Dakshin Gujarat

બારડોલીના આ લોકો મામલતદાર કચેરી પહોંચ્યા, કહ્યું- ‘અમારે ભારતીય નાગરિકત્વ નથી જોઈતું’

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકામાં રહેતા સતીપતિ જૂથના લોકોએ ગુરુવારના રોજ બારડોલી મામલતદારને આવેદનપત્ર આપી સરકાર (Government) દ્વારા આપવામાં આવેલાં વિવિધ ઓળખપત્રો અને દસ્તાવેજો પરત લઈ તેમના નામ ભારતીય નાગરિક તરીકે કમી કરવા માટે રજૂઆત કરી હતી. આ જૂથ ભારત સરકારના બંધારણમાં (Constitution) માનતું નથી અને સમાંતર સરકારની વિચારધારા ધરાવે છે.

  • ‘અમારે ભારતીય નાગરિકત્વ નથી જોઈતું’: સતીપતિ જૂથની બારડોલી મામલતદારને રજૂઆત
  • બારડોલી મામલતદારને આવેદનપત્ર આપી ઓળખપત્રો અને દસ્તાવેજો પરત લઈ ભારતીય નાગરિક તરીકે નામ કમી કરવા રજૂઆત કરી

પોતાને ભારત સરકારથી અલગ એન્ટિ ક્રાઈસ્ટ સરકારના મિન્ટ પરિવારના નેચરલ રેવન્યુ ઓફ કોમ્યુનિટી કલ્ટીવેટર ફાર્મ લેબર અને લેબરર ગણાવતા તેમનો સમાજ પોતાના જ શાસન વ્યવહારને અનુરૂપ રહે છે. વર્ષોથી સુરત તાપી જિલ્લા સહિત ગુજરાતમાં આ એક એવું જૂથ સક્રિય છે. જે પોતે ભારતના નાગરિકત્વનો સ્વીકાર કરતા નથી. પોતાની એક અલગ સરકાર હોવાનું માને છે. જે સતીપતિ તરીકે ઓળખાય છે. બારડોલી તાલુકામાં પણ આ પ્રકારની વિચારધારામાં માનનારાઓનો મોટો વર્ગ છે. કડોદ, ખરવાસા, ભામૈયા, ઉતારા વધાવા સહિતનાં ગામોમાં તેઓ રહે છે.

આ જૂથના કેટલાક લોકો આજે બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. અને મામલતદારને મળી આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, જોબ કાર્ડ, કિસાન કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો જમા લેવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભારતીય નાગરિકતા તરીકેનું નામ કમી કરવા તેમજ વિવિધ પંચાયતોમાં તેઓનાં ઘરના રેકોર્ડ કમી કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બારડોલી તાલુકામાં સતીપતિનો મોટો સમુદાય રહે છે. જે ભારત સરકારથી અલગ સમાંતર સરકારના નિયમો અને બંધારણથી ચાલે છે. તેઓ ભારતના બંધારણ માન્ય ગણતા નથી.

દસ્તાવેજો જમા લેવા રજૂઆત કરી છે
બારડોલી મામલતદાર પ્રતીક પટેલે જણાવ્યું હતું કે, સતીપતિના લોકોએ લેખિતમાં અરજી આપી ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો જમા લેવા રજૂઆત કરી છે. આ અરજી અંગે ઉપરી અધિકારીને જાણ કરવામાં આવશે.

Most Popular

To Top