Sports

ભારત આ પ્રવાસમાંથી ખસી નહીં શકે.. સાઉથ આફ્રિકા સાથે BCCIની ડીલ આ કારણે જોખમી થઈ શકે છે

ભારતીય ક્રિકેટ ટીમના (India cricket Team) દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે જે સમજૂતી કરવામાં આવી છે તે એક રીતે જોઇએ તો માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પણ દક્ષિણ આફ્રિકન ટીમ માટે જોખમી કહી શકાય તેવી છે. બંને ક્રિકેટ (Cricket) બોર્ડ વચ્ચે જે ડીલ થઇ છે તેને જો ધ્યાને લઇએ તો એવું કહી શકાય કે ભલે ખેલાડીઓ સામે જોખમ ઊભું થાય પણ ક્રિકેટ બોર્ડને કોઇ નુકસાન ન થવું જોઇએ અને તેના કારણે જ આવી મુર્ખામી ભરી ડીલ કરવામાં આવી હોવાનું હાલ તો ચર્ચાઇ રહ્યું છે.

દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડના મેડિકલ ઓફિસર શુએબ માંજરાએ તાજેતરમાં જ આ ડીલ અંગે જણાવ્યું હતું કે ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) વચ્ચે એવી સહમતી સધાઇ છે કે બંને દેશની ટીમ વચ્ચેની ટેસ્ટ અને વન ડે સીરિઝ દરમિયાન જો કોઇ ખેલાડી કે સપોર્ટ સ્ટાફના સભ્યને કોરોના થાય તો પણ બંને દેશ વચ્ચેની એ સીરિઝ ચાલુ રખાશે, વાત અહીંથી પતતી નથી આ ડીલ અનુસાર કોરોના પોઝિટિવના નજીકના સંપર્કમાં આવનાર વ્યક્તિને આઇસોલેટ થવા માટે કોઇ જાતની જબરદસ્તી કરવામાં નહી આવે. હવે એ સમજાતું નથી કે આવી સમજૂતી કરતી વખતે બંને બોર્ડના હોદ્દેદારોએ શું પોતાનું મગજ બાજુએ મુકીને આવી સમજૂતી કરી હશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ 26 ડિસેમ્બરે બોક્સિંગ ડે ટેસ્ટથી શરૂ થશે. જેમાં બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી અને અંતિમ ટેસ્ટ 11 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટેસ્ટ સીરિઝ પતે ત્યાર પછી ત્રણ વન ડેની સીરિઝ રમાશે. જેમાં પ્રથમ વન ડે 19મી જાન્યુઆરીએ રમાશે અને તે પછી 21 અને 23 જાન્યુઆરીએ બાકીની બે વન ડે રમાશે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ આ પ્રવાસને અધવચ્ચેથી છોડી નહીં શકે. એવું એટલા માટે કહેવું પડે છે કે હાલના તબક્કે જે સહમતી સધાઇ છે તે અનુસાર દક્ષિણ આફ્રિકામાં પરિસ્થિતિ ઘણી ખરાબ થઇ જાય તો જ બીસીસીઆઇ પ્રવાસમાંથી ખસી શકશે, બાકી કોઇ ખેલાડીને કે સપોર્ટ સ્ટાફને કોરોના થાય તો ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં જે રીતે પાંચમી ટેસ્ટ રમી નહોતી તેવી રીતે આ પ્રવાસમાંથી ખસી શકે તેમ નથી.

શુએબ માંજરાએ કહ્યું હતું કે અમે ભારત સાથે ચર્ચા કરી છે અને પ્રોટોકોલ પર સહમતી સધાઇ છે. બાયો બબલની અંદર તમામનું વેક્સીનેશન થઇ ગયું છે. હવે જો કોઇ પોઝિટિવ કેસ સામે આવશે તો તે હોટલમાં જ આઇસોલેટ થશે. તેમણે કહ્યું હતું કે તેની નજીકના સંપર્કમાં આવેલા ખેલાડી રમવાનું ચાલું રાખશે. તેમનો દરરોજ ટેસ્ટ કરાશે. પણ જે રીતની આ સમજૂતી છે તેને ધ્યાને લેતા એવું લાગે છે કે તેને કરતી વખતે ખેલાડીઓનું હિત ધ્યાને લેવાયું નથી. વિરાટ કોહલીએ અગાઉ ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી થવાના કારણે અંતિમ ટેસ્ટ રમવાનું નકારી કાઢ્યું હતું, વળી ભારતમાં કોરોના કાળમાં જ્યારે આઇપીએલનું આયોજન થવાનું હતું તે સમયે પણ વિરાટે વાંધો વ્યક્ત કરીને કહ્યું હતું કે હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા આઇપીએલ રમાડવાનું જોખમ ન લેવું જોઇએ. હવે જ્યારે સીએસએ અને બીસીસીઆઇ વચ્ચે જે સમજૂતી થઇ છે ત્યારે વિરાટ સહિતના કેટલાક ખેલાડીઓ તેની સામે વાંધો ઉઠાવે તેવી શક્યતા હાલ તો દેખાતી નથી પણ એકાદ કેસ સામે આવશે ત્યારે સ્થિતિ બગડવાની સંભાવના દેખાઇ રહી છે.

અત્યાર સુધી તો બધા જ બાયો સિક્યોર બબલમાં છે અને નિયમિત ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. પણ અહીં વિવાદનો વિષય એ છે કે નજીકના સંપર્કમાં શું થાય છે. મોટાભાગના લોકો એવું માને છે કે નજીકના સંપર્કમાં ભલે આરટી-પીસીઆર ટેસ્ટીંગમાં નેગેટિવ આવે, તો તેમણે જાતે આઇસોલેટ થવું પડતું હતું. જયારે આવું થાય ત્યારે મેચ ચાલું રાખવી મુશ્કેલ બને છે. આ સ્થિતિ સર્જાશે ત્યારે શું થશે તે હાલ કહેવું મુશ્કેલ છે અને એવી આશા રાખીએ કે આવી કોઇ સ્થિતિ ન સર્જાય. બાકી કોરોના સાથે રમત ચાલું રાખવાની વાત જોખમી તો છે છે અને છે જ.

Most Popular

To Top