Vadodara

ઈમલાની દુકાનને સીલ મારીને કોના ઈશારે પૈસા પડાવવાનો કારસો ઘડાયો?

વડોદરા : વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં કેટલાક તત્વો રાજકીય પીઠબળના ઈશારે પાલિકાના અધિકારીઓને હાથો બનાવી ખોટી અરજીઓ, ફરિયાદો કરી વેપારી પાસેથી નાણાં પડાવતા હોવાનો કારસો ‘ગુજરાતમિત્ર’ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. હાલ નવાબજાર દુકાન સિલ મામલે પાલિકાએ ખોટી કાર્યવાહી કરી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ જગ્યા ઈમલામાં આવતી હોવાથી પાલિકા કોઈ કાર્યવાહી કરી શકે નહીં તેમ છતાં દુકાનને સિલ મારી વેપારી પાસે સોગંદનામું કરાવી દુકાન ખોલવા દેવાની પરવાનગી આપ્યા બાદ પુનઃ સિલ કરી દેવાતા વોર્ડ ઓફિસર પણ વિવાદના ઘેરાવામાં આવ્યા છે. વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં  હુસેનભાઈ રોયલ નામની દુકાન ધરાવે છે. જેઓની દુકાનને વિસ્તારના કેટલાક વ્યક્તિઓએ રાજકીય પીઠબળના ઈશારે ખોટી અરજીઓ કરી સિલ કરાવી દીધી છે. જોકે સિલ કયા કારણોસર કરી તેનું ચોક્કસ કારણ વોર્ડ ઓફિસર પણ જાણતા નથી. વેપારી હુસેનભાઈ દ્વારા આ મામલે રજુઆત કરતા કેટલાક વ્યક્તિઓ તેમની પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. જોકે તે નહીં આપતા વેપારીની દુકાન સિલ કરવામાં આવી હતી. જે સમગ્ર બાબત ગુજરાત મિત્રમાં પ્રસારિત થતા હડકંપ મચી ગયો છે. હાલ આ મામલે નવો વળાંક જોવા મળ્યો છે. વેપારી જ્યાં દુકાન ધરાવે છે તે જગ્યા ઈમલાની છે. જેથી પાલિકા કાર્યવાહી કરી શકે નહીં. હા પાલિકા વેરો ઉઘરાવાની હકદાર છે.

પાલિકા આ જગ્યા પર માલિકી હક ધરાવતી નથી અને માલિકી હક પણ આપી શકે નહીં. તેમ છતાં પણ કોઈના ઈશારે વેપારી હુસેનભાઈની દુકાનને સીલ મારી દેવાઈ હતી. ઉપરાંત વેપારીને કોઈ કારણદર્શક નોટિસ પણ આપવામાં નથી આવી. જે અનેક શંકા ઉપજાવે છે. આ મામલે વેપારી હુસેનભાઈએ જણાવ્યું હતું કે વોર્ડ કચેરીમાં એએમસી ભુપેન્દ્રભાઈ શેઠે બોલાવ્યા હતા અને પુરાવા રજૂ કરી દો તેમ જણાવ્યું હતું. મેં પૂછતાં ક્યારે સિલ ખુલશે. તો તેઓએ શનિ, રવિવારની રજા છે. એક સપ્તાહ પછી પરત મુલાકાત કરશે તેમ જણાવ્યું હતું. અહીં સવાલએ ઉભો થાય છે કે જ્યારે ખાનગી ઈમલાની વેરા વાળી દુકાનો છે. પાલિકાના કેબીનો નથી. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરી વેપારીને કચેરીઓના ધક્કા ખવડાવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જ્યારે બીજી તરફ અશાંતધારા કાયદાની આડ લેતા તત્વો ભાન ભૂલ્યા છે. અશાંતધારામાં મંજૂરી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરની હોઈ છે અને તે ન આપી શકે તો અંતે કોર્ટ રાહે મેળવી શકે છે. પરંતુ અહીં તો વર્ષોથી અનેક દુકાનો મિલ્કતો ફેરબદલ થઈ ત્યારે કોઈ વિવાદ ન થયો પરંતુ હાલમાં નવાબજારમાં મુસ્લિમ વેપારીઓ પૈકી હુસેનભાઈની દુકાનને જ સિલ મારી દેવાની કાર્યવાહીથી અનેક માથાઓની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સીઝનલ ધંધો કરતા પથારાવાળા પાસે પણ કેટલાક તત્વો દ્વારા તહેવારોના નામે થતી ઉઘરાણી
વિવિધ તહેવારો જેવા કે ઉત્તરાયણ, ગણેશ મહોત્સવ ,નવરાત્રી, દશામાંનો તહેવાર હોઈ તેમને ધંધો કરવા દેવા મસ મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને જો તેઓ દ્વારા આપવામાં ન આવે તો કેટલાક તત્વો પથારાધારકો પર હાવી થઈ ધંધો કરવા દેતા નથી. ટૂંકમાં હપ્તારાજ ચાલી રહ્યું છે.
ચાર દરવાજા વિસ્તારમાં આવેલી મિલકત ફેરબદલ, રીનોવેશન કે દબાણ થાય તો તુરંત ટોળકી સક્રિય
મિલ્કત ફેરબદલ થાય, કોઈ પોતાની મિલ્કતમાં રિનિવેશન કરે, ઓટલો બનાવે, છત બહાર કાઢે કે કોઈ દબાણ કરે આવા સમય ટાળે એક ખાસ ટોળકી સક્રિય બને છે. મિલ્કત ફેરબદલના કિસ્સામાં તો સોદાની અવેજની રકમના 20 ટકાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Most Popular

To Top