Madhya Gujarat

ચુણેલમાં વાંસ – વિકાસ કામોમાં કૌભાંડઃ પોલીસ ફરિયાદનો આદેશ

નડિયાદ : મહુધાના ચુણેલ ગામમાં ૧૭.૬૩ લાખ રુપીયાનો વાંસ પ્રોજેક્ટ અને વર્ષ ૨૦૧૨થી આજદિન સુધીમાં આચરેલા ભ્રષ્ટાચાર મામલે અધિક જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડા-નડિયાદ દ્વારા જે તે સમયના ટીડીઓ અને અધિક મદદનીશ ઇજનેરને બચાવી ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના નાના કર્મીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનું ફરમાન જારી કરતા કટકીબાજોમા ફફડાટ વ્યાપી ગયો છે.

મહુધા તાલુકાનો બહુચર્ચિત ચુણેલ વાંસ કૌભાંડ અને વિકાસ કામોના ભ્રષ્ટાચાર પોલીસ ચોપડે ચડશે.  જાગૃત નાગરિકો દ્વારા ચુણેલ અને મીનાવાડા ખાતે તાલુકા પંચાયત મહુધાના કર્મચારીઓ અને સ્થાનિક પંચાયતના બાબુઓ દ્વારા મનરેગા અને વિકાસના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખીત રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે તાત્કાલીન ટીડીઓ કાજલ આંબલીયા દ્વારા તપાસ હાથ ધરી ભ્રષ્ટાચારનો વિસ્તૃત અહેવાલ ખેડા જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ આખરે આ અહેવાલ આધારે જિલ્લા કક્ષાએથી જવાબદારો સામે કાયદેસરની ફરીયાદ દાખલ કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું.

જેમાં ચુણેલ વાંસ પ્રોજેક્ટમાં ૧૭.૬૩ લાખ રુપીયા અને વર્ષ ૨૦૧૨થી આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે ગ્રામ પંચાયતના બાબુઓ અને તાલુકા પંચાયત મહુધાના નાના કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ચુણેલ મનરેગા વાંસ પ્રોજેક્ટ અને વર્ષ ૨૦૧૨થી થયેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર મામલે જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી અને વિકાસના કામો જોતા અ.મ.ઇ ને ફરીયાદમાંથી બાકાત રખાયા હતા. હાલ જિલ્લા કક્ષાએથી ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનું ફરમાન આવતા કટકીબાજોમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કાર્યવાહીથી બચવા કેટલાંક કટકીબાજોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાં

તત્કાલીન ટીડીઓના અહેવાલના પગલે સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ થઇ હતી અને ડીડીઓની શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા કેટલાંક કટકીબાજોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે ગાંઠ બાંધી હતી. જ્યારે પક્ષ પલટાની ઘટના બાદ જ મહુધા તાલુકા પંચાયતની ચુંટણીનો લાભ લેવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષ પલ્ટુઓનો સમય જોઇ ઉપયોગ કરી લીધો હતો. તેઓના સહારે ભાજપે પોતાનો મનસુબો પાર પાડી મહુધા તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.પરંતુ ભાજપે સત્તા હાંસલ કર્યા બાદ ભ્રષ્ટાચારી પક્ષ પલ્ટુઓથી હાથ ખંખેરી લેતા કટકીબાજોના પગ તળીયેથી જમીન ધસી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો હતો.

આ દસ જવાબદારો સામે ફરિયાદ દાખલ કરાશે

વિક્રમ રાઓલજી (ઉપ સરપંચ, ચુણેલ ગ્રામ પંચાયત), એમ.એમ.ચાવડા (ત.ક.મંત્રી, ચુણેલ ગ્રામ પંચાયત), આર.કે.વાઘેલા (તત્કાલીન ત.ક.મંત્રી ચુણેલ,હાલ રામોલ ગ્રામ પંચાયત), હસમુખભાઇ નાથાભાઇ પટેલ (માજી સરપંચ, ચુણેલ ગ્રામ પંચાયત), મહેશભાઇ મણીભાઇ મકવાણા (માજી જી.આર.એસ), ગણપતસિંહ રઇજીભાઇ (તત્કાલીન જી.આર.એસ.,તાલુકા પંચાયત, મહુધા), વિજયકુમાર પ્રભાતસિહ ભોજાણી (માજી ટેક્નીકલ આસીસ્ટંટ), જીતેન્દ્રકુમાર આર.ગોસાઇ (તત્કાલીન ટી.એ,તા.પં.મહુધા,હાલ નડિયાદ તા.પં.ટી.એ), તેજસભાઇ શાહ (તત્કાલીન અ.મ.ઇ, તા.પં.મહુધા, હાલ મહેમદાવાદ તા.પં.), પંકજભાઇ જે.પ્રજાપતી (તત્કાલીન એ.પી.ઓ,તા.પં.મહુધા).

Most Popular

To Top