Gujarat

કૃષિબિલનો ફાયદો ખેડૂતોને નહીં પરંતુ, 10 મોટી કપંનીને થવાનો છે

સુરત: (Surat) ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને (Farmers) કેટલો લાભ અને કેટલો ગેરલાભ થશે એ અંગે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાત દ્વારા રાજ્યના અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ અને કાયદાવિદ આનંદ યાજ્ઞિકનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારને સંબોધતા અર્થશાસ્ત્રી પ્રો.હેમંતકુમાર શાહે કહ્યુ હતું કે, કૃષિબિલના નવા કાયદાને જોયા બાદ ભારત સરકાર બોલતા શરમ આવે છે, હવે તો કંપની સરકાર બોલવું જોઇએ. કેન્દ્રની ભાજપ સરકારે ગત ૫ જુનના રોજ કોઇ પણ પક્ષ સાથે ચર્ચા કર્યા વિના કૃ‌ષિબિલનો (Agricultural Bills) કાયદો પસાર કર્યો હતો. આ બિલની સૌથી વધુ અસર ખેડૂતો, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ પર પડશે.ભારત દેશમાં લોકશાહી છે કે કેમ તેની ખાત્રી કરવા માટે ૬૦ દિવસ સુધી દિલ્હીન‌ી સરહદ પર ખેડૂતો આદોલન પર ઉતર્યા હતા. ૧૨૫થી વધુ ખેડૂતોના મોત થયા હોવા છતા સરકારનું વલણ બદલાયું નથી. તે એવુ પ્રતિત કરાવે છે કે આ દેશમાં લોકશાહી નહી પરંતુ સરમુખત્યારશાહી ચાલી રહી છે.

પંજાબ ‌અને હરીયાણાના ખેડૃતો જ માત્ર વિરોધ કરી રહ્યા હોવાનો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોને હજી આ કાયદાની ગંભીરતા સમજાઇ નથી. પંજાબ, હરિયાણા પછી સૌથી વધુ નુકસાન મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને થવા જઇ રહ્યું છે. ગુજરાતમાં 14 વર્ષ અને કેન્દ્રમાં છ વર્ષ રાજ ભોગવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવો અપપ્રચાર કરી રહ્યા છે કે ખેડૂતોને વિપક્ષ ગુમરાહ કરી રહ્યું છે. તો સત્તાના આ 20 વર્ષ દરમિયાન ખેડૂતોને સાચા માર્ગે લઇ જવા માટે તેમણે શુ કર્યુ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિબિલનો ફાયદો ખેડૃતોને નહી પરંતુ ૧૦ મોટી કપંનીને થવાનો છે. કૃ‌ષિ બિલને કારણે હવે લોકો ૧૦ મોટી કંપનીના ગુલામ બનીને રહેશે.

નવા કાયદાથી એપીએમસી બંધ થશે તો સરકાર શું કરશે તે જોગવાઇ કરવામાં આવી નથી
નવા કૃષિ કાયદાથી એપીએમસી માર્કેટ બંધ થઇ જશે તો સરકાર શુ કરશે? તેવી કોઇ જોગવાઇ કાયદામાં કરવામાં આવી નથી. અત્યારે એપીએમસી માર્કેટમાં ખેત પેદાશનું વેચાણ કરવું હોય તો વેપારીએ ફી ચુકવવી પડે છે. નવા કાયદામાં એપીએમસી માર્કેટની બહાર ખેત પેદાશનું વેચાણ કરવામાં આવશે તો સરકારને ફી ચુકવવી પડશે નહી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમથી પ્રતિત થાય છે કે, ફી ન ચુકવી પડે એટલે ખેડુતો નિયુકત કરેલી કંપનીઓને ખેત પેદાશનું વેચાણ કરશે પરીણામે આપોઆપ એપીએમસી માર્કેટ બંધ થઇ જશે. ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવાની છુટ કંપનીઓને મળવાથી કયા ભાવમાં કઇ વસ્તુનું વેચાણ કરવુ ને કંપનીઓ દ્વારા નક્કી કરાશે. જેને કારણે ગ્રાહકોને મોઘા ભાવમાં ચીજ-વસ્તુ ખરીદવી પડશે. ગુજરાત, કેરળ સહિત અન્ય રાજયોમાં પણ કોન્ટ્રાક્ટ બેઝ ખેતી કરવામાં આવી રહી છે. તો શા માટે કેન્દ્ર સરકારે કૃષિનો કાયદો લાવવો જોઇએ, સ્થાનિક રાજય સરકારો પાસેથી ખેત પેદાશની ખરીદ-વેચાણની સત્તા આંચકી લેવા માટે આ કાયદો પસાર કરવામાં આ‍વ્યો છે.

બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે અને ફ્રેટ કોરિડોરમાં ખેડૂતોને નુકસાન કરનાર અધિકારીને કૃષિ કાયદામાં કિસાનને ન્યાય આપવાની જવાબદારી સોંપાઇ: આનંદ યાજ્ઞિક
કાયદાવિદ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાઓમાં ખેડૂતોને અન્યાય થાય તો ન્યાય અપાવવાની જવાબદારી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આ એ અધિકારી છે કે જે દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે, ફ્રેઇટ કોરિડોર, ગેસલાઇન, વીજલાઇનમાં યોગ્ય વળતર અને ન્યાય અપાવી શક્યો નથી. ડેપ્યુટી કલેક્ટર કક્ષાનો આ અધિકારી દેશના જાયન્ટ કોર્પોરેટ સેક્ટરને નારાજ કરી કઇ રીતે ખેડૂતને અપાવી શકશે. દક્ષિણ ગુજરાતમાં ઇન્ફાસ્ટ્રક્ચરના એક પણ પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા ખેડૂતોને બજાર ભાવ મળ્યો નથી.વડાપ્રધાન મોદી મનકી બાતમાં સમગ્ર દેશની સમસ્યાની વાતો કરતા હોય છે. કુષિબિલને કારણે ૧૨૫થી ‍વધુ ખેડૂતોના મોત થયા છે, આપઘાત કર્યો છે તેમ છતા હજુ સુધી ખેડૂતોની વાત મનકી બાતમાં કરવામાં આવી નથી. વર્ષ ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રાજયની તમામ એપીએમસી માર્કેટનું નિયંત્રણ ભાજપ સરકાર કરી રહી છે. જો એપીએમસી માર્કેટમાં ખેડૃતોનું શોષણ કરવામાં આવતું હોય તો શા માટે ભાજપ સરકારે અત્યાર સુધી કોઇ પગલા ભર્યા નહી. સરકાર બનાવ્યા બાદ લોકોના વિકાસની જવાબદાર સરકારના હાથમાં હતી.

શહેર પોલીસે 100 ખેડૂતોને સભા માટે મંજૂરી આપી પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા હોલ નાનો પડ્યો
ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે શહેર પોલીસે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિને જહાંગીરપુરા જીનમાં 100 ખેડૂતોની સભાને મંજૂરી આપી હતી. પરંતુ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી ખેડૂતો ઉમટી પડતા હોલ નાનો પડ્યો હતો. જેની નોંધ પોલીસે વીડિયોગ્રાફી કરી લીધી હતી. જહાંગીરપુરા જીનમાં આજે સવારથી 40 પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top