Columns

જિંદગીની મુસાફરી

એક ગરદીથી ભરચક લોકલ ટ્રેનમાં એક સ્ત્રી ચઢી. તેના હાથમાં બે મોટા થેલા હતા. ટ્રેનમાં ચઢતાં તેના હાથમાંના થેલા એક નહિ અનેક મુસાફરોને વાગ્યા.કોઈએ મોઢું બગાડયું , કોઈએ બડબડ કરી, કોઈએ ઝઘડો કર્યો, કોઈએ સામો ધક્કો માર્યો.બધાની માફી માંગતી ; માંડ માંડ સ્ત્રી બે થેલા સાથે અંદર પહોંચી અને બેસવાની તો કોઈ જગ્યા હતી જ નહિ.પહેલી સીટ પાસે બેઠેલા એક સજજનને સ્ત્રીના હાથમાંના થેલા વાગ્યા.સ્ત્રી હજી કંઈ કહેવા જાય કે સોરી કહે તે પહેલાં જ સજ્જન ઊભા થઇ ગયા અને સ્ત્રીને કહેવા લાગ્યા ‘કંઈ વાંધો નહિ , બહુ ગરદી છે અને તમારી પાસે સામાન પણ વધારે છે.તમે અહીં મારી સીટ પર બેસી જાવ. હું તો બસ હવે પછીના સ્ટેશન પર ઊતરું જ છું.

બહુ થોડી મીનીટો માટે જ મુસાફરી કરવાની છે, વાંધો નહિ.’ આટલું બોલી સજ્જને સ્ત્રીને બેસવા જગ્યા આપી અને તેના થેલા સીટ નીચે ગોઠવી દીધા અને હસીને પોતે આગલા સ્ટેશન પર ઉતરવા દરવાજા તરફ આગળ વધી ગયા.સ્ત્રી તેમનો આભાર માનતી તેમની તરફ જોતી રહી. સ્ત્રીના મનમાં વિચાર આવ્યો.આ ટ્રેન , બધા ગરદીમાં ભીંસાઈ રહ્યા છે, હું એ જ અને મારા બે થેલાનો ભાર એ જ , ધક્કો પણ એકસરખો પણ બધાની પ્રતિક્રિયાઓ જુદી જુદી અને આ સજ્જનની પ્રતિક્રિયા તો બધાથી જુદી.એકદમ અલગ અને એકદમ સારી. આ એક લોક્લ ટ્રેનમાં મુસાફરી કરતા અનુભવ થતાં પ્રસંગો જેવો જ એક પ્રસંગ; પણ ચાલો તેને જીવન સાથે જોડીએ. આપણું જીવન લોક્લ ટ્રેનની મુસાફરી જેવું જ છે.

ગરદી ઘણી, મુસાફરો પણ ઘણાં , પ્રસંગો જુદા જુદા અને બધાની પ્રતિક્રિયા પણ જુદી જુદી.પણ એટલું શીખવા જેવું કે આપણી મુસાફરીમાં આપણે આપણા સ્ટેશન પર ઊતરી જઈએ છીએ તેમ આ જીવનની મુસાફરી પણ સાવ ટૂંકી છે અને છેલ્લે બધાએ પોતાના આખરી સ્ટેશન પર ઊતરી જ જવાનું છે. તો આ નાનકડી જિંદગીની મુસાફરીમાં શું કામ કોઈની પર ગુસ્સો કરીએ કે કોઈને તેની ભૂલ બદલ ખિજાઈએ કે કોઈ ભૂલ કરે તો આપણે પણ બદલો લેવા સામે એવી જ ભૂલ કરીએ.તેના કરતાં પેલા સજ્જનની જેમ આપણી મુસાફરી ટૂંકી છે, તેમાં બનતી બીજાને મદદ કરીએ, સાથ આપીએ અને સ્વાર્થ વિના સ્નેહ ફેલાવીએ તો જિંદગીની મુસાફરી માણવાલાયક બની જશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top