Dakshin Gujarat

વંદે ભારત એક્સપ્રેસને નડ્યો વધુ એક અકસ્માત, વાપી નજીક પશુ સાથે થઈ ટક્કર

મુંબઈ: દેશની સેમી-હાઈ સ્પીડ (Semi High Speed) ટ્રેન (Train) વંદે ભારત એક્સપ્રેસને (Vande Bharat Express) ફરી એકવાર અકસ્માત (Accident) નડ્યો હતો. ગુરુવારે સાંજે ગાંધીનગરથી મુંબઈ તરફ જતી વંદે ભારત એક્સપ્રેસને વાપી (Vapi) નજીક સંજાણમાં અકસ્માત નડ્યો હતો. સંજાણ નજીક વંદે ભારત ટ્રેનની અડફેટે પશુ આવી ચઢતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત સર્જાતા થોડો સમય ટ્રેનને રોકી રાખવી પડી હતી. ત્યાર બાદ સામાન્ય રીપેરીંગ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં ટ્રેનના આગળનો ભાગ થોડો તૂટી ગયો હતો. જણાવી દઈએ કે આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસની સેવા 2 મહિના પહેલા શરૂ થઈ હતી અને ત્યારથી આ ચોથી ઘટના છે.

આ અકસ્માત ઉદવાડા અને વાપી વચ્ચે થયો હતો
આ ઘટના અંગે માહિતી આપતા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 6.23 વાગ્યે ઉદવાડા અને વાપી વચ્ચેના લેવલ ક્રોસિંગ ગેટ નંબર 87 પાસે બની હતી. ટ્રેનના આગળના ભાગમાં નાના સ્ક્રેચ પડ્યા હતા જો કે કોઈ મોટું નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે સ્ક્રેચ તાત્કાલિકપણે સુધારી લેવામાં આવશે. ઘટનાને કારણે ટૂંકા સ્ટોપેજ પછી, ટ્રેન તેની આગળની મુસાફરી સાંજે 6.35 વાગ્યે શરૂ કરી હતી. જણાવી દઈએ કે આ પહેલા પણ આ રૂટ પર પશુઓની ટ્રેન સાથે અથડામણ થઈ ચૂકી છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.

આણંદમાં પણ એક મહિલાનું મોત થયું હતું
વટવા અને મણિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે 6 ઓક્ટોબરે 4 ભેંસોના ટોળા સાથે અથડાયા બાદ તેના આગળના ભાગને નુકસાન થયું હતું. તેના બીજા જ દિવસે 7 ઓક્ટોબરે આણંદ પાસે એક ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. અન્ય એક ઘટનામાં ગુજરાતના અતુલ રેલ્વે સ્ટેશન પાસે એક આખલો ટ્રેન સાથે અથડાયો હતો. 8 નવેમ્બરના રોજ, ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં 54 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મહિલાની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે અને તે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.

Most Popular

To Top