Entertainment

નાગાલેન્ડની એન્ડ્રિઆની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી

હિન્દી ફિલ્મો ખૂબ બદલાઇ રહી છે એમ કહેવા કરતાં તેનો પ્રેક્ષક ઘણો બદલાયો છે એ કહેવું વધારે સાચુ છે. તે હવે સાઉથની ફિલ્મોને જ સફળ નથી બનાવતો, હોલીવુડની ફિલ્મોને પણ કરોડો કમાવી આપે છે. આ બધા કારણે જ હવે વિદેશમાં જન્મેલી અનેક અભિનેત્રીઓને પણ હિન્દી ફિલ્મોમાં તક મળે છે. હા, વિદેશી લુક ધરાવતા હીરોને હજુ ચાન્સ નથી મળતા નહીંતર ચીન, શ્રીલંકા, અમેરિકા, યુરોપના દેશોના અભિનેતા હિન્દી ફિલ્મોમાં જામ્યા હોત. જે ચાન્સ મળે છે તે વિદેશી લુક ધરાવતી અભિનેત્રીને.

આયુષ્યમાન ખુરાના અભિનીત ‘અનેક’ ફિલ્મ આવી રહી છે અને તેમાં નાગાલેન્ડમાં જન્મેલી એન્ડ્રીઆ કેવીચ્યુસા મોટી ભૂમિકા કરી રહી છે. પ્રોફેશનલ મોડલ તરીકે કામ કરી ચુકેલી એન્ડ્રીઆ ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફોલોઅર્સ ધરાવે છે. ‘અનેક’ તેની પહેલી હિન્દી ફિલ્મ છે. ફિલ્મમાં તે બોકિસંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી દેખાડવામાં આવી છે પણ પછી આખો મામલો જૂદો બની જાય છે. આ ફિલ્મ ઉત્તરપૂર્વના બેકગ્રાઉન્ડમાં બની છે એટલે એન્ડ્રીઆની ભૂમિકા જરૂરી હતી. ‘અનેક’ એક  એકશનથી ભરપૂર ફિલ્મ છે અને એન્ડ્રીઆને આ ફિલ્મની ભારે પ્રતિક્ષા છે. તે જાણે છે કે હિન્દી ફિલ્મોમાં વિદેશી ચહેરા જરૂર હોય છે પણ નાગાલેન્ડની એકટ્રેસને ચાન્સ મળે એવું બન્યું નથી. ફિલ્મમાં તેના પતિ અલગતાવાદી સંગઠનમાં છે પણ તેનું પાત્ર ભારત તરફથી બોકિસંગમાં ભાગ લેવા માંગે છે એટલે સંઘર્ષ ઊભો થાય છે. નાગાલેન્ડના કોહિમામાં જન્મેલી એન્ડ્રીઆ અત્યારે વધુ કશુ કહેવા માંગતી નથી પણ મલયાલમ ફિલ્મોમાં તે એવોર્ડસ પણ મેળવી ચૂકી છે. હવે ‘અનેક’ તેને કયાં લઇ જાય તેની રાહ જોઇ રહી છે. •

Most Popular

To Top