Sports

એશિયા કપ 2023: ટીમ ઈન્ડિયા પ્રથમવાર પાકિસ્તાનના નામની જર્સી પહેરીને મેચ રમશે

નવી દિલ્હી: ભારતીય ટીમ ઓગસ્ટ મહિનાના અંતમાં એશિયા કપ 2023 (Asia cup 2023) રમશે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનના (Pakistan) નેતૃત્વમાં 30 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી રમાશે. જો કે આ વખતે મહત્વની વાત એ છે કે એશિયા કપના ઇતિહાસમાં પ્રથમવાર એશિયા કપ હાઇબ્રિડ મોડેલના આધારે રમવામાં આવશે. તેમજ એવું પ્રથમવાર થવા જઇ રહ્યું છે કે ટીમ ઇન્ડિયા (Team India) પાકિસ્તાન લખેલી જર્સી (Jersey) પહેરીને મેચ રમશે. તેમજ પાકિસ્તાન લખેલી જર્સી પહેરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ટુર્નામેન્ટનું મુખ્ય યજમાન પાકિસ્તાન હોવા છતાં ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇબ્રિડ મેચ એટલે કે કુલ 13માંથી માત્ર 4 મેચ પાકિસ્તાનમાં અને ફાઇનલ્સ સહિત બાકી 9 મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપમાં છે. આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં શાનદાર મેચ રમાશે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે ભારતીય ટીમ પહેલીવાર એશિયા કપમાં પાકિસ્તાનના નામની જર્સી પહેરીને રમશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં આવા દાવા કરવામાં આવી રહ્યા છે. તેમજ પાકિસ્તાન લખેલી જર્સી પહેરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન લખેલી જર્સી પહેરીને મેચ રમવા પર લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. જર્સી પર પાકિસ્તાન લખવાનું એ કારણ એ પણ હોઇ શકે કે પાકિસ્તાન આ વખતે એશિયા કપનું નેતૃત્વ કરવા જઇ રહ્યું છે. વાસ્તવમાં 2016 સુધી એશિયા કપની જર્સી પર યજમાન દેશનું નામ લખવામાં આવ્યું ન હતું. પરંતુ તે પછી 2018 અને 2022ની સિઝનમાં યજમાન દેશનું નામ લખવામાં આવ્યું હતું. 2018માં UAE એશિયા કપ અને 2022માં શ્રીલંકાનું યજમાન હતું. તેથી 2018માં જર્સી પર યુએઇ જ્યારે 2022માં શ્રીલંકા લખવામાં આવ્યુ હતું.

પરંતુ આ વખતે પાકિસ્તાન એશિયા કપની યજમાની કરી રહ્યું છે. આ સ્થિતિમાં એશિયા કપના લોગોની સાથે જર્સી પર પાકિસ્તાન પણ લખવામાં આવશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. ગ્રુપ સ્ટેજ સિવાય સુપર-4 સ્ટેજમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળી શકે છે. જો બંને ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થાય છે તો બંને વચ્ચે બીજી મેચ જોવા મળી શકે છે. સુપર-4 સિવાય ફાઇનલમાં પણ બંને વચ્ચે ટક્કર થઈ શકે છે. આ રીતે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન માત્ર એક જ નહીં પરંતુ ત્રણ વખત આમને-સામને આવી શકે છે.

Most Popular

To Top