World

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી 16ના મોત, 450થી વધુ ઘાયલ

ઢાકા: બાંગ્લાદેશના ચિત્તાગોંગના સીતાકુંડા ઉપજિલ્લામાં શનિવારે રાત્રે એક ખાનગી કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 450 લોકો ઘાયલ થયા છે. ઉપજિલાના કદમરસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. આ અંગે ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ (CMCH)ના SI નૂરૂલ આલમે જણાવ્યું હતું કે ઘટનાની પ્રાથમિક તપાસમાં એવી આશંકા છે કે આગ કન્ટેનર ડેપોમાં કેમિકલના કારણે લાગી હતી. માહિતી અનુસાર આગ ઓલવવથી વખતે એક ભયંકર વિસ્ફોટ થયો. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બની હતી. 

આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાય
એસઆઈ નૂરુલ આલમે જણાવ્યું હતું કે આગ લગભગ 9 વાગ્યે શરૂ થઈ હતી. જોકે, 11:45 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો, જે બાદ કન્ટેનરમાં રહેલા કેમિકલને કારણે આગ એક કન્ટેનરથી બીજા કન્ટેનરમાં ફેલાઈ ગઈ હતી. રેડ ક્રેસન્ટ યુથ ચિટાગોંગના આરોગ્ય અને સેવા વિભાગના વડા, ઇસ્તાકુલ ઇસ્લામે બાંગ્લાદેશમાં સ્થાનિક મીડિયા આઉટલેટ્સને આગમાં થયેલા મૃત્યુની પુષ્ટિ કરી હતી. 

19 અગ્નિશમન એકમો કાર્યરત છે
આ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 350 લોકો CMCHમાં છે. અન્ય હોસ્પિટલોમાં મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. વિસ્ફોટના કારણે નજીકના શહેરમાં વિસ્ફોટનો જોરદાર અવાજ આવ્યો હતો અને આજુબાજુના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા. ચટગાંવ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મોહમ્મદ ફારુક હુસૈન સિકદરે કહ્યું: “લગભગ 19 ફાયર યુનિટ આગ પર કાબૂ મેળવવા માટે કામ કરી રહ્યા છે અને છ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર ઉપલબ્ધ છે.” 

મૃત્યુઆંક વધવાની શક્યતા
BM કન્ટેનર ડેપોની સ્થાપના ઇનલેન્ડ કન્ટેનર ડેપો તરીકે કરવામાં આવી છે, જે મે 2011 થી કાર્યરત છે. રાજધાની ઢાકાથી લગભગ 242 કિમી દક્ષિણ-પૂર્વમાં ચટગાંવ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) એસએમ રશીદુલ હકે રવિવારે વહેલી સવારે ચીની મીડિયા આઉટલેટ સિન્હુઆને જણાવ્યું કે ચટ્ટોગ્રામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્રણ લોકોના મોત થયા છે. મોટાભાગના ઇજાગ્રસ્તો હળવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે અન્ય ઘણા લોકોની તબિયત નાજુક છે. આગને કાબૂમાં લેવા માટે રાતોરાત કામ કરતા ફાયર ફાઇટરોએ આશંકા વ્યક્ત કરી છે કે ભયાનક આગમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.  

Most Popular

To Top