Surat Main

રોમાનિયા બોર્ડર ઉપર કડકડતી ઠંડીમાં સુરતના વિદ્યાર્થીઓએ 14 કિ.મી પગપાળા ચાલવું પડ્યું!

સુરત: (Surat) મુંબઇથી સુરત આવેલા તિર્થ રજનીભાઇ પીપલીયાએ યુક્રેનની (Ukrain) સ્થિતિ અંગે વાત કરી હતી કે, કિવ અને ખારકિવ શહેરમાં રશિયન આર્મીએ તબાહી મચાવી છે. સતત ત્રણ દિવસથી ભયના માહોલ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ (Student) વેનેસિયામાં ફસાયા હતા. જે મુંબઈ આવી ગયા છે. વેનેસિયામાં પણ રશિયન આર્મી પ્રવેશ કરી રહી હોવાના મેસેજ મળી રહ્યા છે. ત્યાં પણ હવે સ્થિતિ વિકટ બનતી જઇ રહી છે. વેનેસિયા યુનિ.થી બસમાં નિકળ્યા બાદ તિર્થ પીપલીયા તથા લસકાણા ખોલવડ ખાતે રહેતી રિદ્ધી પ્રવિણભાઇ ખોખરીયા રોમાનિયા-યુક્રેન બોર્ડર પહોંચ્યા હતા. બોર્ડ ઉપર યુક્રેનના સૈનિકો હવામાં ગોળીબાર કરી રહ્યા હતા. ગોળીઓના અવાજથી તેઓ ભયભીત થઇ ગયા હતા. માઇનસ 4થી 5 ડીગ્રી તાપમાનમાં રોમાનિયા બોર્ડરથી એરપોર્ટ (Airport) ઉપર પહોંચવા માટે 14 કિ.મી પગપાળા ચાલવું પડ્યું હતું.

યુક્રેનથી સુરત આવી પહોચેલા બે છાત્રોએ પોતાની આપવીતિ જણાવી હતી. પરંતુ હજી પણ 177 વાલીઓ પોતાના બાળકોની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. યુક્રેન અને રશીયાનાં વિનાશકારી યુધ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા સુરતનાં વધુ બે વિદ્યાર્થીઓ હેમખેમ સુરત પહોંચ્યા હતા. ઓપરેશન ગંગા સઘન બનાવી સરકારે સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા તિર્થ રજનીભાઇ પીપળીયા અને વરાછા વિસ્તારમાં રહેતી રિદ્ધી પ્રવિણભાઇ ખોખારીયા રોમાનીયાથી ફલાઇટમાં મુંબઇ અને ત્યાંથી બાયરોડ સુરત પહોંચ્યા હતા. સુરતમાં સર્કીટ હાઉસ ખાતે બંને વિદ્યાર્થીઓ અને તેમના પરવિારજનો વચ્ચે મિલાપ કરાવવામાં આવ્યો હતો. યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા હોય અને ત્યાં ફસાઇ ગયેલા કુલ 185 વિદ્યાર્થીઓની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે પૈકી અત્યાર સુધીમાં કુલ 8 વિદ્યાર્થીઓ સુરત પરત ફર્યા છે.

લસકાણા વિસ્તારમાં રહેતા તિર્થ રજનીભાઇ પીપળીયા અને વરાછા વિસ્તારમાં રહેતી રિદ્ધી પ્રવિણભાઇ ખોખારીયા યુક્રેનનાં વિનીસીયા શહેરમાં એમબીબીએસનાં અભ્યાસ માટે ગયા હતા. તિર્થ પ્રથમ વર્ષનાં બીજા સેમેસ્ટરમાં જયારે રિદ્ધી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ બંને સુરતી વિદ્યાર્થીઓ બે દિવસ પહેલા જ રોમાનીયા બોર્ડર ઉપર પહોંચી ગયા હતા, અને ઓપરેશન ગંગા અંતર્ગત તેઓ ફલાઇટમાં મુંબઇ પહોંચ્યા હતા, અને ત્યાંથી તેઓ બાયરોડ સુરત પહોંચ્યા હતા.

કલેકટરે ડેપ્યુટી કલેકટર અને મામલતદારોને વિદ્યાર્થીના ઘરે દોડાવી ધરપત આપી
સુરત સીટી પ્રાંત કચેરીના નાયબ કલેકટર મીયાણી તેમજ શિરેસ્તાદાર આનંદભાઇ સહિત મામલતદારનો કાફલો આજે સુરત આવેલા બે છાત્રોના પરિજનોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર આયુષ ઓકએ વાલીઓને સંદેશો મોકલ્યો હતો કે તમારા સંતાનો હેમખેમ સુરત આવી રહ્યા છે. હજી પણ જે બાળકો ત્યાં ફસાયા છે. તેમને લાવવાની સરકારની જવાબદારી છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી.

કિવ અને ખારકીવ સહિતના શહેરો કે જ્યાં ગંભીર સ્થિતિ છે ત્યાં હજી પણ 160થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા છે
રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલા બાદ યુક્રેનના મુખ્ય શહેરો ઉપર રશિયન આર્મી કબ્જો જમાવી રહી છે આ ગંભીર સ્થિતિ વચ્ચે કિવ અને ખારકિવ સહિતની સિટીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી 160થી વધુ સુરતના વિદ્યાર્થીઓ હજી પણ ફસાયેલા છે. સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે, કિવ સિટીની યુનિવર્સિટીઓમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કોઇ મદદ મળી નથી રહી.

Most Popular

To Top