અરબી સમુદ્રમાં વાવાઝોડાઓનું વધેલું પ્રમાણ: ગુજરાત માટે ચિંતાની બાબત

હાલ કેટલાક સમય પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠે તાઉતે નામનું એક વાવાઝોડું ત્રાટક્યું જેની અસરમાંથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હજી પુરેપુરા બહાર આવી શક્યા નથી ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રને ચિંતા કરાવે તેવા એક અહેવાલ આવ્યા છે અને તે એ કે એક અભ્યાસમાં જણાયું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડાઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ગુજરાત માટે આ ચિંતાની બાબત છે કારણ કે ગુજરાતને અરબી સમુદ્રનો કાંઠો લાગે છે અને આપણે જોયું જ છે કે છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત પર આવતા વાવાઝોડાઓનું પ્રમાણ વધ્યું છે અને આ પ્રમાણ કદાચ હજી પણ વધી શકે.

કેટલીક ભારતીય સંસ્થાઓના વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે અરબી સમુદ્રમાં ૧૯૮૨થી ૨૦૧૯ના સમયગાળામાં વાવાઝોડાઓ આવવાનું પ્રમાણ બાવન ટકા વધ્યું છે જ્યારે અતિ તીવ્ર વાવાઝોડાઓનું પ્રમાણ આ સમયગાળા દરમ્યાન તેના કરતા બે દાયકા પહેલાના સમયની સરખામણીમાં ૧૫૦ ટકા વધ્યું છે એમ તાજેતરમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. બીજી બાજુ આ જ સમયગાળામાં બંગાળના અખાતમાં વાવાઝોડાઓ આવવાના પ્રમાણમાં થોડોક ઘટાડો નોંધાયો છે.

આ અભ્યાસના એક સહ-લેખકે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડાઓની પ્રવૃતિમાં થયેલો વધારો એ ચુસ્ત રીતે દરિયાના વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે વધેલી ભેજની ઉપલબ્ધતાની સાથે સાંકળવામાં આવે છે. બંગાળના અખાતમાં વાવાઝોડાઓની સંખ્યા આ સમયગાળામાં આઠ ટકા ઘટી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. અભ્યાસ જણાવે છે કે છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં વાવાઝોડાઓના કુલ સમયગાળામાં ૮૦ ટકાનો વધારો થયો છે. ઘણા તીવ્ર વાવાઝોડાના સમયના પ્રમાણમાં ૨૬૦ ટકાનો વધારો થયો છે. અલબત્ત, બંગાળના અખાતમાં વાવાઝોડાઓના સમયના પ્રમાણમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થયો નથી.ચોમાસા પછીન સમયમાં વાવાઝોડાઓની તીવ્રતા અરબી સમુદ્રમાં ૨૦ ટકા વધી છે. આ સમુદ્રમાં વાવાઝોડાઓની ભેગી તીવ્રતા ત્રણ ગણી થઇ ગઇ છે.

આ બધી જ બાબતો ગુજરાત માટે ચિંતાજનક છે. પહેલા ગુજરાતના કાંઠે વાવાઝોડાઓ ખૂબ ઓછા પ્રમાણમાં આવતા હતા અને હાલ છેલ્લા કેટલાક સમયમાં વાવાઝોડાઓ આવવાનું પ્રમાણ વધ્યું જ છે તે આપણે જો બારીકાઇથી નિરીક્ષણ કરીએ તો સમજી શકાય છે. બંગાળના અખાતમાં વાવાઝોડાઓ ઉદભવવાનું પ્રમાણ તેના વિશિષ્ટ ભૌગોલિક સ્થાન અને આકારને કારણે રહેતું આવ્યું છે અને ખાસ કરીને ઓડિશા, આંધ્ર, બંગાળ જેવા રાજ્યો ભોગ બનતા આવ્યા છે. આ બંગાળની ખાડીમાં વાવાઝોડાઓનું પ્રમાણ સહેજ ઘટ્યું છે એમ પણ આ અભ્યાસ જણાવે છે, જો કે કયા કારણોસર ઘટ્યું છે તે જણાવાયું નથી. પણ અરબી સમુદ્રમાં વાવાઝોડાઓના વધેલા પ્રમાણ માટે એક કારણ ગ્લોબલ વૉર્મિંગનું પણ આપવામાં આવ્યું છે અને તે વધુ ચિંતાજનક છે. પૃથ્વીના વધતા તાપમાનની સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડાઓનું પ્રમાણ વધી શકે અને ગુજરાતને તે વધુ અસર કરી શકે. ગુજરાત માટે સાચે જ આ ચિંતાની બાબત છે.

અલવિદા દાનિશ…

અફઘાનિસ્તાનના કંદહારમાં અફઘાન દળો અને તાલીબાનો વચ્ચેની ભીષણ લડાઇમાં ભારતે પોતાનો એક જાંબાઝ પત્રકાર ગુમાવ્યો છે. રોઇટર સમાચાર સંસ્થા માટે ફોટો જર્નાલિસ્ટનું કામ કરતા યુવા પત્રકાર દાનિશ સિદ્દીકી કંદહારમાં ચાલતી આ લડાઇનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે આ શુક્રવારે તેઓ ગોળીબારની અડફેટે આવી ગયા અને મૃત્યુ પામ્યા. ભારત માટે, ભારતના પત્રકાર જગત માટે સાચે જ આ સમાચાર આઘાત જનક હતા. દાનિશને બે વર્ષ પહેલા જ વિશ્વમાં પત્રકારત્વ માટેનો શિરમોર કહી શકાય તેવો પ્રતિષ્ઠિત પુલિત્ઝર એવોર્ડ મળ્યો હતો.

મ્યાનમારમાં સરકારી દળોના અત્યાચારોનો ભોગ બનીને નિરાશ્રિત તરીકે બાંગ્લાદેશ તથા ભારત તરફ ભાગી રહેલા રોહીંગ્યાઓની કઠણાઇઓને રજૂ કરતી અનેક તસવીરો દ્વારા દાનિશ અને તેની ટીમના સાથી મિત્રોએ રોહિંગ્યાઓની સમસ્યા પ્રત્યે વિશ્વનું ધ્યાન જે રીતે ખેંચ્યું તે બદલ દાનિશ અને તેના સાથી મિત્રોને પુલિત્ઝર એવોર્ડ મળ્યો. આ તસવીરો કંઇ કેમ્પમાં સબડી રહેલા રોહિંગ્યા નિરાશ્રિતોની ચીલા ચાલુ તસવીરો ન હતી પણ અનેક મુશ્કેલ સ્થળોએ જઇને ખેંચવામાં આવેલી તસવીરો હતી. કેવા દુષ્કર વિસ્તારોમાંથી પસાર થઇને રોહિંગ્યાઓ બાંગ્લાદેશમાં પ્રવેશી રહ્યા છે તે દર્શાવતી તસવીરોએ ઘણાને હચમચાવી નાખ્યા હતા. દાનિશે લીધેલી તસવીરોની કમાલ જ  આ હતી. તેની તસવીરો સાચા અર્થમાં બોલતી તસવીરો બની રહેતી. કોઇ પણ બાબતને આબાદ રીતે શબ્દો વિના વર્ણવી શકે તેવી તસવીરો ખેંચવી એ બહુ આવતડ માગી લેતુ કાર્ય છે, તસવીરો યોગ્ય સમયે, યોગ્ય એંગલથી સિફતપૂર્વક લેવામાં આવે તો જ તે સ્થિતિનો સાચો ચિતાર આબાદ રીતે રજૂ કરી શકે છે અને આ બધી આવડતો દાનિશમાં હતી. તેની ઘણી તસવીરો યાદગાર બની ગઇ છે.

આ દાનિશ નામનો યુવા પત્રકાર ફોટો જર્નાલિસ્ટ એટલે કે તસવીર પત્રકાર બન્યો તે પહેલા તેણે ટીવી ચેનલમાં ન્યૂઝ એન્કર તરીકે પોતાની કારકીર્દી શરૂ કરી હતી. જો કે તેને કદાચ ફોટો જર્નાલિઝમમાં વધુ રસ હતી અને તે ફોટો જર્નાલિઝમ તરફ વળ્યો. આ દાનિશે દિલ્હીની જામીયા મિલિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી મેળવી અને બાદમાં આ જ યુનિવર્સિટીમાં તેણે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. એક પત્રકાર તરીકે તેણે કારકિર્દી શરૂ કરી અને સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવાની તેની રૂચિ અને આવડતે ભારતને એક ઉત્કૃષ્ટ ફોટો જર્નાલિસ્ટ આપ્યો.

વિશ્વની અગ્રણી સમાચાર સંસ્થા રોઇટરમાં જોડાયા પછી તેને વિદેશોમાં પણ ફોટો ગ્રાફી કરવા જવાની તક મળી અને તેણે વિદેશોમાં પણ કેટલીક અદભૂત તસવીરો ખેંચી. વિશ્વના કેટલાક જાણીતા ફોટો જર્નાલિસ્ટોમાં દાનિશનું નામ બોલાતું થઇ ગયું. ઇરાકના અશાંત ક્ષેત્રની પણ તેણે તસવીરો ખેંચી હતી. જોખમી સ્થળોએ જઇને, યોગ્ય એંગલેથી ઉત્કૃષ્ટ તસવીરો ખેંચવી એ બહુ સાહસ માગી લેતુ કામ હોય છે અને દાનિશને આવા સાહસોનો શોખ હતો. તેના આવા સ્વભાવને કારણે જ કદાચ તેને અફધાનિસ્તાનના યુદ્ધ ક્ષેત્રની ઘટનાઓનું ફોટો કવરેજ કરવાનું કામ રોઇટરે સોંપ્યું હશે અને તેમાં જ તેણે જીવ ગુમાવ્યો. દાનિશ ચાલીસની પણ વય વટાવતા પહેલા જ દુનિયા છોડી ગયો પણ અનેક યાદગાર તસવીરો વડે તે અમર બની ગયો.

Related Posts