Trending

આયુર્વેદીક સિરપ પીધા બાદ મોતનો સિલસીલો શરૂ થયો !

નડિયાદ : નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ઉપરા છાપરી 5ના મોતની ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. આ મુદ્દાને પોલીસે ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં બિલોદરા ગામના વેપારીએ વેચેલા આયુર્વેદીક સિરપ પીધા બાદ ત્રણના મોતની શંકા ઉઠી હતી. જોકે, બગડુ ગામના મોત સંદર્ભે પોલીસને ખાસ કડી મળી નથી. બીજી તરફ બિલોદરાના વેપારીની અટક કરી પુછપરછ કરતાં તેણે 50થી 60 વ્યક્તિને દવા વેચી છે, જેથી પોલીસે હરકતમાં આવી આરોગ્ય વિભાગને સાથે રાખી ગામમાં તપાસ હાથ ધરી છે. જેમાં કોઇને લક્ષણ દેખાય તો તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની સુચના આપી હતી.

મહેમદાવાદના વડદલા ગામના મિતેશભાઈ નવઘણભાઈ ચૌહાણ (ઉ.વ.27) તેમના બનેવી અલ્પેશ બાબુભાઈ સોઢા (રહે. બગડુ)ના ઘરે ખાતમુર્હૂત પ્રસંગે 27મીના રોજ ગયાં હતાં. મિતેશભાઈએ ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. દરમિયાનમાં 28મીના રોજ વ્હેલી સવારના તેઓની તબિયત બગડી હતી. ઉલટી અને ચક્કર આવતા તેમના બનેવી અલ્પેશભાઈ તાત્કાલિક રીક્ષામાં વડદલા ગામે લઇ જવા નિકળ્યાં હતાં. પરંતુ રસ્તામાં જ તેમની તબિયત વધુ બગડતા 108ને બોલાવી હતી. પરંતુ 108ના ફરજ પરના કર્મચારીએ મિતેશભાઈ નવઘણભાઈ ચૌહાણને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આમ છતાં મિતેશભાઈને મહેમદાવાદ સરકારી હોસ્પિટલ, વેદ હોસ્પિટલ મહેમદાવાદ ખાતે લઇ ગયાં હતાં, ત્યાં પણ ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં.

આથી, તેઓની અંતિમ વિધિ વડદલા ગામે કરવામાં આવી રહી હતી, તે સમયે અલ્પેશ બાબુભાઈ સોઢાને પણ ગભરામણ થતાં મહેમદાવાદ વેદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં 29મીની રાત્રિના મોત નિપજ્યું હતું. આમ, બે દિવસના ગાળામાં સાળા – બનેવીના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો. પરંતુ પ્રાથમિક તબક્કે કોઇને અજુગતું લાગ્યું નહતું અને આ અંગે કોઇએ પોલીસને જાણ કરી નહતી. બીજી તરફ નડિયાદના બિલોદરા ગામના નટુભાઈ રમણભાઈ સોઢાને પણ ગભરામણ અને ઉલટી થતાં તેમને સારવાર માટે મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

તેઓની સારવાર પ્રથમ ઇમરજન્સીમાં અને બાદમાં આઈસીયુમાં ચાલુ કરવામાં આવી હતી. તેવી જ રીતે બિલોદરા ગામના અર્જુન મંગળભાઈ સોઢાને પણ ગભરામણ અને ચક્કરની ફરિયાદના કારણે મહાગુજરાતમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેઓની સારવાર કરાવ્યા બાદ તેઓના પરિવારજનો અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કર્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન નટુભાઈ સોઢાની તબિયત નાદુરસ્ત હોય તેઓ આઈસીયુમાં સારવાર લઇ રહ્યાં હતાં.

હજુ આ બાબતે કોઇ નોંધ લે તે પહેલા બિલોદરા ગામના અશોક ડાહ્યાભાઈ સોઢાનું પણ શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ વિગત બહાર આવતા પંથકમાં હોહા મચી ગઈ હતી. આથી, કંઇક ગડબડ હોવાનું જણાતાં ખેડા જિલ્લા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં બિલોદરા ગામમાં તપાસ હાથ ધરતાં ગામની કરિયાણા અને પરચુરણ સામાનની દુકાન ધરાવતા કિશન ઉર્ફે નારાયણ સાંકળભાઈ સોઢાની કરિયાણાની દુકાનમાંથી કાલ મેઘા આસવ નામની આર્યુવેદીક દવા ખરીદી પીધી હતી.

આથી, પોલીસ ચોંકી ગઇ હતી. પોલીસને એ પણ ધ્યાનમાં આવ્યું કે ગામના બળદેવભાઈ સોઢાએ દેવ દિવાળીના આગલા દિવસે કિશન સોઢાની દુકાનેથી મેઘા આસવ નામનું પીણું પીધું હતું અને બાદમાં તબિયત ખરાબ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની તબિયત સુધરતા ઘરે આવી ગયાં હતાં. જેથી પોલીસે કડી મેળવતાં તેને પણ મૃતકો જેવી જ તકલીફ થયાનું વર્ણન કર્યું હતું. આથી, પોલીસે કિશનની અટક કરી હતી. જેની પુછપરછમાં તેના પિતા જ સાંકળભાઈ મંગળભાઈ સોઢાએ આયુર્વેદીક પીણુ પીતા તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. પરંતુ પોલીસે સતર્કતા દાખવી સાંકળભાઈને અમદાવાદ સિવિલ ખસેડ્યાં હતાં. આ અંગે પણ પોલીસે જાણવા જોગ દાખલ કરી અલગથી તપાસ હાથ ધરી છે.

બિલોદરામાં મેઘા આસવ નામની આયુર્વેદીક દવા વેચનાર કિશન ઉર્ફે નારાયણ સાંકળભાઈ સોઢાની અટક કરી પુછતા આ દવા નડિયાદના યોગેશ પારૂમલ સિંધી પાસેથી ખરીદ્યું હોવાનું કબુલ્યું હતું. આ યોગેશ સિંધીએ પણ આયુર્વેદીક મેઘા આસવ પાસેથી લાવેલાં હોવાનું કબુલ્યું હતું. હાલ પોલીસે આ બન્નેની અટક કરી બનાવના મુળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આ તપાસમાં એસએમસી, એફએસએલ, ફુડ એન્ડ ડ્રગ્સ, પ્રોહિબિશન અને એક્સાઇઝની ટીમ પણ જોડાઇ છે. હાલ આ સંબંધે 3ની પુછપરછ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં મિથાઇલ આલ્કોહોલ મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. જે અંગે પોલીસે તમામ શક્યતા પર તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top