Business

RBI એ રેપો રેટ વધાર્યો તેના બીજા જ દિવસે આ બેન્કોએ આપ્યો ઝાટકો, લોન મોંઘી થઈ

નવી દિલ્હી (New Delhi): મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ ભારતીય રિઝર્વ બેંકે (RBI) રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. શુક્રવારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જે બાદ રેપો રેટ 5.40 ટકા પર પહોંચી ગયો છે. તેની અસર એક દિવસ પછી જ જોવા મળી છે. ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે ધિરાણના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સાથે સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ પણ ધિરાણ માટેના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

I-EBLR માં વધારો
ICICI બેન્કે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (I-EBLR) રિઝર્વ બેન્કના વધેલા રેપો રેટને અનુરૂપ બનાવવામાં આવ્યો છે. ICICI બેંકે કહ્યું કે I-EBLR હવે ઘટાડીને વાર્ષિક અથવા માસિક 9.10 ટકા કરવામાં આવ્યો છે. નવો દર 5 ઓગસ્ટ 2022થી લાગુ થઈ ગયો છે. સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે રેપો રેટ ના આધારે લોનના દરમાં વધારો કર્યો છે. જેના કારણે હવે લોન મોંઘી થશે. EBLR એ વ્યાજ દર છે જેની નીચે બેંકો ધિરાણની મંજૂરી આપતી નથી.

PNBએ રેપો લિન્ક્ડ ધિરાણ દરમાં વધારો કર્યો
પંજાબ નેશનલ બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક, રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) વધારીને 7.90 ટકા કર્યો છે. PNBએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારા બાદ રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ 7.40 ટકાથી વધારીને 7.90 ટકા કરવામાં આવ્યો છે. નવા દરો 8 ઓગસ્ટ 2022થી લાગુ થશે. આ તરફ RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવે તે પહેલાં જ ICICI બેંકે MCLRમાં ફેરફાર કર્યો હતો. બેંકો તેમના ધિરાણ દરો રેપો રેટના આધારે નક્કી કરે છે. આ કારણે રેપો રેટમાં ફેરફારની અસર લોનના વ્યાજ પર પડે છે.

ફુગાવાને કાબૂમાં લેવાનો પ્રયાસ
છૂટક ફુગાવો સતત 7 ટકાથી ઉપર રહેતો હોય મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વિશ્વભરમાં ફુગાવો રેકોર્ડ સ્તરે છે. ભારત ફુગાવાના ઊંચા દરનો સામનો કરી રહ્યું છે. જૂન એ સતત છઠ્ઠો મહિનો હતો જ્યારે રિટેલ ફુગાવો રિઝર્વ બેંકની ઉપલી મર્યાદાને વટાવી ગયો હતો.

Most Popular

To Top