World

Asian Games 2023નો ચીનમાં દબદબાભેર પ્રારંભ, ભારત સહિત 45 દેશોએ ભાગ લીધો

નવી દિલ્હી: શનિવારે (23 સપ્ટેમ્બર) ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગેમ્સના સત્તાવાર ઉદઘાટનની જાહેરાત કરી હતી. ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને બોક્સર લોવલિના બોર્ગોહેને ધ્વજ ધારકોની ભૂમિકા ભજવી હતી. બંનેએ પરેડમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. ઓપનિંગ સેરેમની પહેલા જ ઘણી સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી.

આ સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાજરી આપી હતી. તેમની હાજરીમાં ચીનનો ઈતિહાસ અને તેની ઉપલબ્ધિઓ બતાવવામાં આવી હતી. અદભૂત લેસર શોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખેલાડીઓની પરેડમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ પ્રથમ આવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ આવી ત્યારે સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું. એશિયન ગેમ્સ 2023 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં શરૂ થઇ ગઇ છે. ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેન આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કર્યું હતું. આ વખતે એશિયન ગેમ્સમાં ભારતના 655 ખેલાડીઓ ભાગ લેવાના છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ વખતે ભારતમાંથી સૌથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ટેબલ ટેનિસમાં ભારતીય પુરૂષ ટીમે શાનદાર શરૂઆત કરી અને તાજિકિસ્તાન સામે સરળતાથી જીત મેળવી. પ્રથમ ગેમમાં માનવે 11-8, 11-5, 11-8ના સ્કોર સાથે મેચ જીતીને ભારતને લીડ અપાવી હતી. આ પછી માનુષ શાહે સુલતાનોવને 13-11, 11-7, 11-5ના માર્જીનથી હરાવ્યો હતો. અંતે, ભારતના હરમીત દેસાઈએ ઈસ્માઈલા જોડા સામે ત્રીજી ગેમ 11-1, 11-3, 11-5ના માર્જીનથી જીતી અને ટીમ ઈન્ડિયાને પ્રથમ રાઉન્ડમાં આસાન વિજય અપાવ્યો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ અંતિમ 16માં જગ્યા બનાવી લીધી છે.

મહિલા ટેબલ ટેનિસ ટીમ પણ નેપાળ સામે 3-0ના માર્જિનથી આસાન જીત નોંધાવવામાં સફળ રહી હતી. દિયા પરાગ ચિતાલે, આહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીએ પોતપોતાની મેચો જીતીને ભારતને વધુ સારી સ્થિતિમાં મૂક્યું. દિયા ચિતાલેએ સિક્કા શ્રેષ્ઠ સામે 11-1, 11-6, 11-8ના માર્જિનથી જીત મેળવી હતી. બીજી મેચમાં અહકિયા મુખર્જીએ નબિતા શ્રેષ્ઠાને 11-3, 11-7, 11-2ના માર્જિનથી પરાજય આપ્યો હતો. ત્રીજી મેચમાં સુતીર્થ મુખર્જીએ ઇવાના થાપરને 11-1, 11-5, 11-2થી હરાવીને ભારતની જીત પર મહોર મારી હતી.

Most Popular

To Top