Science & Technology

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે મોટી સંખ્યામાં માથા વગરના પેંગ્વીન તણાઇ આવ્યા

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયામાં (Australia) એક ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું છે. જેની માત્ર વાત સાંભળીને જ તમારા રૂવાટા ઊભા થઈ જશે. ઑસ્ટ્રેલિયામાં દરિયાકાંઠે પેંગ્વિનના (Penguin) શિરચ્છેદ કરાયેલા મૃતદેહ મળી આવ્યા છે. આ મૃત્યુનું (Death) કારણ જાણવા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બોટના (Boat) પ્રોપેલર સાથે અથડાયા બાદ આ પેંગ્વિનના માથા કપાઈ ગયા હશે. જો કે સાચુ કારણ બહાર આવતા હજુ સમય લાગશે.

આ ચોકાવનારી ઘટના ઑસ્ટ્રેલિયાના બીચ ( Beach) પર એટલે કે દરિયાકાંઠે બની છે. અહીં મોટી સંખ્યામાં પેંગ્વિન તણાઇને આવ્યા છે. જેમના માથા કપાયેલા જોવા મળી રહ્યા છે. પેંગ્વિનની આ હાલત જોઈને વૈજ્ઞાનિકો હેરાન થઈ ગયા છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે આટલા બધા પેન્ગ્વિનનું માથું કાપવાની પાછળનું કારણ શું છે.

આ પહેલા પણ ઑસ્ટ્રેલિયાના બીચ પર 2021 માં પેંગ્વિનના મૃતદેહ મળી આવ્યા હતા. પરતું આ વખતે એપ્રિલ મહિનામાં જ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ફ્લેરીયુ પેનિનસુલાના દરિયાકિનારા પર લગભગ 20 પેંગ્વિનના મૃતદેહ મળી આવ્યા હતા. જે 2021ના આંકડાઓ કરતાં વધારે છે.

દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં સ્ટીફન હેજ્સ આ મૃત પેંગ્વિનના શબને એકત્ર કરી રહ્યા છે, જેથી તેનો અભ્યાસ કરી શકાય. માત્ર પેંગ્વિનના મૃતદેહ જ નહીં પરંતુ તેમના કપાયેલા માથા પણ દરિયાના કિનારે મળી રહ્યા છે. આ મામલામાં માનવ હાથ હોવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે. કારણ કે આ મોત દરિયામાં થઈ રહ્યા છે.

સ્ટીફન હેજીસે આ વિશે વધુમાં કહ્યું કે તેઓને દર મહિને દરિયાકિનારા પર એક કે બે મૃત પેંગ્વિન જોવા મળે છે. પરંતુ માત્ર એપ્રિલ મહિનામાં અમને 15 થી 20 મૃતદેહો મળ્યા છે અને તે પણ કપાયેલા માથા સાથે. એપ્રિલ માહિનામાં ક્યારેક તો તેઓને એક દિવસમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પેંગ્વિનનું માથું એક જ વારમાં અલગ થઈ ગયું હતું.

સ્ટીફન હેજીસ કહે છે કે તાજેતરમાં એન્કાઉન્ટર બે નજીક માછલી પકડવાની સ્પર્ધા હતી. જેમાં પેંગ્વિન બોટથી આકર્ષિત થયા હશે અને બોટની નજીક જતાં તેના પંખાથી તેમના મૃત્યુ થયા હશે. આ ઉપરાંત પેંગ્વિનની હત્યા પાછળ પ્રવાસન પણ એક કારણ હોઈ શકે છે. કારણ કે ઈસ્ટર અને વીકએન્ડના કારણે આ વિસ્તારમાં ઘણા પ્રવાસીઓ આવ્યા હતા. ઘણા પ્રવાસીઓ તેમના કૂતરા સાથે દરિયા કિનારે ફરતા હતા. આ સિવાય આ કામ શિયાળ પણ કરી શકે છે. જોકે, વૈજ્ઞાનિકોને સાચું કારણ શોધવામાં બે કે ત્રણ અઠવાડિયા લાગશે. ગયા સપ્ટેમ્બરમાં મધમાખીઓના ટોળાએ દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારે 63 ભયંકર આફ્રિકન પેંગ્વિનને મારી નાખ્યા હતા. પોસ્ટમોર્ટમ દરમિયાન પેંગ્વિનની આંખોની આસપાસ મધમાખીના ડંખ મળી આવ્યા હતા.

Most Popular

To Top