Dakshin Gujarat

સરદારની કર્મભૂમિ બારડોલીની બેઠક પર ત્રિકોણીય જંગનાં મંડાણ

સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં વિધાનસભાની ચૂંટણીનો (Assembly Elections in Bardoli) જંગ જામ્યો છે. 169 (SC) ક્રમાંકની આ બેઠક સીમાંકન પહેલાં કોંગ્રેસની (Congress) પરંપરાગત બેઠક રહી છે. સીમાંકન પછી 2012 અને 2017ની ચૂંટણી ભાજપના ઉમેદવાર ઈશ્વર ઉર્ફે અનિલ પરમાર જંગી સરસાઈથી જિત્યા હતા. સુરત જિલ્લાના રાજકારણને (Politics) લગતી રણનીતિ બારડોલીથી જ નક્કી થતી હોય છે. રાજકીય પક્ષોએ પણ જિલ્લાના વડામથક તરીકે બારડોલીને સ્વીકારેલું છે. બારડોલીની આજે રાજ્યના સમૃદ્ધ પ્રદેશોમાં ગણતરી થાય છે. તેનું મુખ્ય કારણ એનઆરઆઈ (NRI) અને વિસ્તારમાં વિકસેલી સહકારી પ્રવૃત્તિ છે. અને વિધાનસભા વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસે પણ સમૃદ્ધિનાં નવાં દ્વાર ખોલ્યાં છે. બારડોલી વિધાનસભામાં બારડોલી નગરપાલિકા ઉપરાંત બારડોલી તાલુકાનાં 58 ગામો, પલસાણા તાલુકાનાં તમામ ગામો અને ચોર્યાસી તાલુકાનાં ચોર્યાસી તાલુકાનાં 19 ગામોનો સમાવેશ થાય છે. આ ત્રણેય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપે ગત ચૂંટણીમાં (Election) ક્લીન સ્વીપ કરી હતી. માંડ તાલુકામાં કોંગ્રેસના એકાદ, બે સભ્ય ચુંટાયા હતા. એ રીતે અહીં ભાજપનું પલડું ભારી છે. ભાજપે અહીં હળપતિ, આદિવાસી અને દલિત સમાજની મજબૂત વોટ બેંકમાં પગપેસારો કર્યો છે. ભાજપે ત્રીજીવાર ઈશ્વરભાઈ પરમારને ટિકિટ આપી છે. તેઓ 2017ની ટર્મમાં વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા.

કોંગ્રેસના પરંપરાગત મતદાર તરીકે ગણના પામતા હળપતિ સમાજનો છેલ્લી બે ટર્મથી ભાજપ તરફનો ઝોક વધ્યો છે. બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારોની સંખ્યા સૌથી વધુ છે. જે લગભગ 60 હજાર જેટલી થાય છે. એના લીધે જ કોંગ્રેસે વર્ષ-2002માં કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અનિલ મોહન પટેલ (કંટાળી)નાં પત્ની પન્નાબેન પટેલ (રાઠોડ)ને ટિકિટ આપી ચૂંટણી જંગ રોચક બનાવ્યો છે. અનિલભાઈ પોતે હળપતિ સમાજના છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ રોહિત સમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજેન્દ્ર સોલંકીને આપમાં લાવી ઉમેદવાર બનાવી ચૂંટણી ત્રિકોણીય બનાવી દીધી છે. સોલંકી કામરેજના મોરથાણા ગ્રામ પંચાયતના સરપંચ અને કામરેજ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પરંપરાગત મતદારોમાં કેવું ગાબડું પાડે છે એના પર સરસાઈ નક્કી થશે. કુલ મતદારોના અંદાજિત 25 ટકા અહીં હળપતિ મતદારો છે. આ ઉપરાંત પાટીદાર, લઘુમતી અને અનુસૂચિત જાતિના મતદારો પણ અસર કરી શકે છે. બારડોલી મતદાન વિસ્તારમાં કુલ 263925 મતદાર નોંધાયેલા છે, જેમાંથી 136978 પુરુષ અને 126943 સ્ત્રી મતદાર તેમજ 4 થર્ડ જેન્ડર મતદારનો સમાવેશ થાય છે.

બારડોલી વિધાનસભાના પ્રશ્નો અને સમસ્યાઓ
–વિધાનસભા વિસ્તારના અમુક છેવાડાનાં ગામોને બાદ કરતાં અહીં લગભગ મોટા ભાગનાં ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. સૌથી મોટો પ્રશ્ન પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારને કારણે વધી રહેલા પ્રદૂષણ અને નાગરિકોની સુરક્ષાનો છે. પલસાણા અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં વધી રહેલા ક્રાઇમ રેટ બારડોલીની સમૃદ્ધિ માટે કાળી ટીલીસમાન છે.

  • દસ્તાન ફાટક પર ઓવરબ્રિજનું અધૂરું કામ
  • સિંચાઇ માટે વીજળીના કલાકોમાં ઘટાડો
  • શેરડીના ભાવો અપેક્ષા કરતાં ઓછા
  • ખેડૂતોની સમસ્યાઓ
    — છેલ્લા થોડા સમયથી ખેડૂતોને સિંચાઇ માટેની વીજળીમાં વારંવાર કાપની પણ સમસ્યા ઊભી થઈ છે. બારડોલી વિધાનસભા બેઠકનો ઇતિહાસ
    બારડોલી વિધાનસભા બેઠક સીમાંકન પહેલાં કોંગ્રેસનો ગઢ હતી. કટોકટી સમયે અહીં સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર પણ જિત્યા હતા. 1990માં આ બેઠક જનતાદળના પ્રવીણ રાઠોડે જીતી હતી. 1998માં ભાજપના રજનીકાંત રજવાડી ચુંટાયા હતા. 2002માં કોંગ્રેસના અનિલ કંટાળી અને 2007માં કુંવરજી હળપતિ ચુંટાયા હતા અને 2012થી ઈશ્વર પરમાર ભાજપના ધારાસભ્ય છે. પાર્ટીએ તેમને ત્રીજીવાર ટિકિટ આપી છે.

સીમાંકન પછી છેલ્લી બે ચૂંટણીનાં પરિણામ
-2012 પરિણામ
ઈશ્વર પરમાર (ભાજપ) – મળેલા મત 81049, હારેલા ઉમેદવાર
(નીતિન રાણા) કોંગ્રેસ – મળેલા મત 58777

  • 2017 પરિણામ
    ઈશ્વર પરમાર (ભાજપ)– મળેલા મત 97774
    તરુણ વાઘેલા (કોંગ્રેસ) – મળેલા મત 59920

બારડોલી વિધાનસભા જાતિગત સમીકરણ
1.10 લાખ હળપતિ, 32,000 લઘુમતી, 17000 અનુસૂચિત જાતિ, 20,000 કણબી પટેલ, 18,000 ઓબીસી, અનુસૂચિત જનજાતિ 14,000, સવર્ણ 11,000, ઉત્તર ભારતીય 23,000

બારડોલી બેઠકની ખાસિયત
બારડોલી વિધાનસભા બેઠકની ખાસિયત એ છે કે, આ સમૃદ્ધ વિસ્તારમાંથી બુલેટ ટ્રેન પણ પસાર થવાની હોય વિકાસની ગતિ ઓર તેજ બનશે. વિધાનસભા વિસ્તારમાં આવેલા અંત્રોલી ખાતે નિર્માણ પામશે. આ ઉપરાંત બારડોલીમાં એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું ખાંડ કારખાનું આવેલું છે. આ વિસ્તારનાં લગભગ દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો USA, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. અહીં મજબૂત સહકારી માળખું છે.

ઈશ્વરભાઈ ઉર્ફે અનિલભાઈ રમણભાઈ પરમાર (ભાજપ)
ધો.12 સુધીનો અભ્યાસ ધરાવનાર ઈશ્વર પટેલ (કોમર્સ) 1995થી 2000 સુધી બાબેન ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા છે. 2010થી 2015 સુધી બારડોલી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રહ્યા હતા. 26-12-2017થી 19-9-2021 સુધી ગુજરાત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી રહ્યા હતા. બારડોલી તાલુકા માહ્યાવંશી પ્રગતિમંડળના પ્રમુખ અને બારડોલી સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર છે.

રાજેન્દ્ર પ્રસાદ સોલંકી (આમ આદમી પાર્ટી)
ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવનાર રાજેન્દ્ર સોલંકી 1991માં ભાજપમાં જોડાયા હતા. 1995માં મોરથાણા ગ્રામ પંચાયતના સરપંચ, 2005માં કામરેજ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા હતા. તો સુરત જિલ્લા ભારતીય જનતા અનુસૂચિત મોરચાના પ્રમુખ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ બારડોલીની સુરત વલસાડ જિલ્લા રોહિત સમાજ કેળવણીમંડળના ટ્રસ્ટી અને માજી પ્રમુખ મોરથાણા ગ્રાહક સહકારી મંડળી લિ.ના ડિરેક્ટર છે.

પન્નાબેન અનિલભાઈ પટેલ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
પન્નાબેન અનિલ પટેલ માહ્યાવંશી સમાજના અગ્રણી છે. તેમણે SSC સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કંટાળી ગામ દૂધમંડળીના અગ્રણી રહેવા સાથે પતિ માજી ધારાસભ્ય અનિલ પટેલ સાથે કોંગ્રેસના વિવિધ સંગઠનમાં સક્રિય રહ્યાં છે. તેઓ માહ્યાવંશી સમાજમાંથી અને પતિ હળપતિ સમાજમાંથી આવે છે. મહિલા સમાજ સેવિકા તરીકે તેમનું મોટું યોગદાન રહ્યું છે. પ્રથમવાર તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

Most Popular

To Top