિરોધ પક્ષોએ પણ આમાંથી સમજવાનું છે. હકીકતમાં ભારતીય જનતા પક્ષે બંધારણની કલમ 370 વિરુધ્ધ મોટે પાયે પગલું ભર્યું તે પહેલાં જમ્મુમાં તેની આ વિચારસરણીના પાયા નંખાઇ ગયા હતા. તે લોકોને કહેતો હતો કે છેલ્લાં 70 વર્ષથી તમારી સમસ્યાઓ છે અને બંધારણની આ વિવાદાસ્પદ કલમ નાબૂદ થતાં તમારી સમસ્યાઓનો અંત આવશે પછી શું થયું?

જમ્મુમાં રીલાયન્સના 100 રીટેલ સ્ટોર ખોલવાની સ્થાનિક સરકારની હિલચાલના વિરોધમાં જમ્મુ બંધ રહ્યું. આ એક બહાનું છે. વાસ્તવમાં આ લોકોને રોજીરોટીની સમસ્યા સતાવી રહી છે અને તેના મૂળમાં સરકારની ખોટી નીતિઓ રહેલી છે. વેપારીઓ, ખેડૂતો, યુવા પેઢી, વકીલો વગેરે તમામ ક્ષેત્રના લોકોને રોજીરોટીની સમસ્યા સતાવે છે અને ભેદભાવની નાબૂદી દ્વારા આ પ્રદેશના રાજકીય સશકિતકરણનો મુદ્દો વધુ ગાજયો છે. કેન્દ્ર સરકાર કાશ્મીર પર વધુ ધ્યાન આપે છે તો વિરોધ પક્ષ જમ્મુ માટે ‘ન્યાય’ માંગે છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરનાં વર્ષોમાં 75 કેન્દ્રીય પ્રધાનો અને બસો સંસદસભ્યો છે. મુલાકાત લીધી તેમાંથી મોટા ભાગની કાશ્મીરની હતી તેથી જમ્મુને ઓછું આવ્યું અને 22 મી ના બંધને સંપૂર્ણ સફળતા મળી. મોદી અને ભારતીય જનતા પક્ષના ચુસ્ત ટેકેદારોએ પણ સરકારના વલણને જમ્મુના ભોગે કાશ્મીરને ખુશ રાખવાનાં પગલા તરીકે ગણાવ્યું.

ભારતીય જનતા પક્ષની કોર ગૃપની બેઠકે દોષનો ટોપલો અમલદારો પર નાંખ્યો અને પક્ષ તરીકે તમામ સ્તરે ચૂપકીદી જાળવી રાખી. આ બધું ભારતીય જનતા પક્ષ માટે વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં કસોટી સમાન છે. હદ નાબૂદી પંચ તેનો હેવાલ આપે તે પછી આવતા વર્ષના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. ભારતીય જનતા પક્ષ કાશ્મીર ખીણમાં પ્રવેશવાનાં ફાંફાં છતાં અને જમ્મુમાં લપડાક પડી હોવા છતાં ચૂંટણી વહેલી કરવી કે નહીં તે બાબતમાં ફેરવિચારણા કરવાની સંભાવના છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top