Sports

ભારત સામેની WTC ફાઈનલ પહેલા ઓવલમાં પોતાના ખરાબ રેકોર્ડથી ઓસ્ટ્રેલિયા ચિંતિત

મેલબોર્ન : ભારત (India) સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) (WTC) ફાઈનલની તૈયારી કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ ઓવલ ખાતે તેમના ભૂતકાળના ખરાબ રેકોર્ડને ભૂલીને નવી શરૂઆત કરવા માંગે છે. ઈંગ્લેન્ડમાં (England) 140 વર્ષથી વધુ સમયથી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાનો (Australia) રેકોર્ડ સૌથી ખરાબ છે. આ જ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન દરમિયાન ડબલ્યુટીસી ફાઈનલ રમાશે.

1880માં ઓવલ ખાતે યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી. સાઉથ લંડનના આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમ 38 ટેસ્ટમાં માત્ર સાત જ જીતી શકી છે. આ મેદાન પર ટીમની સફળતાની ટકાવારી 18.42 છે જે સમગ્ર ઈંગ્લેન્ડમાં તેમના પ્રદર્શનમાં સૌથી ખરાબ છે.

ઓસ્ટ્રેલિયા છેલ્લા 50 વર્ષમાં ઓવલમાં માત્ર બે વખત જીત્યું છે. બીજી તરફ, તેઓ લોર્ડ્સમાં 29 મેચોમાં 43.59 ટકાના સફળતા દર સાથે 17 જીત્યા છે, જે યજમાન ઈંગ્લેન્ડના 141 મેચોમાં 39.72 ટકા અને દક્ષિણ આફ્રિકાના 33.33 ટકાથી વધુ સારી છે. ઓસ્ટ્રેલિયાની સફળતાની ટકાવારી હેડિંગલી ખાતે 34.62, ટ્રેન્ટ બ્રિજ ખાતે 30.43 અને ઓલ્ડ ટ્રેફોર્ડ અને એજબેસ્ટન ખાતે અનુક્રમે 29.03 અને 26.67 છે.

ઓવલના મેદાન પર ભારતીય ટીમનું પ્રદર્શન પણ એટલું સારું રહ્યું નથી
બીજી તરફ આ મેદાન પર ભારતનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. ભારતીય ટીમ અહીં બે ટેસ્ટ જીતી છે અને પાંચ મેચ હારી છે જ્યારે સાત ટેસ્ટ ડ્રો રહી છે. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 2021માં અહીં ઈંગ્લેન્ડ સામેની 157 રને મેળવેલી જીતથી આત્મવિશ્વાસથી ભરપૂર હશે, જે 40 વર્ષમાં આ સ્થળ પર તેમની પ્રથમ ટેસ્ટ જીત રહી હતી

Most Popular

To Top