Columns

અમેરિકાના ગન કલ્ચર માટે તૂટી રહેલી કુટુંબ સંસ્થા જવાબદાર છે

અમેરિકાના 18 વર્ષના યુવાને સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરીને 21 નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરી નાંખી છે તે અમેરિકાના વર્તમાન સમાજની દુર્દશા સૂચવે છે. ઇરાક કે અફ્ઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓ ગોળીબાર કરીને નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાંખે એ સમજી શકાય તેવી વાત છે, પણ આધુનિક ગણાતા અમેરિકાના સભ્યસમાજના લોકો આટલા હિંસક બની જાય તે સમજવા માટે અમેરિકી સમાજમાં ડોકિયું કરવું પડશે. સમૃદ્ધિની છોળોમાં આળોટતી અમેરિકી પ્રજા માનવીય મૂલ્યો અને કૌટુંબિક જીવનની હૂંફથી વિમુખ થતી જાય છે. સ્વાર્થ અને અહંકારને કારણે તેઓ એકાકી જીવન જીવવા લાગ્યાં છે. એરિક ફ્રોમ નામના લેખકે ‘ધ સેન સોસાયટી’ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે ભૌતિકવાદના અતિરેકને કારણે આજે મોટા ભાગનાં અમેરિકનો માનસિક રોગોનો ભોગ બન્યાં છે. મનોરોગીઓને સહેલાઇથી બંદૂકનું લાઇસન્સ મળી જાય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.

સાલ્વાડોર રોલાન્ડો નામનો યુવાન પણ માનસિક બીમારીથી પીડાતો હતો. તે બોલવામાં થોથવાતો હોવાથી સ્કૂલના વિદ્યાર્થીઓ તેને પજવતા હતા. આ પજવણીને કારણે તે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરી શક્યો નહોતો. તેને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નફરત પેદા થઈ ગઈ હતી. તે પોતાની ઘરેલુ જિંદગીમાં પણ સુખી નહોતો. નજીકના ભૂતકાળમાં તેની સાથે હિંસક ઘટનાઓ બની હતી. અમેરિકામાં ચાલુ વર્ષે સામુહિક સંહારની આઠ ઘટનાઓ બની ચૂકી છે. હજુ 10 દિવસ પહેલાં જ ન્યુયોર્કના સુપર માર્કેટમાં 18 વર્ષના યુવાને આડેધડ ગોળીબાર કરીને 10 લાશો ઢાળી દીધી હતી. 2012 ના ડિસેમ્બરમાં કનેક્ટિકટની સ્કૂલમાં 19 વર્ષના યુવાને ગોળીબાર કરીને 20 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકોની હત્યા કરી હતી. તે પહેલાં તેણે પોતાની સગી મા ની પણ હત્યા કરી હતી. 2007 ના એપ્રિલમાં વર્જિનિયાની સ્કૂલમાં 23 વર્ષના વિદ્યાર્થીએ બંદૂક વડે 32 હત્યા કરી હતી અને બીજા બે ડઝન લોકોને ઘાયલ કર્યાં હતાં. ત્યાર બાદ તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.

અમેરિકામાં કુટુંબ સંસ્થા તૂટી રહી છે. કુંવારી માતા અને છૂટાછેડાની વધી રહેલી ઘટનાઓને કારણે સિંગલ પેરેન્ટની સંખ્યા ભયજનક હદે વધી રહી છે. કુંવારી માતા નોકરી કરવા જાય ત્યારે બાળકને બેબી સિટીંગમાં મૂકતી જાય છે. અહીં બાળકનું અનેક પ્રકારે શોષણ થાય છે, જેની નિશાનીઓ તેના કુમળા મગજ ઉપર રહી જાય છે. અમેરિકનો હવે કામ સિવાય પોતાનાં પડોશીઓ સાથે પણ વાત કરતાં નથી. રજાઓમાં પણ તેઓ ઘરમાં ભરાઇ રહે છે. આર્થિક મંદીની અસર તેમની જોબ સિક્યોરિટી ઉપર પડી છે. નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવશે તેવા ભય હેઠળ તેઓ જીવતાં હોય છે. તેમણે ઘર, મોટરકાર, ટી.વી., ફ્રીઝ વગેરે બધું હપ્તા ઉપર ખરીદ્યું હોય છે.

જો નોકરી છૂટી જાય તો તેમણે ફૂટપાથ ઉપર આવી જવું પડે તેવી હાલત હોય છે. વાંદરાને દારૂ આપવામાં આવે તેમ મનોરોગીઓને પણ આસાનીથી બંદૂકનાં લાઇસન્સ મળી જાય છે, જેનું પરિણામ ઘાતક આવે છે. સ્વરક્ષણ માટે મેળવવામાં આવેલા લાઇસન્સનો ઉપયોગ તેઓ હત્યા કરવા માટે કરે છે. અમેરિકામાં બંદૂકની ગોળીથી વગર યુદ્ધે મરનારાં નાગરિકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. ઇ.સ.2020 ની સાલમાં અમેરિકાનાં 19,350 નાગરિકોનાં મોત ખાનગી ગોળીબારમાં થયાં હતાં. તેની સરખામણીએ બ્રિટનમાં કોઇને સહેલાઇથી બંદૂકનું લાઇસન્સ ન મળતું હોવાથી ઇ.સ.2021 માં બ્રિટનનાં માત્ર 58 નાગરિકો જ ખાનગી ગોળીબારમાં માર્યાં ગયાં હતાં. બ્રિટનની વસતિ જો અમેરિકા જેટલી હોત તો પણ તેનાં 290 નાગરિકો જ અંધાધૂંધ કરવામાં આવતા ગોળીબારમાં માર્યાં ગયાં હોત.

અમેરિકામાં દર લાખ માણસની વસતિ દીઠ 2.98 નાગરિકોનાં મોત બંદૂકની ગોળીથી પ્રતિવર્ષ થાય છે. અમેરિકાના કેન્ટુકી અને વર્જિનીયા નામનાં રાજ્યોમાં બંદૂક અને તેનું લાઇસન્સ બહુ સહેલાઇથી મળી જાય છે. નાગરિકો આ રાજ્યોમાંથી બંદૂક ખરીદીને તેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં કરે છે. આ રાજ્યોમાં વેચાયેલી 21, 000 બંદૂકોનો ઉપયોગ અન્ય રાજ્યોમાં હત્યા માટે કરવામાં આવે છે. તાજેતરમાં અમેરિકાના મિયામીમાં એક ચાર વર્ષની છોકરી કારમાં બેઠી હતી ત્યારે તેની ઉપર કારમાં બેઠેલા અન્ય બાળકે ગોળીબાર કરીને તેની હત્યા કરી નાંખી હતી. કારમાં બેઠેલાં બંને બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરનાં હતાં. આજનાં બાળકો પ્લે સ્ટેશનમાં જે રમતો રમે છે તેમાં પણ આડેધડ ગોળીઓ છોડીને માનવહત્યા કરવાની પ્રેરણા કરવામાં આવે છે. બાળક જેટલી વધુ હત્યાઓ કરે એટલા વધુ પોઇન્ટ તેને મળે છે. આ રમતો રમીને બાળકો એવું માનવા લાગે છે કે હત્યા કરવામાં બહાદુરી છે. તેમને સજાનો ડર પણ હોતો નથી.

અમેરિકાનાં અમુક રાજ્યોમાં તો બંદૂકનું લાઇસન્સ મેળવવા માટે કોઇ લઘુતમ ઉંમર મર્યાદા પણ નક્કી કરવામાં નથી આવી. ઇલિનોઇસ નામના રાજ્યમાં રહેતા એક પિતાએ પોતાના 10 મહિનાના બાળક માટે ઇન્ટરનેટ ઉપર ફોર્મ ભરીને બંદૂકનું લાઇસન્સ માગ્યું. તેનું ફોર્મ બે વખત ટેકનિકલ કારણે રિજેક્ટ થયું. ત્રીજી વખત તેને લાઇસન્સ મળી ગયું. આ માટે તેણે પાંચ ડોલરની ફી ચૂકવી હતી. શિકાગો ટાઇમ્સમાં 10 મહિનાના બાળકનો બંદૂક સાથે ફોટો છપાયો ત્યારે બહુ ઉહાપોહ થયો હતો. પોલીસે કહ્યું હતું કે આ બાળકે કોઇ કાયદાનો ભંગ કર્યો નથી. જે દેશમાં આટલી સહેલાઇથી બંદૂકો મળતી હોય ત્યાં આ પ્રકારની કત્લેઆમ ન થાય તો જ નવાઇ લાગે.

અમેરિકાનો ચેપ હવે ભારતમાં પણ આવી રહ્યો છે. મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોમાં કેટલાક વગદાર રાજકારણીઓ, બિલ્ડરો અને ઝવેરીઓ બંદૂકનાં લાઇસન્સ મેળવી લે છે અને પોતાની રિવોલ્વર બાળકોને રમવા આપે છે. આ રિવોલ્વર લઇને બાળકો સ્કૂલે પણ પહોંચી જાય છે. ઇ.સ.2007 માં દિલ્હીની એક સ્કૂલમાં પણ આ પ્રકારનું શૂટ આઉટ થયું હતું. આ શૂટ આઉટમાં અભિષેક ત્યાગી નામના 14 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું. ભારતની પ્રજાએ સમજી લેવું જોઇએ કે અમેરિકાની સંસ્કૃતિની બધી બાબતોની આપણા દેશમાં નકલ કરવા જેવી નથી હોતી.

અમેરિકાનાં નાગરિકોને જે સહેલાઇથી બંદૂકનું લાઇસન્સ મળી જાય છે તેને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. બહુ નજીકના ભૂતકાળમાં વર્જિનિયા, ફોર્ટ હૂડ, ચાર્લ્સટન, ઓરોરા, ન્યુ ટાઉન, સાન બર્નાર્ડિનો, ઓક ક્રિક અને ચટ્ટાનૂગામાં આ પ્રકારના શૂટ આઉટની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓ પછી અમેરિકામાં ગન કલ્ચર પર અંકુશ મૂકવા બાબતમાં ઘણી ચર્ચાઓ થઇ પણ કોઇ નક્કર નિર્ણય થઇ શકતો નથી. તેનું કારણ એ છે કે અમેરિકામાં ગન કલ્ચરનો વિરોધ કરનારા કરતાં તરફેણ કરનારાં બહુમતીમાં છે.

અમેરિકામાં બંદૂક બનાવનારા ઉપરાંત બંદૂક વાપરનારાં નાગરિકોની બહુ મોટી લોબી છે. તેમણે નેશનલ રાઇફલ એસોસિયેશન નામના સંગઠનની પણ સ્થાપના કરી છે. ગન બાબતના કાયદામાં કોઇ પણ ફેરફાર કરવાનો પ્રયાસ થાય ત્યારે તેઓ તેનો વિરોધ કરે છે. તેમની દલીલ એવી છે કે દરેક નાગરિકે પોતાનું આત્મરક્ષણ કરવા બંદૂક રાખવી જ જોઈએ.અમેરિકાની સરકાર ગન કલ્ચરનો વિરોધ કરે તેને તેઓ પોતાની સ્વતંત્રતા ઉપરનું આક્રમણ ગણે છે. જગતમાં વધી ગયેલા આતંકવાદનો મુકાબલો કરવા માટે અને પોલીસ તંત્રના અત્યાચારોથી બચવા માટે પણ અમેરિકનોએ બંદૂક રાખવી જરૂરી લાગે છે.

Most Popular

To Top