SURAT

પાલ ગૌરવપથ રોડ પર ફૂલસ્પીડમાં દોડતી કારે યુવકને જોરદાર ટક્કર મારી, 12 ફૂટ ઊંચે ઉછળી પટકાયો, CCTV

સુરતઃ મિત્રને મળીને ઘરે પરત આવતાં પાલનપુર ગામના વિદ્યાર્થીને ગૌરવપથ રોડ ઉપર સેવિયન સર્કલ પાસે કારચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. યુવક કે.પી. કોમર્સ કોલેજમાં S.Y Bcomમાં અભ્યાસ કરતો હતો.

  • પાલ ગૌરવપથ રોડ પર ભયંકર અકસ્માત
  • કારે ટક્કર મારતા યુવક 12 ફૂટ ઊંચે ઉછળ્યો
  • કે.પી. કોમર્સ કોલેજના યુવકનું અકસ્માતમાં મોત
  • કાર ચલાવનાર 18 વર્ષીય યુવકની ધરપકડ

પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. પ્રવીણભાઈ એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. તેમજ તેમનો પુત્ર ધ્રુવાંગ કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

ગુરુવારે સવારે 11:30 વાગ્યાના સુમારે ધ્રુવાંગ તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ ઘરે પરત આવી રહ્યો હતો. દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે મોપેડ ગાડી પર ટર્ન લઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી ફોક્સવેગનના કાર ચાલકે ધ્રુવાંગની મોપેડને અડફેટે લીધી હતી. ધ્રુવાંગ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાયો હતો. જેથી ધ્રુવાંગને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

એકમાત્ર દીકરાના અકસ્માત મોતથી પરિવાર આઘાતમાં
બાબુભાઇ (મૃતકના ફુવા) એ જણાવ્યું હતું કે ધ્રુવાંગ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ધ્રુવાંગ કેપી કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં ભણતો હતો. અકસ્માતની જાણ થયા બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. કોઈ પણ માનવા જ તૈયાર નથી કે ધ્રુવાંગ હવે નથી રહ્યો. પરિવારમાં ધ્રુવાંગ લાડકો દીકરો હતો. કાર ચાલક 16-18 વર્ષનો હોવાનું અને પોલીસે એની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કાર ચાલક 18 વર્ષના યુવકની ધરપકડ
આ કેસમાં પોલીસ દ્વારા 18 વર્ષીય દેવ નીતિન પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. 18 વર્ષીય દેવ પટેલે ફૂલસ્પીડમાં કાર દોડાવી રસ્તો ક્રોસ કરતા ધ્રુવાંગને અડફેટે લીધો હતો. મોપેડ પર રસ્તો ક્રોસ કરતો ધ્રુવાંગ દેવને ન દેખાયો અને ટક્કર મારી દીધી હોવાની વિગતો મળી છે. ટક્કર એટલી જોરદાર હતી કે ધ્રુવાંગ ફંગોળાઈને 12 ફૂટ દૂર પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી દેવ નીતિન પટેલની ધરપકડ કરાઈ છે.

Most Popular

To Top