Madhya Gujarat

આણંદની 108ની ટીમે નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

આણંદ : તારાપુર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અમીબેન જયેશભાઈએ પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ બાદ નવજાત બાળકની તપાસ કરવામાં આવતા મળ ત્યાગ કરવાનો માર્ગ ન હોવાનું જણાઇ આવ્યું હતું. જેના કારણે આ નવજાત બાળકની તાત્કાલિક ધોરણે સર્જરી કરવી જરૂરી હતી. આની સારવાર આણંદમાં શકય ન હોવાથી તેના માતા-પિતા પર આભ તૂટી પડયું હતું. આ દરમિયાન તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની ટીમ ડો.યાદવ અને આરબીએસકે ટીમ, તારાપુરના ડો.વૈશાલી રાઠોડએ તેઓને હિંમત આપીને બીજા દિવસે 108 ને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી શિશુને અમદાવાદના અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી.

108 એમ્યુલન્સના ઇએમટી રોહિતભાઇ સોલંકી અને પાયલોટ અરવિંદસિંહ રાઠોડ તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નવજાત શિશુની તપાસ કરી કઠવાડા ખાતેના ફિઝીશ્યન સાથે દર્દી વિશે વાત કરી અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની પરવાનગી લઇ લીધી અને નવજાત બાળકને શીફટ કરવામાં આવ્યું હતું. આમ, તારાપુરના તબીબોની સમયસુચકતા અને 108 ટીમની ઝડપી સારવારએ નવજાત શિશુને બચાવવા જવાબદારીઓ અદા કરી હતી.

Most Popular

To Top