Dakshin Gujarat

વ્યારામાં મધમાખીનો હુમલો: ફાયરનાં 5 જવાનોને ડંખ માર્યા, હડતાળ વચ્ચે પણ ડોકટરોએ કરી સારવાર

વ્યારા: વ્યારાના કપુરા ગામે આવેલા ભક્ત ફળિયામાં મોટી ટાંકી ઉપર રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાંકી ઉપર રહેલા મધપૂડામાંથી માખીઓ અચાનક ઊડતાં ચાર મજૂરોને મધમાખીના ટોળાએ ડંખો માર્યા હતા. મધમાખીથી બચવા મજૂરો જીવ બચાવવા પાણીની ખાલી ટાંકીમાં કૂદી ગયા હતા. જાગૃત નાગરિક દ્વારા આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં આ ટીમ તાત્કલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

  • વ્યારામાં મધમાખીઓએ હુમલો કરતાં 5 ફાયર જવાનોને હોસ્પિટલમાં ખસેડાયા
  • મધમાખીથી બચવા મજૂરો જીવ બચાવવા પાણીની ખાલી ટાંકીમાં કૂદી ગયા
  • કપૂરામાં ટાંકી રિપેરિંગ વેળાએ મધપૂડામાંથી માખીઓ અચાનક ઊડી

બચાવ કામગીરી દરમિયાન ફાયર ફાઇટરોને વારંવાર મધમાખીઓ ડંખ મારી રહી હતી. પોતાની ચિંતા કરતાં પહેલાં મજૂરોને સલામત સ્થળે ખસેડવા વધારે જરૂરી સમજી ફાયર ફાઇટરોએ તમામ મજૂરોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા.

તમામ સાવધાની રાખવા છતાં ફાયરનાં જવાનો ઈજાગ્રસ્ત
ફાયર ફાઇટરોએ તેઓનો યુનિફોર્મ, હેલ્મેટ, ગ્લવ્ઝ વગેરે પહેર્યા હોવા છતાં “ભવરિયુ” મધમાખી જે ખૂબ મોટી મધમાખી અને ખૂબ જ ઝેરી ડંખ મારતી મધમાખી હોવાથી પાંચ ફાયર ફાઇટરોને મધમાખીના વધુ ડંખથી ગંભીર ઇજા થઈ હતી. જેઓને તાત્કાલિક જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના ડોક્ટરો પણ હડતાળ ઉપર છે. પરંતુ હડતાળ ઉપર હોવા છતાં ગંભીર ઇજા પામેલા ફાયરના જવાનોને તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત ઉપસ્થિત ડોક્ટરોની ટીમે કરી હતી.

ખડેપગે નાગરિકોની સેવા માટે તૈયાર છીએ : ફાયર જવાન
ફાયર બ્રિગેડની ટીમના ફાયર ઓફિસર નારણ બાંધીયાએ જણાવ્યું હતું કે, “ફાયર ફાઇટરોની કામગીરીમાં આગ કાબૂમાં લેવા સિવાય તબીબી સેવા, માનવો, પશુ-પક્ષીઓના જીવન બચાવવા, પર્યાવરણ બચાવવા સહિતના નાના-મોટા આકસ્મિક અને માનવસર્જીત તમામ ઘટનામાં બચાવ કામગીરી કરવાની હોય છે. આજે અમારી ટીમે સાબિત કર્યું છે કે નાની-મોટી કોઇપણ ઘટના બને અમે ખડેપગે નાગરિકોની સેવા માટે તૈયાર છીએ.” વહીવટી તંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમની ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી હતી.

Most Popular

To Top