Sports

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારી અને ડાયરેક્ટર વચ્ચે ગાળાગાળી અને મારામારી

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની (Pakistan) ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી અને બાબર આઝમની ટીમ સેમીફાઈનલમાં પહોંચવા માટે વલખા મારી રહી છે, આવા સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં એક અલગ જ ડ્રામા (Drama) જોવા મળી રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં જાહેરમાં ઝપાઝપી થઈ હતી. અધિકારીઓએ એકબીજાને ગાળો ભાંડીને છુટા હાથની મારામારી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ડાયરેક્ટર પર એક સહકર્મી સાથે મારપીટ કરવાનો આરોપ છે. હવે સમગ્ર મામલો શિસ્ત પંચ સુધી પહોંચ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ.કોમના જણાવ્યા અનુસાર, આ ઘટના પીસીબી હેડક્વાર્ટરમાં બની હતી અને અધિકારીઓ વચ્ચેની ઝપાઝપીની ઘટના સીસીટીવીમાં કેદ થયો છે.

મીડિયા અને કોમ્યુનિકેશન ડાયરેક્ટર સમી-ઉલ-હસન અને કોમર્શિયલ ડિરેક્ટર ઉસ્માન વાહીદ પહેલાથી જ કોઈ મુદ્દાને લઈને ઝઘડામાં હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા હતા. સમી અને ઉસ્માન બંને ઘણીવાર એકબીજાને મહેણા ટોણાં મારતા હતા. આ પછી બંને હેડક્વાર્ટરના કોરિડોરમાં બાખડ્યા હતા. આ દરમિયાન સમીએ ઉસ્માનને ધક્કો મારીને મારામારી કરી હોવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં હાજર બાકીના અધિકારીઓએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પછી ઉસ્માન વાહીદે લેખિત ફરિયાદ કરી હતી. તેણે લખ્યું કે મીડિયા ડિરેક્ટરે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જો કે, હવે આ મામલો શિસ્ત આયોગને મોકલવામાં આવ્યો છે અને આ મામલે બેઠક પણ યોજવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર પીસીબીના વરિષ્ઠ અધિકારીઓ ઉસ્માન પર ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ, તેણે ફરિયાદ પાછી ખેંચવાનો ઇનકાર કર્યો હતો. તેણે બિનશરતી માફીની ઓફર પણ ઠુકરાવી દીધી છે.

Most Popular

To Top