Editorial

અમેરિકાનો નવો ગન- કન્ટ્રોલ કાયદો બંદૂક હિંસાનો અંત લાવી શકશે?

વિશ્વનો સૌથી શક્તિશાળી મનાતો દેશ અમેરિકા એક એવી વિચિત્ર સમસ્યાથી પીડાય છે, જે સમસ્યાથી વિશ્વનો બીજો કોઇ દેશ પીડાતો નથી. થોડા થોડા સમયે અમેરિકામાં જાહેરમાં બંદૂક જેવા શસ્ત્રથી ગોળીબારનો બનાવ બની જાય છે  અને તેમાં વધતી – ઓછી સંખ્યામાં લોકોના, મોટે ભાગે તો નિર્દોષ લોકોના ઢીમ ઢળી જાય છે. હજી તો 2022નું વર્ષ અડધું પણ થયું નથી ત્યાં તો અમેરિકામાં સામૂહિક કે આડેધડ ગોળીબારના નાના – મોટા 250થી વધુ બનાવો બની  ગયા છે. જેમાં 275થી વધુ લોકો માર્યા ગયા છે અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

આમાં સૌથી હચમચાવનારો બનાવ 24મી મેના રોજ બનેલ ટેકસાસના ઉવાલ્ડે ખાતેની એ શાળાનો હતો, જ્યાં 18 વર્ષના એક યુવાને બંદૂક સાથે ઘૂસી જઇને 21ને મારી નાખ્યા. જેમાં 19 તો બાળકો હતા. છેવટે આ હુમલાખોરને પણ ઠાર મારવામાં આવ્યો. આટલા બધા નિર્દોષ બાળકો માર્યા ગયા, તેથી ફક્ત અમેરિકામાં જ નહીં, આખી દુનિયામાં હાયકારો મચી ગયો. આવા  હત્યાકાંડો થવા પાછળનું કારણ સ્પષ્ટ છે. અમેરિકામાં શસ્ત્રોના કાયદા ઘણા ઉદાર છે. ત્યાં કોઇ પણ વ્યક્તિ સ્વરક્ષણના નામે પિસ્તોલ, હેન્ડગન, રાઇફલ જેવા હથિયારો ખરીદી શકે છે. અરે! એસોલ્ટ રાઇફલ જેવા વધુ ઘાતક શસ્ત્રો પણ સહેલાઇથી મળી જાય છે.

ઘરથી કે સમાજથી દુભાયેલા કોઇક જણ કે પછી માનસિક તકલીફો ધરાવતી વ્યક્તિ પાસે ઘાતક શસ્ત્ર સહેલાઇથી આવી જાય પછી તેના અતિ ઘાતક પરિણામો કેવી રીતે આવી શકે છે, જે આખી દુનિયાએ જોઇ લીધું છે. આ ગન – કલ્ચરનો અંત લાવવા માટે કડક કાયદા લાવવાની ચર્ચા અમેરિકામાં ઘણા સમયથી થાય છે. ઘણા લોકો ઇચ્છે છે કે કડક ગન કાયદા આવે, પરંતુ ત્યાં બંદૂક જેવા શસ્ત્રોના લાયસન્સ માટેના કડક કાયદા આવી શકતા નથી. કારણ કે અતિ શક્તિશાળી શસ્ત્ર ઉત્પાદક લોબી આવું થવા દેતી નથી. આ હજી ઓછું હોય તેમ તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે બંદૂકો પર નિયંત્રણોને દેખીતી રીતે નકામા ગણાવતા કહ્યું કે અમેરિકનોને સ્વરક્ષણ માટે શસ્ત્રો રાખવાનો અધિકાર છે. હવે છેક હમણાં અમેરિકી સંસદમાં મર્યાદિત નિયંત્રણો સાથેનો એક ગન કન્ટ્રોલ કાયદો અમલી બન્યો છે.

બંદૂક જેવા શસ્ત્રો રાખવા માટેના અધિકારો વધુ વિસ્તૃત બનાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમેરિકનોને સ્વરક્ષણ માટે જાહેરમાં શસ્ત્રો સાથે લઇ જવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એના પછી આવ્યો છે કે જ્યારે  તાજેતરમાં સામુહિક ગોળીબારના અનેક બનાવો બન્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે એક નિવેદનમાં અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું છે કે તેઓ આ ચુકાદાથી ઘણા નિરાશ થયા છે. જે આદેશ અંગે તેમણે કહ્યું હતું કે તે સામાન્ય બુદ્ધિ અને બંધારણ બંનેથી વિપરીત જાય છે અને તે આપણા માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. તેમણે રાજ્યોને વિનંતી કરી છે કે તેઓ નવા કાયદાઓ પસાર કરે.

‘હું દેશભરના અમેરિકનોને હાકલ કરું છું કે બંદૂક સુરક્ષા અંગે તેઓ સંભળાય તે રીતે પોતાનો અવાજ ઉપાડે. લોકોના જીવન જોખમમાં છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ન્યૂયોર્કનો તે કાયદો રદ કર્યો છે કે જેમાં લોકોએ જાહેરમાં બંદૂક લઇ જવા માટેનું લાયસન્સ મેળવવા તે માટેની ચોક્કસ જરૂરિયાત બતાવવી પડતી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે બંધારણ સ્વરક્ષણ માટે ઘરની બહાર શસ્ત્ર લઇ જવા માટે તમામ વ્યક્તિઓને અધિકાર આપે છે. આવો અધિકાર આપનારાઓને પોલીસતંત્રની જવાબદારી વિશે ખ્યાલ નહીં હશે? અને આવા અધિકારનો દુરુપયોગ થઇ શકે છે તેનો પણ ખ્યાલ નહીં હશે? કદાચ બાઇડનના આગ્રહથી જ અમેરિકી સંસદે ગન – કન્ટ્રોલનો નવો કાયદો પસાર કર્યો છે. જો કે તે પણ બહુ કડક નથી તેમ પ્રથમ દષ્ટિએ જ જણાઇ આવે છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શસ્ત્ર ઉત્પાદક લોબીના ચુસ્ત ટેકેદાર હતા અને લોકોને બંદૂકો પર નિયંત્રણોના વિરોધમાં હાસ્યાસ્પદ દલીલો પણ કરતા હતા. હાલના ડેમોક્રેટ પ્રમુખ જો બાઇડન ગન કલ્ચરના સખત વિરોધી છે. મે મહિનામાં ટેકસાસની શાળામાં જે કરૂણ હત્યાકાંડ બની ગયો તેના પછી તેમણે ખાસ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રને કરેલા એક લાગણીસભર સંબોધનમાં અમેરિકી સંસદને બંદૂકોથી થતી હિંસા અંગે કડક પગલા લેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે શાળાઓ, સુપર માર્કેટો અને અન્ય રોજબરોજના સ્થળો હત્યાકાંડના ક્ષેત્રો બની ગયા છે. વ્હાઇટ હાઉસ ખાતેથી બોલતા બાઇડને એ કબૂલ્યું હતું કે કડક બંદૂક મર્યાદા કાયદો પસાર કરાવવા માટે સંસદ પર દબાણ લાવવામાં પોતે સખત રાજકીય પવનોનો સામનો કરી રહ્યા છે. અમેરિકાની વિશિષ્ટ પ્રકારની લોકશાહી શાસનવ્યવસ્થાની આ એક વિચિત્રતા છે. ત્યાં દેશનો સર્વોચ્ચ શાસક એવો પ્રમુખ પણ કાયદાઓ પસાર કરાવવાની બાબતમાં લાચાર બની જાય છે.

જો કે હાલ સંસદમાં ગન કન્ટ્રોલનો એક કાયદો પસાર થયો છે, જેને થોડાક રિપબ્લિકન સાંસદોએ પણ ટેકો આપ્યો છે. જો કે નિષ્ણાતો કહે છે કે આ કાયદાની અસરો મર્યાદિત રહેશે. અમેરિકામાં બંદૂકો પર નિયંત્રણો મૂકતા નક્કર કાયદાઓ બનતા નથી. સ્વરક્ષણના નામે લોકોને શસ્ત્રો રાખવાની છૂટ અપાય છે અને આ છૂટથી લાભને બદલે નુકસાન જ વધુ થાય છે. વળી, સ્વરક્ષણના નામે શસ્ત્રો આટલી બધી છૂટથી શા માટે અપાવા જોઇએ? લોકોના રક્ષણ માટે પોલીસ નથી? લોકોએ પોતે શા માટે શસ્ત્રો રાખવા પડે? આવી બાબતો ત્યાંના મોટા ભાગના રાજકારણીઓએ સમજવી નથી એમ લાગે છે. હવે આ નવો ગન કન્ટ્રોલ કાયદો કેવી અસર કરે છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top