Comments

વાતાવરણમાં ભાદરવોત્સવ, રાજ્ય સરકાર સામે આંદોલનોત્સવ, ભાજપ સ્તબ્ધ!

અષાઢ મહિનામાં વિલંબિત અને શ્રાવણમાં સરવરિયાં રૂપે વરસ્યા બાદ ગુજરાતમાં આજકાલ ભાદરવો ભરપૂર છે. જોરદાર વરસાદ સર્વત્ર વરસી રહ્યો છે. અષાઢી વરસાદ બે-ચાર ઝાપટાં કે એક-બે ઇંચ રૂપે વરસ્યો, પણ આ ભાદરવાનો મેહુલિયો તો અનરાધાર, સાંબેલાધારે ને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી રહ્યો છે. રૂકવાનું જાણે નામ જ લેતો નથી. રેઇનકોટ છત્રીને હાથવગાં જ રાખવાં પડે એવી આગાહીઓ હવામાન ખાતું કરતું જ જાય છે. પહેલાંનો વરસાદ તો આગાહીઓને કાયમ ઠોકરે ચડાવતો, પણ આ વખતનો વરસાદ આગાહીઓને માથે ચડાવી રહ્યો છે. દરેક આગાહી વખતે અચૂક પડે જ છે. બબ્બે વરસ પછી આવી રહેલી કોરોનાવિહોણી નવરાત્રિમાં ગરબે ઘૂમવા લોકો થનગની રહ્યાં છે અને ફ્લેટ્સ, સોસાયટીઓમાં ગરબા ક્લાસીસ યોજીને અવનવાં સ્ટેપ્સ શીખી રહ્યાં છે, પણ સૌનાં હૈયે દહેશત છે કે આ નોરતાંમાં રમવાનું મળશે કે પલળવાનું થશે!

લોકોને મોસમ હેરાન કરી રહી છે, તો જાહેર મોરચે પણ આંદોલનોની ખીલેલી મોસમ સત્તાવાળાઓને કનડી રહી છે. આડા-અવળા મુદ્દાઓ ઊભા કરીને તંત્ર અને પાર્ટીને ચૂંટલા ભરે ભાજપવાળા જબરા મૂંઝાણા છે. રાજ્ય સરકારની સામે એક પછી એક સરકારી વિભાગોના કર્મચારી સંગઠનો ઊંચાં થઇ રહ્યાં છે. ભૂતકાળમાં રૂપાણીની સરકાર પણ 2017 ની ચૂંટણી વખતે હતી, પણ એની સામે કોઇ આટલાં ઉંબાડિયાં નહોતું કરતું જેટલું ભૂપેન્દ્રભાઇની હાલની સરકારની સામે કરાઇ રહ્યાં છે! નબળી ગાયોને બગાઇ ઝાઝી એવી કહેવત જાણીતી છે. જો કે ગાયો પણ બાપડી આજકાલની લમ્પી વાયરસની બીમારીમાં કૃષ્ણશરણ થઇ રહી છે. ડોક્ટરોના સંગઠનનું આંદોલન અને તલાટીઓનું આંદોલન થાગડથીગડ કરીને માંડ ઠાર્યું, ત્યાં જૂની પેન્શન નીતિના નામે રાજ્ય સરકારનાં કર્મચારીઓ, માજી સૈનિકો, વન વિભાગના કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, માજી સૈનિકો વગેરેનાં સંગઠનો આજકાલ બરાબરનાં મચી પડેલાં છે.

બધાય કંઇ આમ એકદમ ઊંચાં નીચાં થાય એવું કોઇ પદ્ધતિસરની ચડામણી વિના શક્ય ન બને. હવે આવી ચડામણી કંઇ માત્ર વિરોધપક્ષોવાળા જ કરે એવું શક્ય નથી. શાસક પક્ષમાંથી જ બરાબરની સળીઓ થતી હોવાની પૂરી સંભાવના છે. ઘરના ઘાતકીઓ જ છેવટે ઘરને ધ્રુજાવતા હોય છે. ભારતીય કિસાન સંઘ, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારની જ એક સંસ્થા ગણાય છે, તે પણ આજકાલ બરાબર આક્રોશપૂર્ણ મૂડમાં રાજ્ય સરકાર સામે જંગે ચડેલી છે. સમાન વીજળી દર, ખાતર, વીજજોડાણો સહિતના કેટલાક મુદ્દા એવા નથી કે આમ અત્યારે સામી ચૂંટણીએ ખુદ ભાજપની જ રાજ્ય સરકારની સામે શિંગડાં ભરાવવાં પડે.

 ભાજપની જાણે સાડા સાતી ચાલતી હોય એમ સરકાર અને પક્ષ સામે ચારે બાજુથી મોરચા મંડાયેલા છે. વાતાવરણમાં ભાદરવોત્સવ જામેલો છે. રાજ્ય સરકાર સામે આંદોલનોત્સવ ચાલી રહ્યો છે ને ભાજપ સ્તબ્ધ થયેલો છે. એ સાથે પાર્ટીમાં અંદરોઅંદર જૂથોત્સવ પણ ચાલી રહ્યાનું પણ વરતાઇ રહ્યું છે. વિજયભાઇ રૂપાણીને પંજાબ-ચંડીગઢના પક્ષ પ્રભારી બનાવી દઇને પાર્ટી હાઇ કમાન્ડે એકદમ સાઇડ લાઇન કરી દીધા છે. આ એક્શનથી પાર્ટીમાં સીધો એવો મેસેજ ગયો છે, કે મને પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ- એવા મતલબનાં ઉચ્ચારો પણ કોઇએ કદી ક્યાંય કરવાં નહીં, આ તો પંજાબ છે, બાકી ભાષાય ન સમજાય એવા દુર્ગમ નોર્થ ઇસ્ટમાંય દોડવાનો વારો આવે તો નવાઇ નહીં. એ જોતાં જેમને આ રીતે હજુ મોકલાયા નથી એવા નેતાઓએ પોતાનું સદ્નસીબ સમજવું.

પોલીસો સહિત સરકારી કર્મીઓ, નવાં કર્મચારી વિભાગોનાં સંગઠનો સક્રિય થયાં છે. ચૂંટણી ટાણે રાજ્ય સરકારની ઊંઘ હરામ થવા બેઠી છે. લાગે છે કે જેમ જેમ દિવસો જશે, તેમ તેમ ભાજપે વધુ સક્રિયતા જ નહીં, શાલીનતા, સહિષ્ણુતા અને સહનશીલતા દાખવવી પડવાની છે. આ બધાને કારણે કંઇક મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ સહિતના ગુજરાત ભાજપના ભલભલા બોલ બચ્ચનો આજકાલ ચૂપ થઇ ગયા હોય એવું ચોખ્ખે ચોખ્ખું જણાઇ રહ્યું છે. કદાચ ઉપરથી તાકીદ કરાઇ હોય કે ગમે તેમ બડબડાટ કરવાનું બંધ કરી દો, નહીંતર ટિકિટ નહીં મળે. ભાજપમાં સૌ કોઇ ચૂપ છે.

અત્યાર સુધી બહુ બોલ-બોલ કર્યાથી થઇ રહેલા નુકસાનોને લીધે હવે મૌન રહેવા માટે તવાઇ આવી છે. વધુ પડતું બોલી-બોલીને ભાજપના નેતાઓએ કંઇક રીતે આબરુ કાઢી છે કે મામલો બગાડ્યો છે. ત્રીજા પક્ષનો પગપેસારો આજે કોઇ ભાજપીજનને ગમતો નથી, પણ એની પાછળ આ બોલકા નેતાઓના વાણીવિલાસ ઘણે અંશે જવાબદાર છે, એટલે જ હવે આ બધું ઠીક ઠાક કરવા માટે નરેન્દ્રભાઇ અને અમિતભાઇની અવરજવર વધી ગઇ છે. જે કંઇ ઊંચું નીચું લાગે એને સીધું કરવામાં આવે છે. માજી ગૃહ રાજ્યમંત્રી વિપુલભાઇ ચૌધરી સામે હમણાં જે તવાઇ આવેલી છે, તે આનું જ પ્રમાણ છે.

દૂધ સાગર ડેરી થકી સહકારી ક્ષેત્ર પર સારી પકડ ધરાવતા ઉત્તર ગુજરાતના આગેવાન વિપુલભાઇ ચૌધરી સામે જૂના કેસમાં રાતોરાત ધરપકડના ભરાયેલા પગલાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાર્ટીમાંથી નેતાગીરીની સામે પડનારા કે નેતાગીરી ન ગમતા હોય એવા નેતાઓના કેવા હાલહવાલ થઇ શકે છે. વિપુલભાઇએ પોતાની નારાજી થકી છેલ્લા થોડા સમયથી આંજણા ચૌધરી સમુદાયને સંગઠિત કરીને મહેસાણા-પાટણ જિલ્લાની અનેક બેઠકો પર પોતે અસર કરી શકે છે એવી પરોક્ષ ચીમકી નેતાગીરીને આપી છે.

અર્બુદા સેના અને અર્બુદા મહિલા સેના બનાવીને તેમણે ચૌધરી સમાજની વસ્તીવાળાં ગામોમાં જ્ઞાતિ-આધારિત ભરપૂર પ્રચાર શરૂ કર્યો હતો. મૂળ ભાજપના વિપુલભાઇ શંકરસિંહ વાઘેલાના હજુરિયા બળવા પછી તેમની સાથે ગયા હતા અને એ પછી હાલ તેઓ ભાજપની સાથે છે. પરંતુ એમની નારાજી જોતાં તેઓ આમઆદમી પાર્ટીનો હાથ પકડે એવી સંભાવના છે. કોંગ્રેસ પાસે ઉત્તર ગુજરાતમાં કોઇ મોટા નેતા નથી. જે હતા તે ભાજપભેગા થઇ ગયેલા છે. વિપુલભાઇએ તાજેતરમાં આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત આપ્યા હતા. જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં જોડાય તો ઉત્તર ગુજરાતની 20 બેઠકો પર રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. આમ ભાજપે હાલમાં કર્મચારીઓના મોરચે ને આવા બીજા મોરચે ફૂંકી ફૂંકીને ચા પીવી પડે એવી સ્થિતિ છે. જેની સ્તબ્ધતા પાર્ટીમાં આજકાલ ફેલાયેલી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top