Business

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં ભારે ઉત્સાહ, નિફ્ટીએ રચ્યો નવો ઈતિહાસ

મુંબઈ (Mumbai) : બીએસઈ (BSE) બાદ હવે નિફ્ટીએ (Nifty) નવી ઊંચાઈ હાંસલ કરી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીના (Election) પરિણામો (Result) પહેલા નિફ્ટીએ નવો ઈતિહાસ રચીને રેકોર્ડ હાઈ લેવલ હાંસલ કર્યું છે. શુક્રવારે તા. 1 ડિસેમ્બર, 2023 ના રોજ નિફ્ટી 1.99% એટલે કે 395.40 પોઈન્ટ ઉછળીને 20,225.80 પર પહોંચ્યો છે. 20 હજારની સપાટી વટાવીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ નિફ્ટીએ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે તેણે પ્રથમ વખત 20,000 ની સપાટી વટાવી હતી.

સેન્સેક્સે પણ એક મોટો માઈલસ્ટોન નોંધાવ્યો હતો
આ અગાઉ બે દિવસ પહેલાં તા. 29 નવેમ્બરે સેન્સેક્સે નવો ઈતિહાસ નોંધાવ્યો હતો. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન પહેલીવાર 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું, જે તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી છે. સેન્સેક્સનું માર્કેટ કેપ 4.1 ટ્રિલિયન ડોલર અથવા રૂ. 3,33,26,881.49 કરોડ નોંધાયું હતું.

સવારથી બજારમાં ભારે હલચલ
આજે સવારથી બંને બજારોમાં ભારે હલચલ જોવા મળી છે. સવારે બીએસઈ મોટો ઉછાળો નોંધાવી 67 હજારના સ્તરને પાર કરીને 67,181.15 પર ખુલ્યું હતું. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 363.29 પોઈન્ટ અથવા 0.54% વધીને 67,352 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 21 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 9 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી વિશે વાત કરીએ તો તે 20,194.10 પર ખુલ્યું હતું. થોડા સમયની અંદર તે સર્વોચ્ચ સપાટીને વટાવી ગયું હતું. સવારે 10 વાગ્યે નિફ્ટી 1.99% અથવા 395.40 પોઈન્ટના વધારા સાથે 20,225.80 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ ક્ષેત્રોના રોકાણકારોને નફાની આશા
નિફ્ટી સેક્ટરની વાત કરીએ તો ઓટો અને આઈટી સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટર્સમાં વધારો નોંધાયો છે. બેન્ક નિફ્ટી 0.92 ટકાના વધારા સાથે 44,893.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેવી જ રીતે એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેંકો, ખાનગી બેંકો જેવા ક્ષેત્રોમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. મતલબ કે આ ક્ષેત્રોના શેર ખરીદનારા રોકાણકારો નફો કરી શકે છે.

Most Popular

To Top