SURAT

વિન્ટર શિડ્યુલમાં સુરતથી શારજાહની ફ્લાઈટ ત્રણ દિવસ દોડાવવાશે

સુરત: એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસની (Express) સુરત-શારજાહ (Surat-Sharjah) ફ્લાઇટને મળેલા સજ્જડ પ્રતિસાદને પગલે એરલાઇન્સે (Airlines) ઓક્ટોબર-2022થી માર્ચ-2023 સુધીના વિન્ટર શિડ્યુલમાં (Winter schedule) બુધવાર અને રવિવારના દિવસો યથાવત રાખી શુક્રવારના સ્લોટની માંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે કરી છે. અત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ સપ્તાહમાં બે દિવસ બુધવારે અને રવિવારે ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેટ કરે છે. આ ફ્લાઈટ માટે 189 સીટર વિમાનનો ઉપયોગ થાય છે. સુરતથી ઓગસ્ટ માસમાં 176 પેસેન્જર મળ્યા હતા.

એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ સપ્તાહમાં 3થી 4 દિવસ ઓપરેટ કરવા રજૂઆત
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતથી ઓપરેટ થતી આ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ સપ્તાહમાં 3થી 4 દિવસ ઓપરેટ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઓગસ્ટ-2022માં સુરત એરપોર્ટથી 1586 પેસેન્જર શારજાહ ગયા હતા. અને શારજાહથી 901 પેસેન્જર સુરત આવ્યા હતા. દુબઈમાં વેપાર ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારીઓ આ ફ્લાઇટનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. શારજાહથી વેપારીઓ ટેક્સી કરી દુબઇ પહોંચતા હોય છે. અગાઉ એક સમયે 8,500થી 10,000 રૂપિયામાં આ ફ્લાઇટની ટિકિટ મળતી હતી.

સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક પેસેન્જર સંખ્યા ઘટી રહી છે
હવે સામાન્ય દિવસોમાં ટિકિટનો દર 14,000 રૂપિયા સુધી રહે છે. છતાં સુરતથી સરેરાશ પ્રત્યેક ફ્લાઈટમાં 176 પેસેન્જર અવરજવર કરી રહ્યા છે. સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક પેસેન્જર સંખ્યા ઘટી રહી છે, ત્યારે છેલ્લા 3 મહિના દરમિયાન શારજાહ-સુરત ફ્લાઈટમાં પેસેન્જર સંખ્યા વધી હતી. દિવાળી વેકેશન જોતાં જો સપ્તાહમાં બે દિવસની ફ્લાઈટમાં ત્રીજો દિવસ ઉમેરાય તો વેકેશનમાં સુરતથી શારજાહ થઈ બાય રોડ દુબઇ જનારા પ્રવાસીઓને મોટી રાહત મળી શકે છે.

Most Popular

To Top