Entertainment

‘આદિપુરુષ’ ચારેબાજુથી ઘેરાઈ: ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે કહ્યું ડાયલોગ બદલવામાં આવશે

મુંબઈ: પ્રભાસની (Prabhas) ફિલ્મ આદિપુરૂષ (Adipurusha) 16 જુનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા છે. ફિલ્મ રિલીઝ થતાં જ આ ફિલ્મની ટીકા કરવામાં આવી હતી. ત્યારે હવે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે આ વિવાદ વચ્ચે ટ્વિટ કરીને કહ્યું છે કે આ અઠવાડિયે ફિલ્મના વિવાદાસ્પદ સંવાદો બદલવામાં આવશે. અને ફિલ્મને ફરી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત હિન્દુ સેનાના (Hindu Sena) રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા (Vishnu Gupta) વતી આ ફિલ્મને સ્ક્રીનિંગ થતી રોકવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. દાખલ થયેલી અરજીમાં ફિલ્મમાં અમુક ડાયલોગ અને બતાવવામાં આવેલ અનેક દ્રશ્યોને હટાવવાની માંગ કરવામાં આવી છે.

મનોજ મુન્તાશીરે શનિવારે કહ્યું હતું કે ફિલ્મમાં આવી ભાષાનો ઉપયોગ ભૂલથી કરવામાં આવ્યો નથી, પરંતુ તે જાણી જોઈને કરવામાં આવ્યો છે જેથી યુવા પ્રેક્ષકો તેને સરળતાથી સમજી શકે. તેમણે કહ્યું કે ભારતના ઘણા વાર્તાકારો સમાન ભાષામાં વાર્તાઓ સંભળાવતા આવ્યા છે. પરંતુ હવે મનોજે ફિલ્મના ડાયલોગ્સને લઈને ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે કહ્યું કે તેમની માટે લોકોની ભાવનાઓથી વધુ કંઈ મહત્વનું નથી. જેના કારણે ફિલ્મમાં ડાયલોગ બદલવામાં આવશે અને આવતા અઠવાડિયે તેને ફરી રજૂ કરવામાં આવશે.

મનોજે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે ‘આદિપુરુષ’માં ભગવાન શ્રી રામની સ્તુતિ માટે તેને પ્રશંસા નથી મળી. પરંતુ લોકોએ 5 લીટીઓ માટે તેમની ટીકામાં ઘણું કહ્યું છે. ટ્વીટમાં તેણે લખ્યું ‘રામકથાનો પહેલો પાઠ એ છે કે દરેક લાગણીનું સન્માન કરવું. સાચું કે ખોટું, સમય બદલાય છે, લાગણી રહે છે. મેં આદિપુરુષમાં 4000 થી વધુ લીટીના સંવાદો લખ્યા છે પણ માત્ર 5 લીટીઓ પર ચાહકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.

મનોજે કહ્યું ‘મારા પોતાના ભાઈઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા છે. તેણે કહ્યું શક્ય છે કે 3 કલાકની ફિલ્મમાં મેં 3 મિનિટ માટે તમારી કલ્પના કરતાં કંઇક અલગ લખ્યું હોય પરંતુ મને ખબર નથી કે લોકો મને સનાતન-દ્રોહીની ઉપમા આપવા માટે આટલી ઉતાવળ કેમ કરી રહ્યાં છે?’

સંવાદો બદલવાનું વચન આપતાં ટ્વિટના અંતે મનોજે લખ્યું કે તેઓ તેમના સંવાદોની તરફેણમાં અસંખ્ય દલીલો આપી શકે છે પરંતુ તેમણે ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શકો સાથે મળીને નિર્ણય લીધો છે કે સંવાદો બદલવા જોઈએ. તેણે દર્શકોને વચન આપતા લખ્યું, ‘મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે, કેટલાક સંવાદો જે તમને પસંદ નથી આવી રહ્યા તેને અમે સુધારીશું અને આ અઠવાડિયે નવા ડાયલોગ સાથે ફિલ્મ રજૂ કરીશું.

Most Popular

To Top