Top News

વધુ એક ભારતીયનું યુક્રેનમાં મોત: પુત્ર માટે ગયેલા પિતા પણ યુદ્ધમાં ફસાયા

યુક્રેન: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વધુ એક ભારતીયના મોતના સમાચાર સામે આવ્યા છે. પંજાબના ચંદન જિંદાલ નામના 22 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે મૃત્યુ થયું હતું. જોકે, ચંદનનું મૃત્યુ હુમલામાં નહીં પરંતુ બીમારીના કારણે થયું હતું. ચંદનને બ્રેઈન સ્ટ્રોક આવતા યુક્રેનની વિનિત્સા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલનાં આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બુધવારે ચંદનનું મોત નીપજ્યું હતું.

બરનાલાના પ્રખ્યાત પરોપકારી શિશન કુમાર જિંદાલનો પુત્ર ચંદન જિંદાલ 2018 થી યુક્રેનિયન શહેર વેનેશિયામાં નેશનલ પિરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કરી રહ્યો હતો. 2 ફેબ્રુઆરીની રાત્રે અચાનક તેમને એટેક આવ્યો અને તેઓ કોમામાં ચાલ્યા ગયા. 4 ફેબ્રુઆરીએ ડોક્ટરોએ તેમના પર ઈમરજન્સી ઓપરેશન કર્યું હતું. ચંદન જિંદાલ મેમોરિયલ મેડિકલ કૉલેજની વિનિટ્સિયા નેશનલ પાયરોગોવમાં અભ્યાસ કરતો હતો. આ સમાચાર બરનાલા પહોંચતા જ શહેરનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. 7 ફેબ્રુઆરીના રોજ તેમના પિતા શિશન કુમાર જિંદાલ અને કાકા કૃષ્ણ કુમાર જિંદાલ તેમના એકમાત્ર પુત્રની સંભાળ લેવા યુક્રેન ગયા હતા કે ત્યાં અચાનક યુદ્ધ શરૂ થયું. કાકા કૃષ્ણ કુમાર જિંદાલ 1 માર્ચની રાત્રે બરનાલા પરત ફર્યા હતા. જો કે, પિતા શીશન કુમાર જિંદાલ હજુ પણ પુત્રની સારવાર માટે ફસાયેલા હતા.

માતા-બહેન આઘાતમાં
ચંદન જિંદાલની માતા કિરણ જિંદાલ અને બહેન રશિમા જિંદાલને દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ આઘાતમાં સરી પડ્યા છે. હાલમાં તેઓની હાલત ખરાબ હતી. ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થવાને કારણે પંજાબના હજારો યુવાનો યુક્રેનમાં ફસાયેલા છે. ચંદનના મોત બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગતરોજ કર્ણાટકનાં વિદ્યાર્થીનું ગોળીબારમાં થયું હતું મોત
યુક્રેનમાં આ સતત બીજી ભારતીય મૃત્યુ છે. આ પહેલા મંગળવારે ખાર્કિવમાં ગોળીબાર દરમિયાન કર્ણાટકના રહેવાસી નવીનનું મોત થયું હતું. નવીનના સાથીઓએ જણાવ્યું કે તે કેટલીક વસ્તુઓ લેવા માટે સુપરમાર્કેટ ગયો હતો. આ દરમિયાન થયેલા હુમલામાં તેનું મોત થયું હતું. યુક્રેનની ફ્લાઇટ પર પ્રતિબંધને કારણે, ભારત સરકાર હવે પડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીયોને લાવવાનો પ્રયાસ કરી રહી છે. એ જ રીતે પડોશી દેશો રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અથવા સ્લોવાકિયા મારફતે પણ મૃતદેહો લાવી શકાય છે. આ જ કારણ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગી શકે છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 10,000 થી વધુ ભારતીયો યુક્રેનથી વતન આવ્યા છે. જો કે હજુ પણ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ યુક્રેનમાં જ ફસાયેલા છે. ખાર્કિવ, કિવ સહિત યુક્રેનના ઘણા શહેરોમાં વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે યુક્રેન ગયા છે.

Most Popular

To Top