Dakshin Gujarat

મઢી ગામમાં માથાભારે કહેવાતા ટીકા રબારીનો આતંક, કર્યું આવું કામ

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મઢી ગામમાં માથાભારે કહેવાતો ટીકા રબારીનો (Tika Rabari) આતંક ફરી શરૂ થઈ ગયો છે. બુધવારના રોજ એક કારચાલકને (Car Driver) રોકી ટીકા રબારી અને તેના ભાઈએ માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ટીકા રબારી વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં (Police Station) અત્યાર સુધી અનેક મારમારી સહિત ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે.

  • મઢીમાં માથાભારે ટીકા રબારીનો ફરી આતંક : કારચાલક સાથે મારામારી કરી
  • ‘તારા સહેલ સપાટા બહુ વધી ગયા છે’ એવું કહી રમેશ મિશ્રાને ફટકાર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના મઢી ગામના પ્રેસ ફળિયામાં રહેતો ટીકો ઉર્ફે સંજય ગોવિંદ રબારી ઘણા સમયથી મઢીમાં આતંક મચાવતો હતો. જો કે, ભૂતકાળમાં તેને પાસા પણ થઈ ચૂક્યા હતા. તેમ છતાં હજી પણ તેનો આતંક ચાલુ જ રહ્યો છે. સુરાલી ગામે માર્કેટ યાર્ડ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રમેશભાઈ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રા (ઉં.વ.32) બુધવારે મઢીના પ્રેસ ફળિયામાં રહેતા તેના મામાના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યાં તેની પત્ની પૂનમ અને તેના બે સંતાનને મૂકવા માટે ગયો હતો.

ત્યારબાદ સાંજે ફરી લઈને ઘરે જઈ રહ્યો હતો, એ સમયે મઢી બજારના મુખ્ય રોડ પર વિજય ચા વાળાની સામે પહોંચતા જ ટીકો ઉર્ફે સંજય ગોવિંદ રબારીએ તેની એક્ટિવા મોપેડ રમેશની કાર સામે રોડ પર ઊભી રાખી દીધી હતી. આથી રમેશે પણ પોતાની કાર ઊભી રાખતાં ટીકો ઉર્ફે સંજય રબારી કારના કાચમાં ઢીક મારવા લાગ્યો હતો. દરવાજાનો કાચ ખોલતા જ ટીકાએ રમેશનો કોલર પકડી લીધો હતો અને ગાડી બહાર ખેંચવાનો પ્રયાસ કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો.

આ સમયે ટીકાનો ભાઈ વિરલ ગોવિંદ રબારી પણ ત્યાં આવી ગયો હતો અને રમેશને માર મારવા લાગ્યો હતો. રમેશે આવું કેમ કરો છો એમ પૂછતાં ટીકાએ તારા સહેલ સપાટા બહુ વધી ગયા છે એવું કહી રમેશને માર માર્યો હતો. રમેશની પત્ની અને બાળકો ગભરાઈને બૂમાબૂમ કરતાં બંને ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બારડોલી રૂરલ પોલીસે રમેશની ફરિયાદને આધારે ટીકો ઉર્ફે સંજય ગોવિંદ રબારી અને વિરલ ગોવિંદ રબારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top